DRI seizes 42 kg of smuggled gold in 4 days : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ચારેક દિવસમાં કોલકાતા, મુંબઈ, કેરળ એરપોર્ટ અને ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી સંગઠિત સોનાની તસ્કરીના અનેક કેસ (Gold smuggling on India-Bangladesh border) શોધી કાઢ્યા છે. ડીઆરઆઈએ દેશભરમાં ચલાવેલા શ્રેણીબદ્ધ ઓપરેશન્સમાં 42 કિગ્રાથી વધુ વિદેશી મૂળનું સોનું અને લગભગ 10 કિગ્રા ચાંદી જપ્ત કરવામાં આવી છે. જેની કુલ કિંમત રૂપિયા 65 કરોડથી વધુ થાય છે. સોના-ચાંદીની દાણચોરીના કેસ (Gold and Silver Smuggling) માં 5 વિદેશી સહિત 25 શખસોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, મુંબઈ એરપોર્ટ પર થતી દાણચોરીમાં એક એરપોર્ટ કર્મચારીની સંડોવણી સામે આવી છે.
DRI એ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ (Mumbai International Airport) ખાતે વિદેશી મૂળના સોનાની તસ્કરીમાં સામેલ એક સુસંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટમાં દુબઈ, બેંગકોક અને માલે સહિતના સ્થળોએથી મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરતા વિદેશી નાગરિકો તેમજ મુંબઈ ખાતે તસ્કરી કરાયેલા સોનાને ગુપ્ત રીતે બહાર કાઢવામાં મદદ કરનાર એરપોર્ટ સ્ટાફના એક સભ્યની સંડોવણી ડીઆરઆઈએ ઉઘાડી પાડી છે. એરપોર્ટ પરથી મીણના સ્વરૂપમાં 24 કેરેટ સોનાની ધૂળ ધરાવતી કુલ 16 કેપ્સ્યુલ (વજન 6.85 કિગ્રા) જપ્ત કરવામાં આવી છે. જેમાં મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરી રહેલા પાંચ વિદેશી નાગરિકો અને એક એરપોર્ટ સ્ટાફ સભ્યનો સમાવેશ થાય છે.
NSCBI Airport કોલકાતા ખાતે બે અલગ-અલગ ઓપરેશન્સમાં DRIના અધિકારીઓએ અનુક્રમે બેંગકોક અને દુબઈથી મુસાફરી કરી રહેલા મુસાફરોને અટકાવી સોનાની દાણચોરી પકડી છે. દુબઈથી આવતા બે મુસાફરોના અન્ડરગાર્મેન્ટ્સ અને જીન્સમાં સોનું ધરાવતી અર્ધ-પ્રવાહી પેસ્ટ છુપાયેલી મળી આવ્યા બાદ 4.87 કિગ્રા સોનું રિકવર કરવામાં આવ્યું હતું. અન્ય એક કેસમાં બેંગકોકથી આવતી ફ્લાઇટમાં એક મુસાફર પાસેથી 11 કાચી ચેઇનના સ્વરૂપમાં 3.36 કિગ્રા વિદેશી મૂળનું સોનું રિકવર કરવામાં આવ્યું હતું.
અન્ય એક કેસમાં DRI એ 15.61 કિગ્રા વજનના વિદેશી મૂળના સોનાના 125 બાર (પાટ) જપ્ત કર્યા હતા. નડિયા જિલ્લાના બાાનપુર ગામમાં એક મહિલાના રહેણાંક પરિસરમાં સરપ્રાઈઝ સર્ચ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો દ્વારા BOP ટુંગી ખાતેથી તે રિકવર કરવામાં આવ્યું હતું. DRI દ્વારા તપાસ દરમિયાન મહિલાએ ઘરના પુરૂષો સાથે કથિત તસ્કરીની પ્રવૃત્તિમાં પોતાની સંડોવણી કબૂલી હતી.
કેરળમાં બે અલગ-અલગ ઓપરેશન્સમાં DRI કોચીન ઝોનલ યુનિટ અને તેના કાલીકટ રિઝનલ યુનિટે અનુક્રમે રાસ અલ ખૈમાહ અને જેદ્દાહથી આવતા મુસાફરોને અટકાવી 1.78 કિગ્રા સોનું શોધી કાઢવામાં આવ્યું હતું. કાલીકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Calicut International Airport) પર ડીઆરઆઈ અધિકારીઓએ એર ઇન્ટેલિજન્સ યુનિટ સાથે મળીને જેદ્દાહથી આવતા એક મુસાફર દ્વારા લાવવામાં આવેલી ઇસ્ત્રીના ભારે એલોય ભાગની અંદર ખાસ બનાવેલા ખાંચામાં છુપાવેલું 24-કેરેટ વિદેશી મૂળનું 549 ગ્રામ સોનું શોધી કાઢ્યું હતું.
DRI એ BSF ના સહયોગથી ભારત-બાંગ્લાદેશ સરહદ પર વિદેશી મૂળના સોનાની કેટલીક નોંધપાત્ર જપ્તી પણ કરી હતી. DRI યુનિટના અધિકારીઓએ બે અલગ-અલગ ઓપરેશન્સમાં 935 ગ્રામ અને 1.74 કિગ્રા વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું હતું. કોલકાતામાં અન્ય એક ઓપરેશનમાં, થાઇલેન્ડથી તસ્કરી કરીને લાવવામાં આવ્યું હોવાનું કહેવાતું પેસ્ટ સ્વરૂપમાં 1.48 કિગ્રા વિદેશી મૂળનું (FO) સોનું DRI ના અધિકારીઓ દ્વારા ચાર વ્યક્તિઓ પાસેથી રિકવર કરવામાં આવ્યું હતું.
ગુવાહાટીમાં DRI એ ત્રિપુરા સેક્ટરમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી તસ્કરી કરીને લાવવામાં આવેલી વિદેશી મૂળની 3.84 કિગ્રા સોનાની પાટ જપ્ત કરી હતી અને એક મહિલા સહિત બે શખસોની ધરપકડ કરી હતી.
તમિલનાડુ રામનાથપુરમ DRI એ શ્રીલંકાથી દરિયાકાંઠાના માર્ગે તસ્કરી કરીને લાવવામાં આવેલું 1.360 કિગ્રા વિદેશી મૂળનું સોનું અને 9.99 કિગ્રા વિદેશી મૂળની ચાંદી જપ્ત કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.








