નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ચોરી અને લૂંટની ઘટના હવે જાણે સામાન્ય બનતી હોય એ રીતે ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ (Rajkot) માંથી મોટી સંખ્યામાં છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ છે. જેમાં ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં જ 22 જેટલી લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આ મામલે ગેંગની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર રાજકોટ આસપાસના વિસ્તારમાં છેલ્લા 20 દિવસમાં શાપર, વેરાવળ, રિબડા, મોરબી અને વાંકાનેર સહિતના સ્થળો પર 22 જેટલી લૂંટની ઘટનાઓ સામે આવી હતી. આરોપીઓ દ્વારા મોટાભાગે પરપ્રાંતિય વ્યક્તિઓને જ શિકાર બનાવી રહ્યા હતા. ઉપરાંત આરોપીઓએ ગત અઠવાડિયામાં પરપ્રાંતિયોને લૂંટવા સમયે છરીના ઘા પણ માર્યા હોય ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. ઉપરાંત મહિકાના પાટીયા નજીક એક શ્રમિકને છરી બતાવી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાઓની નોંધ લેતા પોલીસ સઘન તપાસ હાથ ધરતા આજરોજ પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના મુરલીધર વે બ્રિજ પાસે અમદાવાદ-ગોંડલ હાઈવે પર આરોપીઓ ફરી રહ્યા છે. પોલીસે માહિતીના સ્થળે તપાસ કરી સગીર વયના આરોપી સહિત 19 વર્ષીય દર્શન ઉર્ફે ભૂદેવ ભરતભાઈ ચૌહાણ, મયુર રવજીભાઈ ડાભીને રિક્ષા સાથે ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે શાપર પાસે ગોદાવરી ગેટ, રિબડા ગામ નજીક, ગોંડલ ગામમાં ત્રણ વ્યક્તિને, પીપળીયા ગામ નજીક, ગ્રીન લેન્ડ ચોકડી નજીક, જખરાપીર વાવડી ગામ અને રિબડા ટોલનાકા સહિતના સ્થળો પર પરપ્રાંતિય શ્રમિકોને લૂંટના શિકાર બનાવ્યા હતા. જેમાં તેણે મોબાઈલ ફોન, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની લૂંટ કરી હતી. સાથે જ તેમણે કબૂલાત આપી હતી કે લૂંટની ઘટનાને અંજામ આપવા માટે તેમણે એક રિક્ષા લીધી હતી અને તેમાં તેઓ લૂંટ કરવા જતા હતા.
આમ દિવસોથી રાજકોટમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ પોલીસને હાથ ઝડપાઈ ગઈ હતી. હાલ પોલીસ આ ગેંગ દ્વારા અન્ય કેટલી લૂંટ અને ચોરી કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરી રહી છે.








