Monday, November 9, 2026
HomeGujaratગુજરાત હાઈકોર્ટમાં સબ્મીટ થયેલા આ રિપોર્ટથી ખુદ DGP પણ અજાણ, અધિકારીઓ પર...

ગુજરાત હાઈકોર્ટમાં સબ્મીટ થયેલા આ રિપોર્ટથી ખુદ DGP પણ અજાણ, અધિકારીઓ પર જાણે બોમ્બ ફૂટ્યો | શતરંજ-84

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-84, નવજીવન ન્યૂઝ): આઇજીપી કેશવ દત્તે બપોર સુધી પોતાની ઍફિડેવિટ તૈયાર કરી. સીધા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા. જોકે ત્યાં ફરી રહેલા કોર્ટ-રિપોર્ટરોએ દત્તને જોયા હતા, પણ કોઈને પણ શંકા ના ગઈ અથવા ઉત્સુકતા ના થઈ કે દત્ત કોર્ટમાં કેમ છે. કેટલાક પત્રકારો તેમને મળ્યા પણ ખરા, ત્યારે દત્તે રૂટિન કામે આવ્યા હોવાનું જણાવ્યું અને પત્રકારોએ માની પણ લીધું. કેશવ દત્ત સીધા ઍડ્વોકેટ- જનરલ મોહન મહેતાની ચેમ્બરમાં ગયા. મહેતાએ ધ્યાનથી એક-એક લીટી વાંચી અને કહ્યું, “સર, ગુડ; એકદમ પરફેક્ટ ઍફિડેવિટ છે.” મહેતાએ પોતાના પ્યૂનને બોલાવી એક કવર મંગાવ્યું અને દત્તને કહ્યું, “સર, કવરમાં મૂકી સીલ કરી દો. આપણે હાઇકોર્ટ રજિસ્ટારમાં જ મોકલી આપીએ. આવતી કાલે જ મુદત છે.” હાઇકોર્ટ સામે સીલ કવરમાં યાકુબ મેમણ અને સુલતાનાની કસ્ટડી ઍન્કાઉન્ટર પહેલાં પોલીસ પાસે હતી તેવો એસઆઇટીનો રિપોર્ટ પહોંચી ગયો હતો. તેનો સ્પષ્ટ અર્થ થતો હતો કે, પોલીસની ઍન્કાઉન્ટરની થિયરી ખોટી છે. બંનેની હત્યા કરવામાં આવી હતી. જોકે આ પ્રકારનો કોઈ રિપોર્ટ હાઇકોર્ટમાં પહોંચી ગયો છે તે વાતથી જે. કે. વછરાજાની અને ઇન્દ્રસિંહ જાડેજા સહિત બધા જ અજાણ હતા. આ વાત માત્ર મંત્રી ઠાકોર, ઍડ્વોકેટજનરલ અને કેશવ દત્ત જ જાણતા હતા. ખુદ ડીજીપી રામકિશોર ચૌબે પણ અંધારામાં હતા. આ શાંતિનો માહોલ સ્મશાનમાં અગ્નિદાહ પહેલાંની શાંતિ જેવો હતો. થોડાક સમયમાં બધી જ ઘટનાઓ અગ્નિદાહ પછી આકાશમાં ભળી જતા ધુમાડા જેવી થઈ જવાની હતી.

સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં રાજસ્થાન પોલીસના અધિકારી ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર કાન્તિ ડામોર અને ઇકબાલ શેખ પહોંચી ગયા હતા. ત્રણે પોલીસ-અધિકારીઓ ઇન્સ્પેક્ટર વિનોદ પરમારની ચેમ્બરમાં હતા. તેમના ચહેરા ઉપરની બેચેની કંઈક પણ વાંચી શકાય તેવી હતી. પરમારે તેમને ચા-પાણી પિવડાવ્યાં અને જમવાનું પણ પૂછ્યું હતું, પણ તેમણે ના પાડી હતી. બપોર થવા છતાં તેમની સાથે કોઈ વાત કરતું ન હતું. પીઆઇ રાજપૂત દર અડધો કલાકે પોતાની કાંડા-ઘડિયાળમાં જોતા અને પછી પરમાર સામે જોતા હતા. પરમાર પોતાના કામમાં હતા. ક્યારેક રાજપૂત ઉપર કોઈનો ફોન આવતો તો તે બહાર જઈ વાત કરતા હતા. રાજપૂત એટલું જ કહેતા : “નહીં સર; અભી બિઠા કે રખા હૈ. કોઈ સ્ટેટમેન્ટ નહીં હુવા.” સામેથી ફોન કરનાર એસટીએફના એસપી રાયસિંગ રાઠોડ હતા. તે ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસમાં ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજા પાસે બેઠા હતા. જોકે તેમને સમન્સ નહોતું મળ્યું, પણ પોતાના સ્ટાફનું મનોબળ જળવાઈ રહે તે માટે અમદાવાદ આવ્યા હતા. પહેલાં તો તે પણ તેમના સ્ટાફ સાથે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં જવાના હતા, પણ જાડેજાની સલાહ માની તેમણે ત્યાં જવાનું માંડી વાળ્યું હતું.

- Advertisement -

રાયસિંગ રાઠોડ પણ બેચેન હતા. તે પોતાના સ્ટાફને કેવા પ્રકારના સવાલ પુછાશે, તેના જવાબ કેવા હશે તેવું તૈયાર કરાવીને લાવ્યા હતા. પણ તેમને ચિંતા થતી હતી કે બપોર થઈ ગઈ પણ હજી તેમનાં સ્ટેટમેન્ટ કેમ થતાં નથી?! બંને તરફ રાજસ્થાન પોલીસના અધિકારીઓની હાલત કફોડી હતી. જોકે જાડેજા અઘોરી બાબાને મળી આવ્યા અને તેમના ખિસ્સામાં સુરક્ષાકવચ હોવાને કારણે તેમના વ્યવહારમાં ફેર પડી ગયો હતો. તેમનો ડર પહેલાં કરતાં ખાસ્સો ઘટી ગયો હતો. રાઠોડ તેમને થોડી થોડી વારે પૂછતા : “સર, જરા તહકીકાત તો કીજિયે માંજરા ક્યા હૈ?” જાડેજા તેમને શાંત કરતાં કહેતા, “દેખો રાઠોડ… અપને મન કો શાંત રખો. યહ મેન્ટલ ગેમ હૈ. હમ પરેશાન ભી હો વહ બાત હમારે ચહેરે પે નહીં આની ચાહિયે. અગર ડીઆઇજી વિવેક પંત કો ઇસકી ભનક ભી લગ ગઈ તો વો ઉનકી ગેમ બદલ દેંગે.” રાઠોડને તેમની વાત સાચી લાગી હતી.

આમ કરતાં કરતાં સાંજના ચાર વાગી ગયા. કિરણ રાજપૂત અંદરથી અકળાયો હતો, પણ તેણે ગુસ્સે થયા વગર પરમારને પૂછ્યું, “સર, હમારા સ્ટેટમેન્ટ કબ હોંગા?” પરમારે પણ ઘડિયાળ સામે જોતાં કહ્યું, “અરે ચાર બજ ગયે?! પંત સા’બ આપ સે મિલના ચાહતે થે. ઉન્હોંને કહા મૈં આકર બાત કરતા હૂં ઇસી લિયે મૈંને સ્ટેટમેન્ટ નહીં લિયા. રૂકો… ઉનકો પૂછકે આતા હું.” કહી પરમાર સીધા વિવેક પંતની ચેમ્બરમાં ગયા. પરમારને જોતાં જ પંતે કહ્યું, “આઇયે પરમાર, આપ કે મેહમાન કૈસે હૈં?” પરમારને ખબર પડી કે તે રાજસ્થાન પોલીસ અંગે વાત કરે છે, એટલે તેમણે જવાબ આપ્યો, “સર, આપ ઇન્ટ્રોગેટ કરને કે લિયે આને વાલે થે… “પંત હસવા લાગ્યા. પરમારને બેસવાનો ઇશારો કરતા કહ્યું, “અરે બૈઠો પરમાર. ક્યા ઉતાવલ હૈ? બાત કરેંગે ઉનસે? રાજસ્થાન સે ઇતની દૂર સે આયે હૈં… થક ગયે હોંગે. આરામ તો કરને દો.” પરમાર સમજી ગયા હતા કે પંત ઇરાદાપૂર્વક તેમને બેસાડવા માગે છે. છતાં પરમારે કહ્યું : “સર, ઉનકા સ્ટેટમેન્ટ લેના હૈ.”

