નવજીવન ન્યૂઝ. અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં(AMC) વિપક્ષ પદ માટે ફરી એકવાર વિવાદનો મધપુડો છંછેડાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે. વર્ષ 2021માં AMCની ચૂંટણી યોજાઈ હતી. જેમાં BJPના 160 અને 24 કોંગ્રેસ(Congress)ના કોર્પોરેટર્સ ચૂંટાઈને આવ્યા હતા. જોકે ચૂંટણીના લાંબા સમય સુધી AMC વિપક્ષના પદને લઈને કોઈ નામની જાહેરાત કરવામાં આવી ન હતી. આખરે લાંબા સમય બાદ દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ(Shehzadkhan Pathan)નું નામ જાહેર કરતાં કોંગ્રેસના કોર્પોરેટર્સમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

AMC વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણનું નામ જાહેર કરવામાં આવતા કોર્પોરેટર્સમાં બે જૂથ પડી ગયા હતા. ઉપરાંત શહેઝાદખાન પઠાણને વિપક્ષના નેતા બનાવામાં આવતા નારાજ 10થી વધુ કોર્પોરેટર્સે પક્ષમાંથી રાજીનામું ધરી દઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે પોતાના જ પક્ષના આટલા વિરોધ બાદ પણ શહેઝાદખાન પઠાણને વિરોધપક્ષના નેતા તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.
શહેઝાદખાન પઠાણને વિરોધપક્ષના નેતા બનાવામાં આવતા નારાજ કોર્પોરેટર્સ AMCની સામાન્ય સભામાં પણ જવાનું ટાળી દેતા હતા. આખરે વિરોધનો અંત લાલવા માટે કોંગ્રેસના સિનિયરનેતાઓ અને નારાજ કોર્પોરેટર્સ વચ્ચે મિટિંગ યોજાયી હતી. જેમાં વિપક્ષના નેતા તરીકે એક-એક વર્ષ માટે કોઈપણ કોર્પોરેટરને મૂકવામાં આવશે તેવી લેખિતમાં બાહેંધરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શહેઝાદખાન પઠાણ વિપક્ષના નેતા બન્યાને આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીના રોજ એક વર્ષ પુર્ણ થઈ રહ્યું છે.
વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણનું એક વર્ષ પુર્ણ થતાં હવે વિપક્ષના નવા નેતા કોણ બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ગઈકાલે નારાજ 10 જેટલા કોર્પોરેટર્સની બંધ બારણે એક બેઠક યોજાઈ હતી. જેમાં વિરોધપક્ષના નેતા તરીકે નવું નામ જાહેર કરવા રજૂઆત કરી હતી. પ્રદેશ પ્રમુખ સાથે આગામી દિવસોમાં મિટિંગ અને ચર્ચા કર્યા બાદ નવા વિપક્ષના નેતા અંગે નિર્ણય લેવાય તેવું સુત્રો જણાવી રહ્યા છે. આગામી વિપક્ષના નેતા તરીકે બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડા, ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ, ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી દાવેદાર છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા AMC વિપક્ષના નેતા તરીકે નવા કોર્પોરેટરને તક આપવામાં આવશે કે શહેઝાદખાન પઠાણને જ યથાવત રાખવામાં આવશે?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








