Friday, July 17, 2026
HomeGujaratજીંદગીમાં રીવર્સ ગીયર હોતો નથી, જેઓ ભુતકાળ ભુલી શકતા નથી તેમને વર્તમાન...

જીંદગીમાં રીવર્સ ગીયર હોતો નથી, જેઓ ભુતકાળ ભુલી શકતા નથી તેમને વર્તમાન મળતો નથી

- Advertisement -

સામાન્ય રીતે આપણને પૈસા-પદ અને માન મળવાની શરૂઆત થાય છે તે જીવનના લગભગ પચ્ચીસી પછી મળે છે કોઈને શિક્ષણને કારણે , કોઈને તેના જ્ઞાનને કારણે , કોઈને પોતાના હોદ્દાને કારણે તો કોઈને વ્યવસાયને કારણે સામાજીક મોભો મળે છે, આમ જીવનના પહેલા પચ્ચીસ વર્ષ અત્યંત સરળ જીંદગી હોય છે, જેમાં આપણે જેવા છીએ તેવા જ દેખાવામાં અને રહેવામાં આપણને કોઈ સંકોચ થતો નથી, પણ જેવો આપણી પાસે પદ અને પૈસા આવે તેની સાથે આપણે પોતાને બીજા કરતા જુદા છીએ તેવો ભ્રમ થવા લાગે છે, તેમાં કોઈ શંકા નથી દરેકને મળતા પદ અને પૈસા માટે તેમણે ખુબ મહેનત કરી છે, પણ જેવો પદ અથવા હોદ્દો મળે તેની સાથે તેમના જીવન ઉપર એક એવો ભાર સવાર થઈ જાય છે કે તેઓ પોતાનાથી પોતાને અળગા કરે છે, પદ અને હોદ્દો ન્હોતો ત્યારે મીત્રો અને આસપાસના લોકો પોતાના લાગતા હતા તેઓ હવે પોતાના કરતા ઉતરતા લાગવા માંડે છે. આવુ થવુ પણ સ્વભાવીક છે કદાચ તેઓ બીજા કરતા જુદા જ છે, એટલે બીજા કરતા વધુ મહેનત કરી તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા.



પણ લક્ષ્ય પ્રાપ્ત થયા પછી જીવનની જે મોકળાશ હતી, તે મોકળાશને તેમણે પોતે જ તાળા મારી દીધા, બીજા કરતા પોતાને અલીપ્ત થઈ ગયા, જયાં સુધી પદ અને હોદ્દો હતો ત્યારે સાહેબ કહેનારની ફૌજ હતી. તમે ઓફિસો પહોંચો ત્યારે ચેમ્બરનો દરવાજો ખોલવા માણસ, હતો, કાર સુધી પહોચો ત્યારે કારનો દરવાજો ડ્રાઈવર હતો આમ જીવનના એક એક તબ્બકે તમારી પાસે એવુ કોઈ હતું જેમણે તેમને જીવનની અગવડ પહોંચવા દીધી નહીં, જીવનમાં આવેલુ સુખ ચોક્કસ તમારી મહેનતનું પરિણામ હતું, પણ તેની સાથે ઈશ્વરની કૃપા અને તમારૂ તકદીર પણ હતું,. પણ પદને કારણે મળતી વિશાળ સત્તાઓના ઘોઘાટમાં આ બધુ ભુલાઈ જાય છે, માત્રને માત્ર આદેશના સુરમાં વાત કરવાની આદત પડી જાય છે. આપણે આદેશ આપવા જ જન્મયા છીએ તેવો ભ્રમ થવા લાગે છે, આપણે ભલે સાહેબ છીએ પણ સામે વાળો પણ માણસ છે તે યાદ રહેતુ નથી આવુ જીવનના ત્રીસ પાંત્રીસ વર્ષ ચાલે છે.

અચાનક એક દિવસ આપણને સરકાર યાદ અપાવે છે કે હવે તમે સાંઈઠના થયા તમારી ઓવર પુરી, ત્યારે આપણે અરીસા સામે ઉભા રહી પોતાને કહીએ છીએ અરે તુ તો હજી ફીટ છે, પણ આપણો જન્મ દાખલો કહે છે બસ હવે ઘરે જવાનો સમય આવી ગયો છે, એવા અફસરોની પણ લાંબી યાદી છે જેમને હવે આવતીકાલથી કોઈ સાહેબ કહેશે નહીં , કોઈ સલામ કરશે નહીં તેવુ જયારે યાદ આવે છે ત્યારે હ્રદય બેચેન થઈ જાય છે, જીવનના પાંત્રીસ વર્ષ સુધી રૂઆબ છાંટવા સિવાય કઈ કર્યુ નથી, હું જ સરકાર ચલાવુ છુ તેવા ભારમાં કોઈના લગ્ન પ્રસંગે કે પછી મરણ પ્રસંગે પણ ગયા નહીં, જેઓ મિત્રો હતા, તેમને હમણાં બહુ કામ છે તેવુ કહી અનેક વર્ષો રવાના કરી દીધા, નામ અને દામ કમાવવાની દોટમાં એટલે દુર નિકળી ગયા કે જીવનના વિશ્રામે નામ અને દામ બધુ જ હતું પણ પાછળ વળી જોયુ તો બધા જ સંબંધો અને સંબંધીઓ તો બહુ દુર થઈ ગયા હોય છે હવે તેઓ સાથે ચાલવા તૈયાર હોતા નથી આપણે પાછા જઈ શકતા નથી કારણ જીંદગીમાં રીવર્સ ગીયર હોતો નથી.



જ્યારે ભાન થાય છે કે આપણી જીંદગીનો એક મોટો તબ્બકો એવો પસાર થઈ ગયો કે આપણે ઉભી કરેલી જીંદગીમાં આપણે માનતા હતા કે બધા દોરી સંચાર આપણી પાસે છે અને અચાનક ખબર પડે છે કે આપણે પરિસ્થિતિની કઠપુતળી હતા, ત્યારે આપણે આસપાસની બીજી કઠપુતળીઓ આપણને મશ્કરીઓ કરતી હોય તેવો ભાસ થાય છે. સાહેબ શબ્દનું એટલુ વળગણ થઈ ગયુ હોય છે કે હવે કોઈ સાહેબ કહેતુ નથી અને આપણો આદેશ ચાલતો નથી તેવુ જયારે ભાનવ થાય છે ત્યારે લાગે છે કે પોતાની જાતને ગોળી મારી દેવી, દેશમાં ફરતો કરોડો લોકોની જેમ આપણે પણ એક સામાન્ય માણસ છીએ, હવે આપણે સાહેબ નથી અને આપણો આદેશ માનવો બીજા માટે જરૂરી નથી તેવુ સ્વીકારવુ બહુ મુશ્કેલ હોય છે, જેના કારણે નિવૃત્ત થનાર મોટા ભાગના અધિકારીઓ પોતાની જાતને સમજાવવા માટે ભુતકાળમાં તેમને કરેલા કામોને ઢાલ બનાવી ફરતા હોય છે કારણ તેમની પાસે વર્તમાન કહી શકાય તેવુ કામ હોતુ નથી.

- Advertisement -

આજે આપણો વર્તમાન આવતીકાલે ભુતકાળ થઈ જવાનો છે તેની જેટલી ખબર વહેલી પડે એટલી ભવીષ્યની તકલીફમાં ઘટાડો થશે કદાચ આપણે પુર્વ સાહેબ થઈ જઈશુ તેવુ યાદ રહેશે તો અત્યારે સામે જે ઉભો છે તે પણ માણસ છે તે આપણને સતત યાદ રહેશે અને તે આપણને માણસ રહેવામાં મદદ કરશે, આ ઉપરાંત જેઓ પોતાની નિવૃત્તીની આંધીના તોફાને પહેલાથી ઓળખી લે છે તેમનો સાહેબકાળ બહુ સારો પસાર થાય છે કારણ તેઓ સાહેબ હોવા છતાં તેમને પ્રેમ કરનાર માણસો તેમની આસપાસ હોય છે અને જયારે તેઓ સાહેબ રહેતા નથી ત્યારે પણ તેમને સાહેબ કહેનાર લોકોની સંખ્યા નાની થતી નથી, એવા લાખો અધિકારીઓ છે જેમણે પોતાના કાળમાં યોગ્ય કે અયોગ્ય રીતે ખુબ સંપત્તીનું સર્જન કર્યુ પણ નિવૃત્તી પછી તેઓ એકલા છે, તેમની અંદરનો ભુતકાળ તેમનો પીછો છોડતો નથી અને વર્તમાનમાં તેઓ જીવી શકતા નથી.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular