Father brutally murders son in Sanand region : અમદાવાદ જિલ્લાના સાણંદમાં પિતાએ એકના એક દીકરાની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિંછીયા ગામમાં માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડીને હત્યા કરી લાશ ખાટલામાં મુકીને પિતા બાજુમાં સૂઈ ગયો હતો. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશન (Sanand Police Station) ખાતે હત્યાનો ગુનો નોંધાતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે.
સાણંદ તાલુકાના વિંછીયા ગામે નરેશ પટેલ તેની પત્ની ભારતીબહેન અને એકના એક પુત્ર કરણ સાથે રહેતા હતા. દસેક દિવસ અગાઉ દંપતી વચ્ચે ઝગડો થતા નરેશે પત્નીને માર માર્યો હતો. આથી ભારતીબહેન પિયર જતા રહ્યા હતા. કરણની પરીક્ષા ચાલતી હોવાથી ભારતીબહેન તેને નરેશ સાથે મુકીને ગયા હતા. 1 નવેમ્બર રવિવારની સાંજે ભારતીબહેનને તેમના પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના પુત્ર કરણને નરેશ લાકડી વડે માર માર્યો છે. જેથી ભારતીબહેન પિયર ખાતેથી તુંરત વિંછીયા ગામે જવા નીકળ્યા હતા. જેમની સાથે તેમના માતા-પિતા, ભાઈ અને ભાભી પણ આવ્યા હતા.
રાતે નવેક વાગે ભારતીબહેન ઘર પાસેની જોગણી માતાની દેરી પાસે પહોંચ્યા ત્યારે તેમનો પુત્ર કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અને બાજુના ખાટલામાં નરેશ સૂતો હતો. તપાસ કરતા કરણ મૃત્યુ પામ્યો હોવાનું જાણતા નરેશની આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. નરેશે કહ્યું કે, મારા પિતા માતાજીના ભુવા હતા અને તેમના બાદ હું માતાજીનો ભુવો થયો છું. મારા પછી કોઈ આપણા ઘરમાં ભુવો ના બને તે માટે મેં કરણને માતાજીની દેરી પાસે ત્રણેક વખત પછાડી અને માથામાં લાકડી મારી હત્યા કરી નાંખી છે.








