Friday, July 3, 2026
HomeGeneralવડોદરાઃ કરોડપતિ જમીન માલીક, પોતાની જ કારમાં સળગી ગયા, અકસ્માત-હત્યાની આશંકા વચ્ચે...

વડોદરાઃ કરોડપતિ જમીન માલીક, પોતાની જ કારમાં સળગી ગયા, અકસ્માત-હત્યાની આશંકા વચ્ચે અટવાતી પોલીસઃ જુઓ Video

- Advertisement -




પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.વડોદરા): વડોદરાના શ્રીમંતોના ફાર્મ હાઉસ જે વિસ્તારમાં છે તેવા સિંધરોટ રોડ પર ગત 18મીની પરોઢના એક ઈકો કારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને કાર ચલાવી રહેલા વડોદરાના માલેતુજાર અને નજીકમાં જ આવેલા અમિન ફાર્મના માલીક હરિશ અમિન (ઉં.વ-68) કારમાં જ ભડથું થઈ ગયા હતા. હાલમાં તો વડોદરા ગ્રામ્ય પોલીસે ઘટનાને અકસ્માત ગણી તપાસ શરૂ કરી છે પરંતુ અકસ્માતની ઘટના અને બહાર આવેલા તથ્યો હત્યાની આશંકા ઉત્પન્ન કરી રહ્યા છે પણ તપાસ એજન્સીને હત્યા થઈ છે તેવા કોઈ પુરાવા હજુ હાથ લાગ્યા નથી.

મૂળ વડોદરાના વતની હરિશ અમિનનું આલીશાન અમિન ફાર્મ સિંધરોટ રોડ પર આવેલું છે. ત્યાં આસપાસ આ પ્રકારના અનેક ફાર્મ હાઉસિસ છે, ગત તા. 18મીના વહેલી પરોઢીએ સિંધરોટ રોડ ઉપર એક ઈકો કાર અચાનક સળગવા લાગી હતી. નજરે જોનાર અગ્રવાલ નામના એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે આગ લાગી ત્યારે ડ્રાઈવિંગ સિટ પર બેઠેલી વ્યક્તિ હોર્ન મારી પોતાને બચાવવા કોઈ આવે તેવું જણાવી રહી હતી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કોઈ મદદે જઈ શક્યું નહીં. બનાવની જાણ ફાયર વિભાગને થતાં, ફાયર વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો અને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધી હરિશ અમિનને બચાવી શકાયા ન હતા. આ બનાવની તપાસ કરી રહેલી વડોદરા ગ્રામ્ય પોલીસે કારમાં આગ કેવી રીતે લાગી તેની તપાસ માટે ફોરેન્સીક ઓફીસર અને આરટીઓ અધિકારીને બોલાવ્યા હતા.



ફોરેન્સીક તપાસમાં બહાર આવ્યું કે આગની શરૂઆત કારની ડાબી બાજુએથી થઈ હતી, પરંતુ કારમાં રહેલો સીએનજી બોટલ અકબંધ જોવા મળ્યો હતો. આગ હોલવવા ગયેલા ફાયર બ્રિગેડના અધિકારીએ જાણકારી આપી કે ડ્રાઈવર તરફનો દરવાજો અંદરથી બંધ હતો જે તેમણે તોડીને ખોલ્યો હતો, પણ ડાબી બાજુનો દરવાજો ખુલ્લો હતો. પોલીસને પ્રશ્ન એવો થાય છે કે, જો આગ લાગી ત્યારે હરિશ અમિને હોર્ન વગાડ્યો હતો તો તેમની પાસે દરવાજો ખોલી બહાર નીકળી જવાનો પુરતો અવકાશ હતો. કોઈક કારણસર તેઓ ડ્રાઈવર તરફનો દરવાજો ના ખોલી શક્યા તો તેઓ ડાબી બાજુના દરવાજેથી કેમ બહાર આવ્યા નહીં.?

- Advertisement -

પોસ્ટ મોર્ટમ કરનાર ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે તેમના ફેફસામાં કાર્બન મળી આવ્યો છે જેનો અર્થ તેમનું મોત આગના કારણે થયેલા ધૂમાડાની ગુંગળામણને કારણે થયું છે. તેનો અર્થ કે તેમની હત્યા કરીને પછી તેમને સળગાવી દીધા હોય તેવી શક્યતા નથી. બનાવના દિવસે વહેલી પરોઢના હરિશ અમિન આણંદ ખાતે આવેલી પોતાની એક જમીન પરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો છે. પોલીસે આ દરમિયાન હરિશ અમિન એકલા હતા કે તેમની સાથે કારમાં કોઈ બીજું પણ હતું તે જાણવા સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. જેમાં એક પેટ્રોલ પંપ પર હરિશ અમિનની કાર નજરે પડી હતી પરંતુ કારમાં કેટલી વ્યક્તિ હતી તે હજુ અસ્પષ્ટ છે. જો હત્યાનો જ મામલો હોય તો કારમાં અન્ય કોઈ વ્યક્તિની હાજરી જરૂરી છે. શક્ય છે કે બનાવના સ્થળે તેમની કાર લૂંટી કોઈએ તેમના પર જ્વલંતશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હોય, પરંતુ તેવા પણ કોઈ પુરાવા હજુ સુધી પોલીસના હાથે લાગ્યા નથી. અને ખાસ કે હરિશ અમિન પાસે અત્યંત બીજી ઘણી મોંઘીદાટ કાર પણ છે, આ ઈકો કારનો ઉપયોગ તેઓ પોતાના પાળતુ કુતરા લઈ જવા માટે કરતા હતા, તો પછી બનાવના દિવસે તેઓ પોતાની મોંઘી કાર મુકી આ ઈકો કાર લઈને કેમ ગયા હતા.




વર્ષ 2018માં આ જ રસ્તા ઉપર મીહિર પંચાલ નામના માલેતુજાર બિલ્ડરનું પણ આ જ પ્રકારે એન્ડેવર કારમાં સળગી જવાના કારણે મોત નિપજ્યું હતું જેનો ભેદ આજ સુધી પોલીસ ઉકેલી શકી નથી. તેમનું પણ અહીં આલીશાન ફાર્મ આવેલું છે. આમ બે ઘટનાઓ અલગ અલગ હોવા છત્તાં બંનેમાં વડોદરાના શ્રીમંતોના મૃત્યુ થયા છે. મીહિર પંચાલની ઘટનામાં તો પોલીસનો દાવો હતો કે કારમાં શોર્ટ સર્કિટ થયું પરંતુ પોલીસને ત્યારે કારની ચાવી જ ન્હોતી મળી અને કાર બંધ હતી તો કારમાં શોર્ટ સર્કિટ કેવી રીતે થાય? આ મામલે વડોદરા ગ્રામ્યના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રોહન આનંદે નવજીવન ન્યૂઝના સંવાદદાતાને જણાવ્યું કે હાલમાં અમે કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા નથી. અલગ અલગ મુદ્દાઓને પોલીસ તપાસી રહી છે, પરંતુ આણંદની જમીનના મામલે કોઈ વિવાદ ચાલતો હતો તે અમારા ધ્યાન ઉપર આવ્યું છે જેની અમે તપાસ કરી રહ્યા છીએ.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular