પ્રશાંત દયાળ. નવજીવન ન્યૂઝ.અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદ(Ahmedabad)ની ધરતી એક બાદ એક 20 સિરિયલ બ્લાસ્ટ (2008 Ahmedabad blasts case) થતા ધણધણી ઉઠી હતી. ચારે તરફ ઘાયલોની દર્દનાક ચીચીયારીઓ અને રડી રહેલા પરિવારોથી અમદાવાદનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. આતંકીઓના સિરિયલ બ્લાસ્ટ 56 લોકો ભરખી ગયા જ્યારે 240 લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા. ગુજરાતની છાતી પર કરેલા આ વિસ્ફોટ બાદ ગુજરાત પોલીસ(Gujarat Police)નું તંત્ર રાત-દિવસ એક કરી હિચકારી ઘટનાનું પગેરૂ શોધી રહ્યું હતું. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 78 આરોપીઓને પકડી પાડ્યા. પરંતુ હવે પડકાર હતો કોર્ટમાં આ કેસને સાબિત કરવો અને આતંકને ફાંસીને માચડે ચઢાવવા. ગુજરાત પોલીસે ઝીલેલો આ પડકાર 15 વર્ષે સફળતાપૂર્વક પાર પડ્યો અને 38 આરોપીઓ પર ગુનો સાબિત થતા કોર્ટે ફાંસીનું ફરમાન સંભળાવ્યું જ્યારે 11 ને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડવામાં આવ્યા છે. ઉપરાંત એક આરોપી ટ્રાયલ દરમિયા તાજનો સાક્ષી બનતા તેને સજા માફી આપવામાં આવી હતી. પરંતુ આ કામ પાર પાડવામાં ગુજરાત પોલીસના બે અધિકારીઓ આજે પણ કાર્યરત છે જેમાના એક અધિકારી તો નિવૃતિના 12 વર્ષ બાદ પણ કાર્યરત છે.
અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast) ગુજરાત પોલીસ પર રાજકીય દબાણ સાથે જ નૈતિક દબાણ પણ સર્જાયું હતું. તપાસમાં જોડાતા દરેક અધિકારીના મનમાં આતંકીઓને પકડવા અને નશ્યતે પહોંચાડવા તલપાપડ હતી. આરોપીઓેને તો પોલીસે ઝડપી પાડ્યા પણ હવે તેમની સામે મોટો પડકાર આવ્યો હતો. પકડાયેલા આરોપીઓને ગુનેગાર સાબિત કરવા માટે વર્ષો સુધી કોર્ટમાં કેસ લડવો અને તેના પુરાવા કોર્ટ સમક્ષ મુકવાનો આ પડકાર પીઆઈ પી.જી. વાઘેલાના શીરે મુકાયો. કેસની શરૂઆત થાય તે પહેલા જ આરોપીઓની જામીન અરજીઓને સામે પણ કોર્ટમાં પોલીસનો પક્ષ રાખવો પી.જી. વાઘેલાને શીરે હતો. આમ કહી શકાય કે કોર્ટમાં કેસની શરૂઆતથી આજ સુધીની કાયદાકીય લડત માટે પી.જી. વાઘેલાનું યોગદાન રહ્યું છે. એ હદે કે આ કેસની તપાસ માટે ઉત્તરપ્રદેશના વારાણસી જતા સમયે જ તેમના માતાનું નિધન થતા રસ્તામાં જ ગંગાના તીરે તેમને પોતાની માતા પાછળ મુંડન કરાવી સંતોષ માનવો પડ્યો.
આ બાબતે પી.જી. વાઘેલા સાથે કેટલીક વાતો કરી માહિતી મેળવતા અચરજ પમાડે તેવી માહિતીઓ સામે આવી જેનાથી કેસની ગંભીરતા અને પોલીસ વિભાગન તેમજ ન્યાયતંત્રની મહેનત ઉજાગર થઈ હતી.
આ રીતે થઈ તપાસમાં એન્ટ્રી
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસમાં જોડાયાની વાત વાગોળતા પી.જી. વાઘેલા જણાવે છે કે, ‘જુલાઈ 2008માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસમાં તત્કાલીન નાયબ પોલીસ કમિશનર દ્વારા સામેલ કરવામાં આવ્યો હતો. તપાસમાં સામેલ થતા જ અમદાવાદના શાહિબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં જોડવામાં આવ્યા બાદમાં તબક્કાવાર નરોડા, અમરાઈવાડી અને રામોલ સહિતના 20 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી. હાલના ડી.જી. આશીષ ભાટીયાની આગેવાનીમાં 200 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.’
