પ્રશાંત દયાળ (શતરંજ-34, નવજીવન ન્યૂઝ): પત્રકાર આદેશનું મગજ કંઈક જુદી દિશામાં જ ચાલી રહ્યું હતું. મંત્રી કિરણની હત્યાને લઈ બધાને શંકા હતી કે, હત્યા મુખ્યમંત્રી ગોવિંદરાયે જ કરાવી હશે, પણ આદેશ ગોવિંદરાયને છેલ્લા અઢી દાયકાથી ઓળખતો હતો. તે માનતો હતો કે, ગોવિંદરાય જેવો ડરપોક રાજકારણી કોઈ નથી. તેને પોતાના પડછાયાનો પણ ડર લાગે છે. ગાંધીનગરમાં જ્યાં મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન છે, તેને અડીને બાયપાસ હાઇવે પસાર થાય છે. ઉત્તર ગુજરાત તરફથી આવતી અને જતી ટ્રકો ગાંધીનગરના આ બાયપાસનો ઉપયોગ કરી, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ જતી હતી. એક રાતે એક ટ્રકનું ટાયર ફાટતાં જાણે બૉમ્બનો ધડાકો થયો હોય તેવો અવાજ થતાં ગોવિંદરાય પોતાના બંગલાની બહાર દોડી આવ્યા હતા. જોકે તરત સલામતી-રક્ષકોએ ખાતરી કરી જાણ કરી હતી કે, “ટ્રકનું ટાયર ફાટ્યું છે. પણ તેમના હૃદયના ધબકારા ખૂબ જ વધી ગયા હતા. તેમણે તરત ગાંધીનગર એસપીને બોલાવી, તેમના બંગલાની બહારથી પસાર થતા હાઇવે ઉપર ટ્રકો બંધ કરાવી દીધી હતી. જે માણસને ટાયરના બ્લાસ્ટની બીક લાગતી હોય તે મર્ડર તો ના કરાવી શકે તેવું આદેશનું સ્પષ્ટ માનવું હતું. જોકે આ ઉપરાંત આદેશ પાસે હત્યા પાછળ મુખ્યમંત્રીનો હાથ અને પગ નથી તેવું માનવાનાં અનેક કારણો હતાં. તો હત્યા કોણે કરાવી હશે, તે અંગે તેનું ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ ચાલુ હતું. આદેશ તે પણ જાણતો હતો કે આ કામ સહેલું નથી. કોઈ પુરાવા મળવાના નથી. તેમજ તેના તંત્રી પણ તેને કંઈ લખવા દેશે નહીં.
આદેશની શંકા ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોર તરફ હતી. તેનાં અને ગોવિંદરાય વચ્ચે એક સામ્યતા તો હતી કે તેઓ પોતાના દુશ્મનને ક્યારેય માફ કરતા નથી. જોકે ઠાકોર દુશ્મની માટે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમાં બેમત ન હતો. ઠાકોર મહત્ત્વાકાંક્ષી પણ હતા અને તેમની મહત્ત્વાકાંક્ષાને આડે આવનારનું અસ્તિત્વ પણ મિટાવી શકે. આદેશનો તર્ક હતો, તે પ્રમાણે હજી સુધી અમર ઠાકોર ઉપર કોઈને પણ કિરણ ત્રિવેદી મર્ડર કેસમાં શંકા ગઈ ન હતી, ખુદ કિરણનો પરિવાર પણ અમર સામે આંગળી ચીંધી રહ્યો ન હતો. કદાચ તે જ તેની મોટી સફળતા હતી. કિરણની હત્યા થઈ ત્યારે મુખ્યમંત્રી સાથે તેની લડાઈ ચરમસીમાએ હતી. કિરણ ગોવિંદરાયનો નકાબ ઉતારી નાખે એટલા પુરાવા પણ હતા. આવું ખુદ કિરણે પોતે જ આદેશને થોડા મહિના પહેલાં કહ્યું હતું, પણ કિરણ યોગ્ય સમયની રાહ જોઈ બેઠો હતો. આ વાતની જાણ અમરને હતી. જો આ સમયમાં કિરણની હત્યા થાય તો આંધળો પણ કંઈ પણ જોયા વગર ગોવિંદરાયનું નામ આપે તે બહુ સ્વાભાવિક ઘટના હતી અને તેવું જ બન્યું. કિરણનો પરિવાર, પાર્ટીના કાર્યકરો અને પત્રકારો પણ અંદરખાને તેવું માનતા હતા.
