દિવ્યકાંત ભટ્ટ (નવજીવન ન્યૂઝ.એટલાન્ટા): અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે આયોજિત 8 મો ‘સમર કેમ્પ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગોકુલધામના આ સમર કેમ્પમાં 210 બાળકોએ ભાગ લઇ મોજ-મસ્તી સાથે ઉનાળુ વેકેશનની રજાઓનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. એટલાન્ટાની ગોકુલધામ હવેલી દ્વારા દર વર્ષે યોજાતો સમર કેમ્પ બાળકો માટે આકર્ષણરૂપ બની રહ્યો છે. પરિણામે વર્ષ-પ્રતિવર્ષ સમર કેમ્પમાં ભાગ લેનારા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જે અંતર્ગત વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલ મહારાજના માર્ગદર્શન હેઠળ વૈષ્ણવ ઇન્ટરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન ( VIPO)ના ઉપક્રમે 8 મો સમર કેમ્પ ચાલુ વર્ષે યોજાયો હતો.

ગોકુલધામ હવેલીમાં બાળકોને ભારતીય સંસ્કૃતિ-સંસ્કાર, શિસ્ત, શિક્ષણ અને આનંદ આપવાના હેતુથી આયોજિત સમર કેમ્પ-2022 માં 210 બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી 100 બાળકોએ હવેલીમાં જ રાત્રિ મુકામ કરી ઘર અને માતા-પિતાથી દૂર રહી સ્વાવલંબી જીવનનો અનુભવ કેળવ્યો હતો. ‘પરિવાર’ની થીમ ઉપર યોજાયેલા ગોકુલધામના આ સમર કેમ્પમાં 75 વોલ્યુન્ટર્સ અને 25 કાઉન્સેલર્સે 7 દિવસ સુધી બાળકોની કાળજી રાખી પ્રશંસનીય કામગીરી બજાવી હતી. 10 વોલ્યુન્ટર્સ 7 દિવસ સુધી રાત-દિવસ બાળકોની સાથે રહ્યા હતા. કેમ્પ દરમિયાન બાળકોને પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ કાઉન્ટી લાયબ્રેરીની કાર્યવાહીથી માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત બાળકોને મેઘના શાહ દ્વારા યોગા અને પાયલ મપારા દ્વારા ઝુમ્બા થકી કેમ્પમાં ઉત્સાહનો સંચાર કરાયો હતો. બાળકોને ત્રણ દિવસ સેલ્ફ ડિફેન્સની પણ તાલીમ અપાઇ હતી. કેમ્પમાં યોજાયેલા ગરબા અને ડાન્સમાં ઝૂમી બાળકોનો આનંદ ચરમસીમાએ પહોંચ્યો હતો. કેમ્પમાં ભાગ લેનારા બાળકોને દિવસમાં 5 વખત ભાવતું ભોજન પીરસાતું હતું. કેમ્પના અંતિમ દિવસે ફિનાલે પ્રોગ્રામ દ્વારા બાળકોએ તેમના માતા-પિતા તેમજ મુલાકાતીઓનું મનોરંજન કર્યું હતું.

સમર કેમ્પને સફળ બનાવવા માટે ગોકુલધામના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, તુષાર કડકીયા, શ્રૃતિ કડકીયા, હિરલ પટેલ, આસ્થા દલાલ, અમી પટવા, મેઘના શાહ, અલ્પના શાહ, સમીર શાહ, આત્મય તલાટી, નિધિ-ચાર્મિ સુરેજા, મિલન ભૂત, રાજેશ સુરેજા, કુણાલ પટેલ, આર્ષ તલાટી, મિતુશા ધોળકીયા, મોના શાહ, રોશની શાહ, જલ્પા પટેલ, મહેન્દ્ર શાહ, પિયૂષ પટેલ, અશ્વિન પટેલ, સેજલ ડોડિયા, દિપલ એન્ડ સચીન શાહ સહિત અનેક વોલ્યુન્ટર્સની સેવા કાબિલેદાદ રહી હતી.