નિવૃત થયા બાદ પણ યથાવત રાખ્યા
પી.જી. વાઘેલાએ આ કેસ માટે પોલીસ અને ન્યાયીક તપાસની વાત કરતા જણાવ્યું હતું કે, આ કેસની તપાસમાં 78 જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ્ધ 547 ચાર્જશીટો તબક્કાવાર તૈયાર કરવામાં આવી હતી. જ્યારે હજુ બાકીના 4 આરોપીઓ વિરૂધ્ધ કેસ ચાલે છે તેમની 105 ચાર્જશીટો તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ આરોપીઓએ સુરતમાં પણ સિરિયલ બ્લાસ્ટ માટે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા પરંતુ ટેકનિકલ ક્ષતિના કારણે તે વિસ્ફોટ નિષ્ફળ રહ્યાં હતા. આમ સુરતમાં પણ ગુના નોંધવામાં આવ્યા હતા. બાદમાં આ તમામ કેસ એક જ કાવત્રાના ભાગ હોય એક જ કોર્ટમાં કેસ ચલાવવાનું નિયત કરાયું હતું. પરંતુ આ કેસની ટ્રાયલ દરમિયાન પી.જી. વાઘેલા સમગ્ર કેસના લગભગ દરેક કાગળ અને પુરવાથી અવગત થઈ ગયા હતા. જેના કારણે તેમને નિવૃત થયા હોવા છતાં પણ તેમને સતત એક્સ્ટેશન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે જ ગુજરાત પોલીસ બેડામાં સૌથી વધુ 51 વર્ષ નોકરી કરવાનો ઈતિહાસ તેમના નામે અંકિત થયો છે.
ડે ટુ ડે કેસ ચલાવી કોર્ટે ચૂકાદો આપ્યો
આ મામલે કોર્ટે 1163 સાહેદો અને 8 બચાવ પક્ષના સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, તપાસ અધિકારીઓના 250 થી 500 પેજ સુધીના નિવેદન કોર્ટ સમક્ષ લેવાયા જેમાં 20-30 દિવસ સુધી ચાલી. ડે ટુ ડે ચાલેલા કેસમાં આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવા જેલમાં ખાસ કોર્ટ બનાવવામાં આવી હતી. જેમાં એક એક આરોપીના 4500 પાનાના નિવેદન કોર્ટ સમક્ષ લેવાય છે. કોરોના દરમિયાન પણ કોર્ટે કાર્યવાહીને અવિરત ચાલુ રાખી ન્યાય માટે દેશની કટિબદ્ધતાના દર્શન કરાવ્યા હતા. ટુંકમાં કહીએ તો પોલીસ અને કોર્ટે લાખોની સંખ્યામાં પાના લખ્યા વાંચ્યા અને તપાસ્યા હતા. બાદમાં આ કેસનો ચૂકાદો આપવામાં આવ્યો હતો.
કર્મચારીએ જણાવી કાર્યદક્ષતાની કહાણી
આ ઈન્ટર્વ્યુ સમયે પી. જી. વાઘેલા સાથે આ કેસમાં જોડાયેલા દિલિપસિંહે પી.જી. વાઘેલાની કાર્યદક્ષતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ‘હું અને અન્ય કર્મચારીઓ પી.આઈ. વાઘેલા સાથે વારાણસી તપાસમાં જઈ રહ્યાં હતા. અમે હજુ તો જયપુર પહોંચ્યા હતા દરમિયાન માઠા સમાચાર આવ્યા કે વાઘેલા સાહેબના માતાનું નિધન થયું છે. પરંતુ આ સમય પરત ફરવાનો ન હતો, માટે પી.જી. વાઘેલાએ રસ્તામાં જ સામાજિક વિધીઓ પતાવી હતી અને તપાસનું કામ આગળ ધપાવ્યું હતું.’
સિરિયલ બ્લાસ્ટના આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપતા 38 આરોપીઓને ગુનેગાર જાહેર કરી ફાંસીની અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. પરંતુ આ કેસમાં થયેલી સજાને લઈ આરોપીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા છે ત્યારે હજુ આ કેસના આખરી ચુકાદામાં સમય લાગશે. એવામાં હજુ પણ પી.જી.વાઘેલાની પોલીસ વિભાગને જરૂરીયાત રહેશે તેમ જણાય છે. ત્યારે પી.જી. વાઘેલા પણ જો સરકાર તેમને યથાવત રાખે તો આગળ કાર્ય કરવા તત્પર છે તેમ જણાવે છે. આમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.જી. વાઘેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના ગૂગલ બની ગયા હોય તેમ જણાય છે.
ક્યાં થયા હતા બ્લાસ્ટ ?
- બાપુનગર સરદાર પટેલ ડાયમંડ માર્કેટ પાસે
- હાટકેશ્વર તેજેન્દ્ર કોમ્પ્લેક્ષ સામે
- નારોલ સર્કલ હનુમાનના મંદિર પાછળ
- નારોલ મિત્તલ ચેમ્બર્સ સામે
- ઈસનપુર ગોવિંદવાડી શાકમાર્કેટ
- રાયપુર ચકલા વિસ્તારમાં
- કાલુપુર સારંગપુર દરવાજા પાસે
- નરોડા ઠક્કરનગર એપ્રોચ રોડ પર
- નરોડા ગામ નજીક મયુર રેસ્ટોરન્ટ પાસે
- ઓઢવ ખોડીયાર નગર ચાર રસ્ચા નજીક શાકમાર્કેટમાં
- અમરાઈવાડી ન્યુ હરીનારાયણ પાર્ક નજીક શાકમાર્કેટમાં
- મણીનગર ચાર રસ્તા નજીક
- મણીનગર જવાહર ચોક ચાર રસ્તા પર
- મણીનગર એ.એમ.ટી.એસ. બસ સ્ટોપ પાસે
- સરખેજમાં એ.એમ.ટી.એસ. બસમાં
- ખાત્રજ ગામની સીમમાં અરવિંદ મીલ નજીક
- મણીનગર એલ.જી. હોસ્પિટલમાં
- શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં
- હાટકેશ્વર બાગેફિરદોશ પોલીસ લાઈન નજીક
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796