આદેશ થોડું લાંબું વિચારી રહ્યો હતો. કદાચ અમરે પણ તેવું જ વિચારી કિરણનો અંજામ લાવી દીધો હશે. કિરણ અને અમર લગભગ સમવયસ્ક હતા. તેમની પાસે તેમની રાજકીય જિંદગી માટે હજી વીસ-પચીસ વર્ષ હતાં. કિરણ મતદારો અને કાર્યકરોમાં લોકપ્રિય હતો, જ્યારે અમરના તોછડા સ્વભાવને કારણે તેની આસપાસ સ્વાર્થી કાર્યકરો સિવાય કોઈ ન હતું. કિરણનું દિલ્હી અને કાનપુરના નેતાઓ સમક્ષ સારું એવું ઊપજતું હતું. તેના કારણે કાયમ માટે અમરનો ક્રમ બીજા નંબર ઉપર જ રહેતો હતો. અમર લાંબું વિચારનારો રાજકારણી હતો. દસ વર્ષ બાદ રાજ્યના દેશી જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ ઉંમરને કારણે સ્વર્ગવાસી થઈ ગયા હશે અને જે બચ્યા હશે તે આઉટ ડેટેડ થવાની તૈયારીમાં હશે. આવા સંજોગોમાં ગુજરાતમાં દેશી જનતા પાર્ટીને જો નવા મુખ્યપ્રધાનની જરૂર ઊભી થાય તો પાર્ટી પાસે લોકોમાં પણ સ્વીકાર્ય હોય તેવું એકમાત્ર નામ કિરણ ત્રિવેદી હતું. જ્યાં સુધી કિરણ ત્રિવેદી હોય ત્યાં સુધી અમર ઠાકોરની સાતમી પેઢીએ પણ મુખ્ય પ્રધાન થવાનો વિચાર સુધ્ધાં કરવો જોઈએ નહીં તેવું ખુદ અમર માનતો હશે તેવો આદેશનો તર્ક હતો.
આ સંજોગોમાં કિરણનું જવું અનિવાર્ય હતું. તે ગયો અને હવે પાર્ટી પાસે યુવાન નેતા તરીકે એક જ નામ બચ્યું હતું તે હતું… અમર ઠાકોર. આદેશ બધી જ બાબતો શંકાથી જોઈ રહ્યો હતો. તેને લાગતું હતું કે જો કિરણની હત્યા અમરના ઇશારે થઈ હોય તો વછરાજાની જરૂર તે જાણતા હોય અને તેમને પણ યોજનાના ભાગ રૂપે જ ઇન્વેસ્ટિગેશનનું નાટક કરવું પડે તેમ હતું. પણ આદેશના ક્રાઇમ-બ્રાન્ચના સૉર્સ પાસેથી જે માહિતી આવી રહી હતી તે પ્રમાણે ડીસીપી જે. કે. વછરાજાની સહિત આખી ક્રાઇમ-બ્રાન્ચ ખરેખર આરોપી સુધી પહોંચવા માટે મહેનત કરી હતી, તેના કારણે વછરાજાની ઉપર રહેલી શંકાઓ હાલ પૂરતી થંભાવી દેવામાં આવી હતી. આદેશ કિરણ ત્રિવેદીના પરિવારથી પણ પરિચિત હતો. તે થોડા દિવસ પછી સામે ચાલી પરિવારને મળવા ગયો હતો. જોકે કેતકી અને મુશ્કાન તો ગોવિંદરાય તરફ જ શંકા કરી રહ્યાં હતાં. તેમની પાસે શંકા કરવાનું કારણ હતું, પણ હત્યાનું કાવત્રું ઘડાય તો એકલા ગોવિંદરાય જ આખા ઑપરેશનને પાર પાડે તે વાતમાં માલ ન હતો. ગોવિંદરાય ખડ્ડુસ હતા, પણ તેમની સાઇકૉલૉજી ક્રિમિનલ ન હતી, ૨૦૦૨નાં તોફાનોમાં તેમને ફાયદો દેખાયો અને તેમણે લઈ લીધો. આદેશ માનતો હતો કે કોમી દંગલો સ્ટેટ સ્પોન્સર ન હતા, પણ સ્ટેટ-પ્રૉટેક્ટેડ જરૂર હતા. ત્યાર બાદ ગોવિંદરાયનો ફાયદો પૂરો થઈ જતાં, જેલમાં જઈ રહેલા હિંદુઓને બચાવવા માટે પણ કંઈ કર્યું ન હતું. જો કિરણની હત્યા ગોવિંદરાયે જ કરાવી હોય, તો તેનું માસ્ટર-માઇન્ડ કોણ હતું? તે પણ હજી નક્કી ન હતું.
