પ્રશાંત દયાળ (શતરંજ-76, નવજીવન ન્યૂઝ): સવાર થતાં પત્રકારોના ફોનની ઘંટડી રણકવા લાગી. બધા પત્રકારો એકબીજાને સવાલ કરતા હતા કે ‘આપણને કેમ ખબર ના પડી?’ એક માત્ર આદેશના અખબારમાં નિઝામ કેસમાં ત્રણ પોલીસ-અધિકારીઓની ધરપકડની હેડલાઇન હતી. ફરી વખત આદેશના તંત્રીને આદેશ માટે ગૌરવ થયું હતું. જોકે આદેશ અને તેના તંત્રીને ઊભા રહે બનતું ન હતું. છતાં આદેશ વગર ચાલે તેમ પણ ન હતું. સવારથી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચની બહાર પત્રકારો અને ટેલિવિઝન ચૅનલના ક્રૂ મેમ્બર આવવા લાગ્યા હતા. જોકે કોઈ પણ પત્રકારને ઑફિસમાં પ્રવેશ કરવાની મનાઈ હતી. પત્રકારો આવશે જ તેવી ખબર હોવાને કારણે પહેલાથી સ્ટેટ રિઝર્વ પોલીસ ફૉર્સની એક ટીમને ડીજીપી ઑફિસની બહાર ખડકી દેવામાં આવી હતી. ટીવી ચૅનલો ઉપર પણ પત્રકારો અને ઍન્કરો રીતસરના બરાડા પાડી પાડીને ત્રણ પોલીસ-અધિકારીઓની ધરપકડના સમાચારો આપી રહ્યા હતા. કોઈ પણ સામાન્ય માણસને ટીવીના સમાચારો જોતાં એવું જ લાગે કે ખરેખર દેશમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે, તે માત્ર પત્રકારને કારણે અટકી રહ્યું છે. જો ટીવી કે પત્રકારો ના હોત તો આપણું શું થાત?! પણ પ્રજાને ક્યાં ખબર હોય છે, કે જે પત્રકારો આજે પોલીસને ભાંડી રહ્યા હતા, તે આ જ પોલીસ-અધિકારીઓની ચાપલૂસી કરવામાંથી પણ ઊંચા આવતા ન હતા. ચાપલૂસી વધારે કોણ કરી જાય તેની પણ હોડ લાગતી હતી.
મહેશ અને વિનયને ઍન્કાઉન્ટર-સ્પેશિયાલિસ્ટ કહી તેમની એટલી બધી સ્ટોરી ચલાવી હતી કે, એક તબક્કે તો એવું જ લાગવા માંડ્યું હતું કે પ્રજા આ બે પોલીસ-અધિકારીઓના કારણે જ ઘરમાં નિરાંતે સૂઈ શકે છે. સ્ટોરીની અસર માત્ર પ્રજા ઉપર જ નહીં, પણ ખુદ વિનય અને મહેશ ઉપર પણ થઈ હતી. તેમને પણ પોતાની સ્ટોરી વાંચી એવું લાગતું હતું કે, આકાશમાં બેઠેલા ઈશ્વર પછી પૃથ્વી ઉપર લોકોના ઉદ્ધારક તરીકે હવે તેઓ જ છે. પણ સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચમાં બેઠેલા ઇન્સ્પેક્ટર મહેશ રાવના મનમાં ગડમથલો શરૂ થઈ હતી. રાતે દીકરીની પાર્ટીમાંથી જે રીતે ધરપકડ થઈ હતી, તેનું મહેશ, વિનય અને દિનેશ નાયર ત્રણેને ખરાબ લાગી રહ્યું હતું. જોકે થાકેલા હોવા છતાં એકે પણ રાતે મટકું માર્યું ન હતું. સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચમાં ત્રણ પોલીસ-અધિકારીઓને લઈ આવ્યા બાદ ઇન્સ્પેક્ટર વિનોદ પરમારે સત્તાવાર રીતે તેમની ધરપકડ બતાવી તેમનો અરેસ્ટ મેમો બનાવ્યો હતો. નિયમ પ્રમાણે કોઈ નજીકના સગાને જાણ કરવાની હોય છે. પણ ત્રણે પોલીસ-અધિકારીઓએ પોતાના ઘરે જાણ કરવાને બદલે પોતાના કોઈ મિત્રના નંબર આપ્યા હતા.