પંતે ટેબલ ઉપર રહેલા પાણીનો ગ્લાસ મોઢે માંડતાં કહ્યું, “સાલે સુવ્વર સચ બોલેંગે ક્યા? મુજે ઔર તુમ્હેં દોનોં કો માલૂમ હૈ ઉનકા જવાબ ક્યા હોગા.” પછી પંતે બે કૉફી મગાવી. પરમાર જવાની ઉતાવળમાં હતા, પણ પંત તેમને બેસાડી જૂની જૂની વાતો યાદ કરી ગપ્પાં મારી રહ્યા હતા. પરમારને એવું લાગી રહ્યું હતું તે આરોપી છે અને પંત તેમને જવા દે તો સારું છે. પાંચ વાગ્યા. પરમારે ઘડિયાળ સામે જોયું તે જ વખતે પંતની નજર પણ પરમાર ઘડિયાળ જોઈ રહ્યા છે તે તરફ ગઈ. તેમણે એક સ્મિત આપી કહ્યું, “કોઈ બાત નહીં, પરમાર, મુઝે લગતા હૈ આજ તો ઉનસે મેરી બાત નહીં હો પાયેગી. ઔર ભી કામ હૈ મેરે પાસ. એક કામ કરો… ઉનકો કલ કા સમન્સ દે દો. કલ બાત કર લેંગે.” પરમાર કંઈક વિચારવા લાગ્યા, પંતે કહ્યું : “સોચો મત પરમાર, યે મેન્ટલ ગેમ હૈ. પહલે કૌન થકતા હૈ યહ દેખના જરૂરી હૈ. સામને વાલા અપને આપ જીત જાતા હૈ.”

- Advertisement -

પરમાર પોતાની ચેમ્બરમાં પાછા ફર્યા ત્યારે પૂરો એક કલાક થઈ ગયો હતો. રાજપૂત, ડામોર અને શેખની નજર તેમની તરફ હતી. પરમાર પોતાની ખુરશીમાં બેઠા; રજિસ્ટરમાં કંઈક નોંધ કરી અને રાજપૂત તરફ રજિસ્ટર ધરતાં કહ્યું, “આપ તીનોં આપ કી હાજરી લગા દો.” પેલા કંઈ સમજે તે પહેલાં કૉન્સ્ટેબલને બોલાવી કહ્યું : “આવતી કાલના ત્રણ સમન્સ તૈયાર કરી નાખ અને હમણાં તેમને આપી દે.” રાજપૂત પરમાર સામે જોઈ રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે આખો દિવસ બેસાડી રાખી એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં અને હવે ફરી આવતી કાલે આવવાનું શું કામ કહે છે. પરમાર રાજપૂતનો ચહેરો જોઈ સમજી ગયા. તેમણે ધીમા અવાજે કહ્યું. “રાજપૂત, આપ યે આઇપીએસ કો જાનતે હો? મૈં ક્યા કરૂં? ઉન્હોંને કહ દિયા કિ આજ ટાઇમ નહીં… કલ બુલા લો. તો આપ કલ સુબહ ગ્યારહ બજે આ જાના. અભી આપ કો સમન્સ દે દેતા હૂં આજ આયે ઇસી લિયે ઇસમેં સાઇન કરકે નિકલ જાવ.”