આ તરફ ક્રાઇમ-બ્રાન્ચમાં ડીસીપી વછરાજાનીની ચેમ્બરમાં તેમના સહિત, એસીપી પરમાર, નાયર, ઇન્સ્પેક્ટર રાવ અને તોમર હતા. તેમની વચ્ચે એક માણસ સાવ ગરીબ જેવો દેખાતો હતો. તે હાથ જોડી ઊભો હતો, તેને બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેના શબ્દો કંઈક આ પ્રમાણેના હતા, “સાહેબ, છેલ્લાં વીસ વર્ષથી હું ચાની લારી ચલાવું છું, રોજ સવારે સાડા ચાર વાગે આવી જઉં અને છેક રાતે દસ વાગે ઘરે જઉં. બપોરે મારો દીકરો લારી ઉપર આવે ત્યારે બે કલાક માટે ઘરે જમવા અને આરામ કરવા જઉં. નજીકમાં જ રહું છું, ભૂદરપુરા.” તરત વિનયે તેને ટોકતાં કહ્યું, “હા, બરાબર છે. તે દિવસે તેં જોયું અને મને કહ્યું તે સાહેબને કહી દે.” તરત પેલા ચાવાળાના ચહેરા ઉપર ચિંતાઓ ઊપસી આવી. તેને આશ્વાસન આપતાં વછરાજાનીએ કહ્યું, “તને કંઈ નહીં થાય. કોઈ હેરાન નહીં કરે, જે જોયું તે જ કહેજે.” “સાહેબ, તે દિવસે પણ હું સાડા ચાર વાગે આવી ગયો હતો. લારી ખોલી પહેલાં હું નજીકમાં અમૂલનું દૂધ આવે છે તે લેવા ગયો. દૂધ લાવી ગરમ કર્યું અને પહેલી ચા મૂકી હતી. ચા મૂકી ત્યારે મેં જોયું કે કિરણભાઈની ગાડી આવી ઊભી રહી હતી. તે મંદિરમાં ગયા હતા. હું તેમને ઓળખું. અમારે ત્યાં રાઉન્ડમાં પણ આવતા. હારા માણહ. ચૂંટણીમાં મારા આખા ઘરે તેમને જ મત આપ્યો હતો.” વિનયની ધીરજ ખૂટી રહી હતી. તેણે ઊંચા અવાજે કહ્યું “આગળની વાત કર ને!” વછરાજાનીએ તેને શાંત રહેવાનો ઇશારો કર્યો, એટલે પેલા ચાવાળાને પણ પોતાની વાત કહેવાની મજા પડી, “સાહેબ, ઘણી વખત તો કિરણભાઈ જતા હોય અને હું બૂમ પાડું તો ગાડી ઊભી રાખે અને મને કહે, “ચલ છના, અડધી ચા પિવડાવી દે. સાહેબ પરધાન હતા, પણ જરા પણ અભિમાન નહીં. લારીએ ઊભા રહી ચા પણ પી લેતા.”