પરમારે પોલીસ સ્ટેશનની ડાયરીમાં તેની એન્ટ્રી પણ કરી દીધી. રાતે પરમાર પણ સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસમાં જ હતા. સીઆઇડી પાસે પોતાનું લૉકઅપ નહીં હોવાને કારણે તેમજ આરોપીઓ તરીકે પોલીસ-અધિકારીઓ જ હોવાને કારણે તેમને ગાંધીનગર પોલીસના લૉકઅપમાં મૂકવાને બદલે સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં જ રાખ્યા હતા. સવારે એક પોલીસવાળો ચા લઈ આવ્યો હતો. મહેશે ચા પીવાની ના પાડી, ત્યારે દિનેશ નાયરે આંખના ઇશારે ચા લેવાની સૂચના આપતાં તેણે ચાનો કપ લીધો. મહેશને દરેક ઍન્કાઉન્ટર વખતે ખરાબ લાગતું હતું, પણ ક્રાઇમ-બ્રાન્ચ જેવું ક્રીમ પોસ્ટિંગ મળ્યું હોવાને કારણે તે ના પાડી શક્યો નહીં. બીજા દિવસે હીરો તરીકે તેના ફોટા છપાતા એટલે પાછો દોષિતપણાનો ભાવ જતો રહેતો અને ફરી બીજા ઍન્કાઉન્ટર માટે તૈયાર થઈ જતો હતો. પણ હવે તેને ખુલ્લી આંખે પણ નજર સામે અંધારું દેખાતું હતું. તેને રડવું હતું, તેને કેતા અને મેઘાની યાદ આવતી હતી, પણ એક પોલીસ-અધિકારી તરીકે તે રડે તો કેવું લાગશે તેવું માની તેણે રડવું રોકી લીધું. હવે ક્યારે જેલમાંથી છૂટશે તેની તેને ખબર ન હતી.
પોલીસ-અધિકારી હોવાને કારણે કોર્ટની કંટાળાજનક, થકવી નાખનારી અને નિરર્થક પ્રક્રિયાની ખબર હતી. કદાચ કોર્ટ નિર્દોષ પણ છોડે તો પણ વર્ષો નીકળી જવાના હતા. તેને પોતાની ઉપર ગુસ્સો આવી રહ્યો હતો, પણ તે લાચાર હતો. અચાનક વિનય ઊભો થયો. પહેલાં તો કોઈને કંઈ સમજાયું નહીં. તે ઇન્સ્પેક્ટર પરમાર પાસે ગયો અને બંધ ટેલિવિઝન-સેટ સામે ઇશારો કરતા કહ્યું, “સર, રિમોટ આપશો?” મહેશ અને દિનેશે એકબીજાની સામે જોયું. તેમને લાગ્યું કે આ ટીવી ના ચાલુ કરે તો સારું, કારણ કે તેઓ પોતાની જ ધરપકડના સમાચાર જોવા માગતા ન હતા. સમયની કેવી બલિહારી હતી! એક સમય હતો કે પ્રેસ-કૉન્ફરન્સ પૂરી કરી તેઓ તરત ટીવી ઉપર પોતાના સમાચાર જોતા અને આજે તેમને સમાચાર જોવા ન હતા. છતાં વિનયે ટીવી ઑન કરી દીધું.
બધી જ ચૅનલો ઉપર તેમના સમાચાર હતા. વિનય એક પછી એક ચૅનલો સર્ફ કરી રહ્યો હતો. બધા જ તેમને ભાંડી રહ્યા હતા. બે-ત્રણ મિનિટમાં વિનયે ટીવી ઑફ કરી દીધું, ધરપકડ પછી પહેલી વખત દિનેશ નાયર ખડખડાટ હસ્યા. મહેશને પણ હસવું આવ્યું. વિનય ઝંખવાણો પડી ગયો. દિનેશે હસતાં હસતાં વિનયને પૂછ્યું, “બસ! ટીવી દેખને કા શોખ પૂરા હો ગયા?” વિનયે પરાણે ચહેરા ઉપર સ્મિત આપ્યું. તે કંઈ બોલ્યો નહીં. નાયરે કહ્યું, “વિનય, અબ તો યહ રોજ કા હોગા. હમ ટીવી પે છા જાયેંગે. ઇસી કી આદત ડાલની હોંગી. કોર્ટ મેં જાયેંગે તો હમારે સ્વાગત કે લિયે ટીવીવાલે હાજિર રહેંગે. બુરા મત માનો. ઇસકી ભી આદત હો જાયેગી.” વિનય કંઈ બોલ્યા વગર પોતાની ખુરશી ઉપર બેસી ગયો. મહેશ ઊભો થયો. તેણે બારીનો પડદો ખસેડી નીચેની તરફ નજર કરી. એક મિનિટ નીચેનું દૃશ્ય જોયા પછી પડદો બંધ કરી પાછો પોતાની ખુરશી ઉપર આવી બેસી ગયો. મહેશ પત્રકારોને જોઈ રહ્યો હતો. વિનયે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. મહેશના ચહેરા ઉપર સ્મિત આપી નાયરની સામે જોતા કહ્યું : “સહી બાત હૈ, સર. હમારે સ્વાગત કી તૈયારી હો ચૂકી હૈ.”
