બિનીત મોદી નવજીવન : જીરૂ-વરિયાળીના પાક અને જથ્થાબંધ બજારના વેપારથી ઓળખાતા ઉંઝા શહેરના ધારાસભ્ય આશાબહેન પટેલનું રવિવાર 12 ડિસેમ્બર 2021ની સવારે સારવાર દરમિયાન અમદાવાદમાં અવસાન થયું. સામાન્ય તાવથી શરૂ થયેલી એમની માંદગી એટલી ઝડપભેર આગળ વધી કે ડેન્ગ્યૂનું નિદાન થયાના ગણતરીના કલાકોમાં તેમના શરીરના મહત્ત્વના અવયવો એક પછી એક કામ કરતા બંધ થયા. ઉંઝામાં પ્રાથમિક તબક્કાની સારવાર પછી વેન્ટીલેટર પર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ કોઈ સારવાર કારગત નીવડે એમ નહોતી.
હજી ડિસેમ્બરના પ્રારંભે જ તેઓ ગુજરાતના મહિલા ધારાસભ્યો સાથે નવી દિલ્લીમાં પાર્લમેન્ટ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓને મળ્યા હતા. ત્યાંથી પાછા ફરીને તેમની તબિયત બગડતી ચાલી, ઝડપથી જીવલેણ બની. ગુજરાતના રાજકારણમાં એમનો ઉદય પણ ઝડપથી થયો હતો એમ કહેવું પડશે. રાજકારણમાં સક્રિય થયા એ પહેલા તો તેઓ પ્રાધ્યાપક હતા અને એથી પહેલા વ્યવસાયી નોકરીમાં વ્યસ્ત હતા.
પૂરું નામ આશા દ્વારકાદાસ પટેલ. માતાનું નામ હીરાબહેન પટેલ. આશાબહેન પોતે એમ. એસસી., બી. એડ. તેમજ રસાયણશાસ્ત્રમાં પીએચ. ડી. હતા. ધારાસભ્ય થયા એ પહેલા એક પણ ચૂંટણી લડ્યા નહોતા. ચૌદમી વિધાનસભાની સામાન્ય ચૂંટણી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે પહેલીવાર લડ્યા પણ નોંધ લેવી પડે એ રીતે જીત્યા. કેમ કે તેમણે જેઓને પરાજિત કર્યા એ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નારાયણભાઈ લલ્લુદાસ પટેલ પાંચ મુદતથી ઉંઝા બેઠક પર વિજેતા થતા આવતા હતા. એ અર્થમાં ડૉ. આશાબહેન પટેલને જાયન્ટ કીલર / Giant Killer ગણવા પડે.
જાયન્ટ કીલર ખરા પણ શરૂઆતથી જ કૉંગ્રેસમાં તેમની કોઈ ગણના નહોતી થતી. એથી ચૂંટાયાના તેર જ મહિનામાં 2 ફેબ્રુઆરી 2019ના રોજ રાજીનામાના બે પત્રો લખ્યા – એક ધારાસભ્ય પદેથી અને બીજું કૉંગ્રેસમાંથી. રાજીનામા માટે કૉંગ્રેસ પક્ષના આંતરિક વિખવાદો, ધારાસભ્ય તરીકે પોતાની કૉંગ્રેસમાં થઈ રહેલી અવગણના અને કૉંગ્રેસના એ સમયે રાષ્ટ્રીય પ્રમુખ એવા રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે તેવા કારણો પણ આપ્યા. એ પછી અઠવાડિયા બાદ પક્ષપલટો કરીને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા. મે 2019માં સત્તરમી લોકસભા ચૂંટણી સાથે યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની ટિકિટ પર પુનઃ ચૂંટાઈ આવ્યા. પેટાચૂંટણી જીત્યા પછી રાહુલ ગાંધી પણ કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ થઈ ગયા.
ગુજરાતના રાજકારણમાં ચૂંટાયેલા મહિલા ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હોય એવા બે જ સફળ દાખલા છે. એક હાલમાં ચૌદમી વિધાનસભાના અધ્યક્ષ છે તે ડૉ. નીમબહેન આચાર્ય જેઓ અગાઉ કૉંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા અને બીજા તે હવે સદગત એવા આશાબહેન પટેલ. વિધાનસભાની એક જ મુદતમાં બે અલગ-અલગ રાજકીય પક્ષમાંથી ચૂંટાઈ આવનાર લેખે તો ડૉ. આશા પટેલ પહેલા અને એકમાત્ર મહિલા ધારાસભ્ય કહેવાશે. તેમનો આ રેકોર્ડ લાંબો સમય ટકે પણ ખરો અને ન પણ ટકે એવા ઉજળા રાજકીય સંજોગો કૉંગ્રેસ અને ભાજપ એમ બન્ને પક્ષે છે.
કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા આશાબહેન પટેલ કુંવરજી બાવળિયા પછી બીજા નંબરે હતા. જો કે કુંવરજીભાઈ જેમ સરકારમાં મંત્રીપદ પામ્યા હતા એમ આશાબહેન ન પામી શક્યા. વિજય રૂપાણીના સમયમાં કે નવા મુખ્યમંત્રી લેખે ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ રચાયું ત્યારે તેમની દાવેદારી હતી પણ પાસે ટેકેદારો નહોતા. એ રેસમાં અન્ય ધારાસભ્યો આગળ નીકળી ગયા એટલે એમનો નંબર ના લાગ્યો. પાટીદાર અનામત આંદોલનનો ઇતિહાસ પણ નડતરરૂપ બન્યો કેમ કે તેઓ 2015માં આંદોલનકારી પાટીદાર નેતાઓના પક્ષમાં હતા. અને ભૂપેન્દ્રભાઈ પટેલનું મંત્રીમંડળ પાટીદાર અનામત આંદોલનનો ભોગ બનનાર આનંદીબહેન પટેલની દેખરેખમાં તૈયાર થતું હતું.
વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ તેમણે વર્ષ 2002માં પાલનપુર પાસે ગઢમડાણા ગામે આવેલી બેચલર ઑફ રૂરલ સ્ટડીઝ કોલેજ (બી. આર. એસ. કોલેજ)માં એગ્રીકલ્ચર કેમેસ્ટ્રીના અધ્યાપક તરીકે કર્યો હતો. 2004માં પીએચ. ડી. સંશોધન કાર્ય ચાલુ હતું ત્યારે અંકલેશ્વર સ્થિત જે. બી. ફાર્માસ્યૂટિકલ્સના ક્વોલિટી કન્ટ્રોલ વિભાગમાં ચીફ સાયન્ટિસ્ટ હતા. આ નોકરી માત્ર બે વર્ષ જ કરી. એ પછી વર્ષ 2008માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન / GPSCની પરીક્ષા પાસ કરીને વિસનગરની મોતીલાલ નાનચંદદાસ કોલેજ (એમ. એન. કોલેજ)માં પહેલીવાર પૂર્ણ સમયના અધ્યાપક થયા. પીએચ. ડી. ગાઇડ તરીકે પણ નિમણૂક પામ્યા. પાંચેક વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનમાં પીએચ. ડી. કરી રહ્યા છે એવું કોરોનાકાળમાં વાતચીતમાં જણાવ્યું હતું.
એકતાલીસ વર્ષની યુવાન વયે ધારાસભ્ય થયેલા તેઓ અપરિણીત હતા. માતા, બહેનોની સાથે વિદ્યાર્થીમિત્રો એ મારો જ પરિવાર છે એમ કહેતા. પરિવારની ખેતી પણ છે. માતા હીરાબહેન પટેલ અને ત્રણ બહેનો એક સમયે શિક્ષિકા હતા. 2017ના નવેમ્બરમાં ચૌદમી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો એ પછી ઉમેદવારી કરવાના દિવસે સરકારી નોકરીમાં હોવાથી નિયમ લેખે સવારે રાજીનામું આપ્યું અને બપોરે ચૂંટણી ઉમેદવારીનું ફોર્મ ભર્યું, વિજેતા થયા. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મેળવેલી ઉચ્ચ શૈક્ષણિક પદવીઓનો સદુપયોગ થતો રહે અને અગાઉથી તેમના માર્ગદર્શનમાં પીએચ. ડી. કરતા વિદ્યાર્થીઓનું સંશોધન કાર્ય ચાલુ રહે, નવા વિદ્યાર્થીઓને જોડી શકાય એ માટે મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજમાં જોડાયા હતા. ધારાસભ્ય તરીકે પગાર લેતા હોવાથી મહેસાણાની કોલેજમાંથી લિઅન / Lien એટલે કે લાંબી રજા પર ઉતરી ગયા હતા. આશાબહેન પટેલ માતા સાથે ઉંઝામાં જ રહેતા હતા અને પાટીદાર સમાજ તેમજ લાયન્સ ક્લબમાં સક્રિય હતા.
6 જાન્યુઆરી 1977ના રોજ મહેસાણા જિલ્લાના વિસોળ ગામે જન્મેલા તેમને વતનથી જ આખરી વિદાય આપવામાં આવી. ગુજરાતના મહિલાજગતે તેમને એ રીતે યાદ રાખવા જોઇશે કે જાહેરજીવનમાં, રાજકારણમાં સક્રિય થવાની પ્રેરણા તેમને શિક્ષિકા માતા હીરાબહેન પટેલ પાસેથી મળી હતી.
ફોનથી જેમની સાથે ગુજરાતના રાજકારણની વાતો થતી, રૂબરૂ મળવાનો વાયદો થતો એ આશાબહેનને અલવિદા.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો તેમજ આશાબહેન પટેલ સાથે થયેલી ફોન વાતચીતના આધારે. – બિનીત મોદી)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