પરમાર આખી વાત બહુ સહજતાથી કહેતા હતા, પણ રાજપૂતને લાગતું હતું કે, હજી મોતની માથે લટકતી તલવાર તો તેમની તેમ જ છે. બહાર નીકળતાં જ રાજપૂતે પોતાના એસપી રાયસિંગ રાઠોડને ફોન કરી ઘટનાક્રમ કહ્યો. તેમણે કહ્યું, “કોઈ બાત નહીં, મૈં સર્કિટહાઉસ પહુંચતા હૂં, આપ વહીં પે આ જાઓ.” આખો દિવસ ગુજરાત પોલીસના અધિકારીઓની નજર સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચ તરફ હતી. બધા જ એવું માનતા હતા કે ડીઆઇજી વિવેક પંત રાજસ્થાન પોલીસના બધા જ અધિકારીઓની ધરપકડ કરી દેશે. રાજસ્થાન પોલીસના ત્રણે પોલીસ-અધિકારીઓ ડીજીપી ઑફિસની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે પત્રકારો અને કૅમેરામેન તેમને ઘેરી વળ્યા અને પ્રશ્નોની વણઝાર ચાલી. પત્રકારોને પણ આશ્ચર્ય હતું કે આ પોલીસ-અધિકારીઓને જવા કેમ દીધા! જોકે પત્રકારોના એક પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર ત્રણે પોલીસ-અધિકારીઓ રાજસ્થાન પોલીસની કારમાં બેસી અમદાવાદ તરફ રવાના થઈ ગયા.

બધાની ધારણા પંતે ખોટી પાડી હતી. પંત શું કરવા માગે છે તેનો અંદાજ તો હવે ઇન્સ્પેક્ટર પરમાર પણ લગાવી શકતા ન હતા. છતાં પરમારના મનમાં એક આત્મવિશ્વાસ હતો કે વિવેક પંત કોઈ માસ્ટર સ્ટ્રોક મારશે જેની કોઈને કલ્પના નહીં હોય. રાજસ્થાન પોલીસની ટીમ સર્કિટહાઉસ પહોંચી ત્યારે પોર્ચમાં એસપી રાયસિંગ રાઠોડ આંટા મારી રહ્યા હતા. ત્રણે પોલીસ-અધિકારીઓએ પરત આવતાં રાઠોડ રોકાઈ ગયા. ત્રણે પોલીસ-અધિકારીઓએ કારમાંથી ઊતરતાં જ તેમને સલામ કરી. રાઠોડ ઉતાવળમાં હતા. તેમણે કહ્યું, “મેરે રૂમ મેં ચલો. વહાં બાત કરતે હૈં.” રાયસિંગ રાઠોડે આખા દિવસની વાત ફરી ધ્યાનથી સાંભળી. પછી કંઈક વિચાર કરવા લાગ્યા. ત્યારે ત્રણે પોલીસ-અધિકારીઓ તેમની તરફ જોઈ રહ્યા હતા. તેમને આશા હતી કે રાઠોડ સાહેબ કોઈ રસ્તો કાઢશે. રાઠોડે પોતાનો મોબાઇલ ફોન લઈ નંબર ડાયલ કર્યો. થોડી વાર પછી સામે છેડેથી ફોન ઊપડતાં જ તેમણે કહ્યું : “જયહિંદ સર, રાઠોડ બોલ રહા હૂં. મૈંને ગુજરાત આને કે પહલે બતાયા થા, લેકિન મુઝે લગતા હૈ યહાં કે હાલાત ઠીક નહીં. કુછ ગરબડ હૈ, લેકિન કોઈ બતા નહીં રહા હૈ.” પછી સામેથી કંઈક વાત થઈ પણ શી થઈ તે રાઠોડ સિવાય કોઈને ખબર ન હતી. રાઠોડે ‘થૅંક્યુ’ કહી ફોન મૂકી દીધો. રાજપૂતથી ના રહેવાયું. તેણે પૂછ્યું, “ક્યા હુવા સર?” રાઠોડે લાંબો શ્વાસ લેતાં કહ્યું, “એમઓએસ ફૉર હોમ મિ. ઓમ મીણા સે બાત કી. વો ખુદ કલ સુબહ ગુજરાત આ રહે હૈં.”
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular