Amreli Lion Attack : અમરેલીના રાજુલા પંથકમાં બીમાર સિંહનું રેસ્કયૂ કરવા ગયેલી વન વિભાગની ટીમ પર સિંહે હુમલો કર્યો (Lion attacks Forest Department team) છે. રાજુલા તાલુકાના બાર પટોળી ગામે બનેલી ઘટનામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડીયા અને ટ્રેકર ભરત જોગદીયાને ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઘવાયેલા ટ્રેકર ભરતભાઈને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાના પગલે વન વિભાગના DCF સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી આવી આ મામલે તપાસ આરંભી છે.
રાજુલાના બાર પટોળી ગામની સીમમાં એક સિંહ બીમાર હોવાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ તેને રેસ્કયૂ કરવા ગત 26 સપ્ટેમ્બરની રાતે સ્થળ પર પહોંચ્યા હતા. બીમાર સિંહનું રેસ્ક્યૂ કરવા વન વિભાગની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમિયાન સિંહે અચાનક હુમલો કરી દેતા અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી. સિંહના હુમલામાં ફોરેસ્ટર એમ. જે. ખાવડીયા અને ટ્રેકર ભરત જોગદીયા ઘાયલ થયા હતા. બંનેને ઘાયલ અવસ્થામાં રાજુલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટ્રેકર ભરત જોગદીયાને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.