સવારે રોજના નિયમ પ્રમાણે દૂધવાળાએ બેલ મારતાં કેતા ઊઠી અને દૂધ લીધું. મેઘા હજી સૂઈ રહી હતી. મોડી રાત સુધી મહેશના વિચાર ચાલુ હતા ત્યારે કેવી રીતે અને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. તેણે મનમાં નક્કી કર્યું કે ચા મૂક્યા પછી તે મહેશને ફોન કરશે. કેતાએ જોયું તો રોજ દૂધ આપવા આવતો દૂધવાળો તેને સતત જોઈ રહ્યો હતો. પહેલી વખત કેતાને લાગ્યું કે, તે વિચિત્ર નજરે જુએ છે, એટલે કેતાએ થોડા ગુસ્સામાં કહ્યું, “ક્યા દેખ રહે હો, ભૈયાજી?” ભૈયાજી ભાભીનો ગુસ્સો જોઈ ડઘાઈ ગયો. તેણે કહ્યું, “કછું નાહી ભાભી.” તે ફટાફટ દૂધ આપી નીકળી ગયો. દૂધ લઈ કેતા અંદર આવી રહી ત્યારે તેની નજર દરવાજામાં પડેલા ન્યૂઝ પેપર ઉપર પડી. પેપરવાળો તો બહુ જલદી પેપર નાખી જતો રહેતો હતો. તેણે ન્યૂઝ પેપર લીધાં અને ટિપાઈ ઉપર મૂકવા જતી હતી. ત્યાં જ તેની નજર પહેલા પાના ઉપર પડી. મહેશ, વિનય અને દિનેશ નાયરના ફોટા હતા. તેણે હેડલાઇન વાંચી અને ત્યાં જ સોફામાં બેસી ગઈ. તેની આંખોમાંથી ધડધડ આંસુ વહેવા લાગ્યા હતા.
પાર્ટીમાંથી મહેશની ધરપકડ થઈ હતી પણ તે વાતથી કેતા અજાણ હતી. તે ઘણી વાર સુધી રડતી રહી. તેને ખ્યાલ આવ્યો કે, દૂધવાળો છાપું વાંચીને આવ્યો હતો તેના કારણે તેની સામે આવી નજરે જોતો હતો. હવે તો રોજ બધા આવી રીતે જ જોવાના હતા! તે રડતી જ રહી. તેણે પોતાનો મોબાઇલ ફોન લીધો અને મહેશને ફોન જોડ્યો. તે મહેશનો અવાજ સાંભળવા માગતી હતી, પણ મહેશનો ફોન સ્વિચ ઑફ હતો. તેને યાદ આવ્યું… તેણે વિનયની પત્નીને ફોન જોડ્યો… તે હજી ઊંઘમાં હતી. કેતાને જે સમાચારો મળ્યા હતા તેની જાણકારી આપી… બસ સામેથી હીબકાં જ સંભળાયાં. અચાનક કેતાને યાદ આવ્યું કે મેઘા ઊઠીને પપ્પા વિશે પૂછશે તો શું જવાબ આપીશ. તેનું ધ્યાન ન્યૂઝ પેપર ઉપર ગયું, તેને ફાળ પડી. જો મેઘા ઊઠીને આ સમાચાર વાંચી જશે તો? કેતા ઊભી થઈ અને તેણે જેમાં મહેશની ધરપકડના સમાચાર હતા તે ન્યૂઝ પેપર ગડી કરી કબાટમાં મૂકી દીધું. કેતાની આંખ જોઈ મેઘાને ખબર ના પડે તે માટે તરત પોતાનો ચહેરો વૉશબેસિનમાં જઈ ધોઈ નાખ્યો. જાણે કંઈ જ બન્યું નથી તેવો પોતાનો વ્યવહાર રહે તે માટે તેણે પોતાને તૈયાર કરી. સ્ત્રી જ્યારે જિંદગી સામે લડી લેવાની તૈયારી કરે ત્યારે તેને કોઈના સહારાની જરૂર પડતી નથી.
સવારના અગિયાર વાગ્યા ત્યાં જ એક લાલ લાઇટવાળી ઈનોવા કાર ડીજીપી ઑફિસમાં દાખલ થઈ. બધા જ પત્રકારોની નજર કાર ઉપર હતી. કાર ડીઆઇજી અક્ષય જૈનની હતી. તેમની કાર પોર્ચમાં જઈ ઊભી રહી. પત્રકારો અને કૅમેરામેને તેમની તરફ દોટ મૂકી. ટીવીના પત્રકારોએ તેમના બૂમ અક્ષય જૈનની સામે ધરી દીધા. એકસાથે અનેક અવાજ સંભળાયા. “સર, સર, સર, આપને નિઝામ કેસ મેં કિસ કો અરેસ્ટ કિયા હૈ. સર, સર, કબ અરેસ્ટ હુઈ? કોનસી આઇપીસી કે તહત અરેસ્ટ હુઈ?” જૈનનો કમાન્ડો આડો હાથ કરી પત્રકારોને આગળ વધતા રોકી રહ્યો હતો. જૈન પણ ઑફિસમાં દાખલ થવાની ઉતાવળમાં હતા. તેમણે એટલું જ કહ્યું, “ડીજીપી સાહબ કે આને કે બાદ આપ કો બ્રીફિંગ દી જાયેંગી.”
(ક્રમશ:)