પછી તેણે રોકાઈને કહ્યું, “ચા થઈ જાય એટલે પહેલી ચા અમે સાહેબ, ધરતી માને આપી. જે ધરતી આપણને રોજી આપે એટલે તેનો ધન્યવાદ તો માનવો જોઈએ ને! હું અડધી ચા અને પાણીનો ગ્લાસ લઈ ચાર રસ્તે રેડવા ગયો.” વછરાજાનીએ પૂછ્યું, “રોજ તું પહેલી ચા આ રીતે ચાર રસ્તે મૂકવા જાય?” તરત તેણે જવાબ આપ્યો, હું જ નહીં, શહેરમાં કોઈ પણ ચાવાળો હશે, તેનો ગમે એટલો મોટો ઘરાક આવે પણ પહેલી ચા તો ધરતીને આપ્યા પછી તે ઘરાકને ચા આપે.” તેણે હવે મૂળ મુદ્દા ઉપર આવતાં કહ્યું, “હું ચા રેડી રહ્યો હતો ત્યાં મેં ધડાકો સાંભળ્યો. મને થયું આટલા વહેલા વળી કોની જાન નીકળી તે ફટાકડા ફોડ્યા?… મેં પાછું વળી જોયું તો બીજો ધડાકો થયો. મારી નજર કિરણભાઈની ગાડી ઉપર પડી. એક માણસ ત્યારે જ હાથમાં બંદૂક જેવું લઈ ત્યાં એક મોટર સાઇકલવાળો ઊભો હતો તેની પાછળ બેસી ગયો. “હું ઘબરાઈ ગયો. મને લાગ્યું કે કિરણભાઈને જ ગોળી મારી લાગે છે. મેં પેલા માણહને બૂમ પણ પાડી, જે મોટર સાઇકલની પાછળ બેઠો હતો. તેણે મારી હામે બંદૂક તાકી. સાહેબ, હાચું કહું મને બહુ બીક લાગી, હું ત્યાં જ ઊભો રહી ગયો. મને હતું કે મંદિરમાંથી કોઈક દોડે તો હું પણ દોડું. પણ મંદિરના ઘંટ વાગી રહ્યા હતા, જેમાં કોઈને ગોળી ચાલી તેની ખબર જ નહીં પડી હોય. પેલા બંને લોકો હામેના ચાર રસ્તા તરફ જતા રહ્યા. હું ડરી ગયો. કિરણભાઈની ગાડી સુધી જવાની પણ હિંમત ના થઈ. લારી ઉપર આવ્યો. જે ચા બનાવી હતી, તે બધી ગટરમાં રેડી દીધી. દૂધ બયણીમાં ભરી તરત વસ્તી કરી નીકળી ગયો. ઘરે જઈને પણ કંઈ બોલી શક્યો નહીં. મારી બાયડીએ પૂછ્યું કે શું થયું તો તેને હજી સુધી મેં કંઈ કીધું નહીં. આ તો પોલીસવાળા આવ્યા એટલે કહેવું પડ્યું.
“મેં તો ત્યારે એમ જ કીધું’તું કે સવારે મ્યુનિસિપાલિટીવાળા સાહેબ આવ્યા હતા, તેમણે મને કહ્યું કે, ‘હમણાં બેચાર દા’ડા આવતો નહીં. દબાણની ગાડીઓ આવવાની છે’.” પછી પોતાની વાત સાચી હોય તેવું પુરવાર કરવા તેણે કહ્યું, “દબાણની ગાડીઓવાળાનો બહુ ત્રાસ. પૈસા લઈ જાય અને વર્ષમાં બેચાર વખત લારીયે ઉપાડી જાય. ત્યારે કિરણભાઈ લારી છોડાવી દેતા.” વછરાજાનીને સમજાતું હતું કે ચાવાળો છનો જે બોલી રહ્યો હતો, તે સાચું છે… તેમાં કોઈ બનાવટ નથી. મોટા ભાગના કેસમાં પોલીસના ડરને કારણે સાક્ષીઓ આવો જ વ્યવહાર કરતા હોય છે. દિનેશ નાયરે સવાલો પૂછવાની શરૂઆત કરી, “તુમને ગોલી મારનેવાલે કા ચેહરા દેખા થા?” છનાએ કહ્યું, “હા સાહેબ, નાના છોકરા જેવો હતો. વીહ-બાવીહ વરહનો.” પછી આજુબાજુ જોઈ, તેણે રાવ તરફ ઇશારો કરતા કહ્યું, “અદ્દલ આમના જેવો રંગ હતો.” બધા હસવા લાગ્યા. “ઉસને તો હેલમેટ પહેરી થી.’ વછરાજાનીએ પોતાના ડ્રૉઅરમાંથી પિસ્તોલ બહાર કાઢી અને ટેબલ ઉપર મૂકતાં કહ્યું, “પેલા માણસના હાથમાં આવી બંદૂક હતી?” તેણે જોતાં જ કહ્યું, “હા સાહેબ, આમલોકોને રિવૉલ્વર-પિસ્તોલ અને બંદૂકમાં ખબર પડતી નથી.” પોલીસ-અધિકારીઓ પાસે રિવૉલ્વર અને પિસ્તોલ હોય છે. જ્યારે કૉન્સ્ટેબલ પાસે રાઇફલ હોય છે. તેને સામાન્ય રીતે બંદૂક કહેવાની પ્રથા હોવાને કારણે પોલીસ પાસે જે હથિયાર હોય તેને મોટા ભાગના લોકો બંદૂક જ કહે છે. તેથી જ વછરાજાનીએ કેવા પ્રકારનું હથિયાર હતું તે જાણવા પોતાની પિસ્તોલ બતાવી. ક્રાઇમ-બ્રાન્ચ પાસે પહેલી વખત કોઈ સાક્ષી આવ્યો હતો, જેણે બનાવને નજરે જોયો હતો. તેના કારણે નક્કી થયું હતું કે, હત્યારા કુલ બે હતા. તેમની પાસે એક પિસ્તોલ અને એક મોટર સાઇકલ હતી. તેમને કિરણ ત્રિવેદીના મંદિરમાં આવવાના અને જવાના સમયની પણ ખબર હતી. તે લોકો જે તરફ ગયા તેની વિરુદ્ધ દિશામાં ગયા હતા, જે રસ્તો સીજી રોડ સાથે જોડાતો હતો.
એસીપી પરમારે છનાને પૂછ્યું, “તેં મોટર સાઇકલનો નંબર જોયો હતો?” છનાએ પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું, “સાહેબ, ભણેલો નથી, પણ મોટર સાઇકલનો રંગ લાલ જેવો હતો તે યાદ છે.” છનાની પાસેની ઘણી બધી માહિતી મહત્ત્વની હતી. વછરાજાનીએ મહેશ રાવ સામે જોતાં કહ્યું, “મહેશ, સવારથી આવ્યો છે, જમાડ્યો કે નહીં?” છનાએ તરત વિનય તરફ ઇશારો કરતાં કહ્યું, “હા સાહેબ. આ સાહેબે નાસ્તો કરાવ્યો અને ચા પણ પાઈ હતી.” વછરાજાનીએ છનાને એમઓબીમાં લઈ જવાની સૂચના આપી. મહેશ રાવ તેને ત્યાં લઈ ગયો. તેણે એક હજાર કરતા વધુના નાના-મોટા ગુનેગારોના ફોટા બતાવ્યા, પણ દરેક ફોટો જોઈ છનો નકારમાં જ માથું ધુણાવતો હતો. અઢી કલાકની મહેનત પછી મહેશ તેને પાછો વછરાજાનીની ચેમ્બરમાં લઈ આવ્યો, ત્યારે ત્યાં વછરાજાની અને નાયર બંને બેઠા હતા.
(ક્રમશ:)






