S. Jaishankar remembered former Prime Minister Rajiv Gandhi : નરેન્દ્ર મોદી વડાપ્રધાન (Narendra Modi) બન્યા ત્યારથી અત્યાર સુધીમાં જવાહરલાલ નેહરૂનું નામ ભાષણમાં કેટલી વખત બોલ્યા હશે તેનો આંકડો કદાચ કોને ખબર નહીં હોય. મોદી અને તેમની સરકાર દેશની બરબાદી માટે ગાંધી પરિવાર (Gandhi Parivar) ને જવાબદાર ઠેરવવાનું ક્યાંય પણ ચૂકતી નથી. કેન્દ્રમાં સરકાર બની તેને 12-12 વર્ષ વીતી ગયા તેમ છતાં મોદી સરકાર આજે પણ ગાંધી પરિવારના સભ્યોના નામ લીધા વિના રહી શકતી નથી. દેશના વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકર 1980ના દાયકાની વાતમાં રાજીવ ગાંધીને લઈ આવ્યા છે. જયશંકરે દાવો કર્યો છે કે, 1988માં રાજીવ ગાંધી ચીન ગયા ત્યારે બંને દેશોની અર્થવ્યવસ્થા લગભગ સમાન હતી. ચીને આધુનિકીકરણ અપનાવ્યું, જ્યારે ભારતે તે તક ગુમાવી દીધી હતી. જેના કારણે ભારત અને ચીન વચ્ચે આર્થિક અંતર વધ્યું છે.
એસ. જયશંકરે એક કાર્યક્રમમાં ભારતની આ સ્થિતિ માટે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. જયશંકરે જણાવ્યું હતું કે 1988માં જ્યારે રાજીવ ગાંધી ચીનની રાજધાની બેઇજિંગ ગયા હતા ત્યારે ભારત અને ચીનની અર્થવ્યવસ્થા (Economies of India and China) નું કદ લગભગ એકસરખું હતું. ચીને આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને ભારત આ તકનો લાભ ઉઠાવવામાં રહી ગયું. 1980ના દાયકાની શરૂઆતમાં ભારત અને ચીનની કુલ GDP માં બહુ મોટો તફાવત ન હતો. ભારતની GDP અંદાજે 186 થી 200 અબજ અમેરિકી ડોલર હતી. જ્યારે ચીનની GDP લગભગ 300 અબજ અમેરિકી ડોલર આસપાસ હતી.
31 મે 2019ના રોજ ભારતના વિદેશી મંત્રી બનેલા એસ. જયશંકર (IFS) 38 વર્ષથી વધુ રાજદ્વારી કારકિર્દી દરમિયાન સિંગાપોર, ઝેક રિપબ્લિક, ચીન અને અમેરિકામાં રાજદૂત રહી ચૂક્યા છે. વર્ષ 2009થી 2013 દરમિયાન જયશંકર ચીનના રાજદૂત હતા. વિદેશ વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ ટાટા સન્સમાં વૈશ્વિક કોર્પોરેટ અફેર્સના પ્રમુખ તરીકે જોડાયા હતા. વર્ષ 2019માં જયશંકરને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો અને તે જ વર્ષમાં નરેન્દ્ર મોદીએ તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા.








