નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાનો કુખ્યાત અસલમ બોડિયા હાલ જેલના સળિયા ગણી રહ્યો છે. વર્ષ 2021માં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને અસ્લમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખને જેલમાં ધકેલી દીધો હતો. જોકે બોડિયાને જેલમાંથી બહાર લાવવાના પ્રયત્નમાં તેની પત્ની સામે પણ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે.
અસલમ બોડિયાની પત્નીએ જેલમાં બંધ પતિને વચગાળાના જામીન ઉપર છોડાવવા માટે ખોટી માહિતી આપી હતી. પત્નીએ ગાયનેક પ્રોબ્લેમથી પીડિત હોવાનું અને કોથળીનું ઓપરેશન કરવાનું હોવાના કારણે આ સમય દરમિયાન તેના પતિની હાજરી જરૂરી હોવાનું કહીને 30 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી હતી.
અસલમ બોડિયાની પત્નીએ જામીન અરજી કરતાં હાઇકોર્ટના આદેશથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સત્યતાની તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. અમદાવાદની આગમન હોસ્પિટલમાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે, બોડિયાની પત્નીને બીમારીની માત્ર દવા જ આપી હતી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ન હતી, ઉપરાંત જે ઓપરેશન કરવાનું હતું તે સામન્ય ઓપરેશન છે જેમાં મોટા ખર્ચની જરુર નથી. પોલીસનો રિપોર્ટ સરકારી વકીલ મારફતે હાઇકોર્ટમાં રજૂ કરતાં હાઇકોર્ટના આદેશથી અસલમ બોડિયાની પત્ની શહેનાઝ શેખ સામે ખોટી માહિતી આપવા અંગેની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.








