નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ સામે થતાં અપરાધોની સંખ્યામાં વધારો આવી રહ્યો છે, જેમાં મોટા ભાગે એક તરફી પ્રેમમાં આરોપીએ યુવતીની હત્યા કરી દીધી હોવાની ઘટના ઘણી સામે આવી છે. ગઇકાલે વડોદરાના છેવાડે આવેલા નેશનલ હાઇવે નજીક મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક યુવતીનો મૃતદેહ અત્યંત લોહી લુહાન હાલતમાં મળી આવ્યો હતો, યુવતીનો એક હાથ પણ કપાયેલી હાલતમાં મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આ આરોપીનું નામ કલ્પેશ ઠાકોર છે, તે મૃતક તૃષા સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંપર્કમાં હતો. આરોપી મકરપુરા જીઆઇડીસીમાં ઇલેક્ટ્રિશીયન તરીકે કામ કરે છે. થોડા સમય અગાઉ તેને ખબર પડી કે મૃતક યુવતીને બીજા યુવક સાથે મિત્રતા છે જેના કારણે આ વાતની અદાવત રાખીને તેણે યુવતીની હત્યા કરી હતી.
યુવતી કોલેજના અબયાસ માટે પોતાના વતન ગોધરા જતી રહી ત્યારથી આરોપી સાથે મિત્રતા તૂટી ગઈ હતી, ત્યાર બાદ યુવતી છેલ્લા બે મહિનાથી પોલીસ ભરતીની તૈયારીઓ કરવા માટે પોતાના મામાના ઘરે વડોદરા આવી હતી. આરોપી તેણે મળવા માટે બોલાવતો હતો પરંતુ યુવતી મળવાની ના પાડતી હતી તેમજ યુવતી સરખી રીતે વાત ન કરતી હોવાને કારણે આરોપીને જાણવા મળ્યું કે યુવતીને અન્ય યુવક સાથે મિત્રતા છે. યુવતીનું અન્ય વ્યક્તિ સાથે મિત્રતા હોવાનું આરોપીને ન ગમતું ન હોવાને કારણે તેણે યુવતીને મારી નાખવાનું નક્કી કર્યું હતું અને યુવતીને મળવા બોલાવી હતી.
આરોપીએ સમજી વિચારીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું, તેણે યુવતીને મળવા માટે એક અવાવરુ જગ્યાએ બોલાવી હતી અને ઘરેથી નીકળતી વખતે તેણે પોતાની સાથે એક ધારદાર હથિયાર સાથે રાખ્યું હતું. યુવતીને મળવા માટે તે એક મિત્રની સાથે હાઇવે સુધી આવ્યો હતો અને ત્યારબાદ યુવતીના જ એક્ટિવા પર બેસીને અંદરની જગ્યાએ લઈ ગયો હતો, ત્યાં યુયાવતીને અન્ય યુવક સાથેની મિત્રતા અંગે પ્રશ્ન પૂછાતા યુવતીએ જવાબ આપવાની ના પડી હતી જેના કારણે આરોપીએ ગુસ્સે થઈને યુવતીની હત્યા કરી દીધી હતી. આરોપીને યુવતી ઉપર એટલો ગુસ્સો હતો કે તેણે યુવતીનો હાથ કાપી કાઢ્યો હતો અને છથી સાત વાર તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા કરીને યુવતીની હત્યા કરી હતી.
હત્યા કર્યા બાદ આરોપી યુવતીના દુપટ્ટા દ્વારા પોતાના હથિયાર પરથી લોહીના ડાઘ સાફ કરીને યુવતીનો મોબાઈલ ફોન લઈને નીકળી ગયો હતો. આરોપીએ યુવતીનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને બેદરકારી પૂર્વક પોતાનો ફોન બંધ કર્યો ન હતો જેના કારણે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેણે ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |











