નવજીવન ન્યૂઝ. ઉત્તર પ્રદેશ: શહેરમાં કે ગામમાં હોટલ હોવી હવે કોઈ નવી વાત નથી. પરંતુ જો રહેણાક વિસ્તારમાં હોટેલ ખોલવામાં આવે અને એમાં પણ જો કોઈ ગેર કાનૂની પ્રવૃત્તિ થતી હોય તો આસપાસના સામાન્ય જીવન પર પણ તેની વિપરીત અસર પડતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાંથી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના મેરઠના વેદવ્યાસપુરીમાં એક વ્યક્તિએ ઘરને જ OYO સાથે જોડાણ કરી હોટલ બનાવી દીધી હતી. જેનું નામ HOTEL U.B રાખવામાં આવ્યું હતું. પરંતુ હોટલના નામે ખોટી ગેરરીતિ આચરાતા આસપાસના લોકો ચિંતિત બન્યા હતા. જેને લઈને સ્થાનિકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસે પણ કાર્યવાહીના નામે ઠાગાઠૈયા કર્યા હતા.
પોલીસ દ્વારા પણ કાર્યવાહી નહીં કરવામાં આવતા બાદમાં રહિશોએ NGOની પણ મદદ લીધી હતી. જેના પગલે NGO મિશન રેસ્ક્યૂ ઓપરેશનના પ્રમુખ રાજેશ ચતુર્વેદીએ તેમની ટીમના સભ્યો સાથે 3 મહિનાથી હોટલની તપાસ બાદ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં અનેક ખુલાસા થયા હતા. દરમિયાન રાજેન્દ્ર સિંહે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમને પણ આ મામલે માહિતી આપી હતી.
NGOએ કરેલા દરોડમાં માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો હતો. ઉપરાંત હોટલ મેનેજરના મોબાઈલમાંથી શાળા કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓની ઘણી તસવીરો પણ મળી હતી. જે મામલે વિગતો સામે આવી હતી કે આ વિદ્યાર્થીનીઓને તગડી રકમ આપી ઓન-ડિમાન્ડ હોટલમાં બોલાવવામાં આવતી હતી. જો કે પોલીસે દરોડા દરમિયાન બે યુવતીઓનો બચાવ પણ કર્યો હતો. પોલીસે આ મામલે હોટલના સંચાલક, દલાલ અને ચાર યુવતીઓ સામે ગુનો નોંધી, ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. જેના કારણે આ વિસ્તારની આસપાસની હોટલ્સમાં પણ નાસભાગ મચી ગઈ હતી.








