નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગુજરાતના વિખ્યાત ધાર્મિક પ્રવાસન સ્થળ સોમનાથ મંદિર (Somnath Temple)ના લૉકરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રવાસીએ સોમનાથ ટ્રસ્ટના લૉકરમાં જમાં કરાવેલી માલમત્તાની ચોરી થઈ છે. આ મામલે પ્રવાસીએ સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી જાણ કરી હતી.

ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિરમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળું અને પ્રવાસીઓ આવતા હોય છે. મંદિરમાં મોબાઈલ ફોન, બેલ્ટ અને બેગ સહિતના સામાન લઈ જવા પર પ્રતિબંધ હોય શ્રધ્ધાળુંઓ પોતાનો સામાન સાથે લઈ મંદિરમાં પ્રવેશ નથી મેળવી શકતા. જેના પગલે પ્રવાસીઓને સામાન મંદિર બહાર રાખવા માટે મંદિર ટ્રસ્ટે લૉકરની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ત્યારે સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા રાહુલ બંસલ ગતરોજ સોમવારના રોજ પરિવાર સાથે મંદિરે દર્શન ગયા હોય તેમણે પણ પોતાનો સામાન લૉકરમાં રાખ્યો હતો.
સોમવારે સવારે 10 વાગ્યા આસપાસ રાહુલ બંસલની ફરિયાદ મુજબ તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના લૉકરમાં મોબાઈલ ફોન, એટીએમ, અને રોકડ સહિતનો સામાન મુકી દર્શનાર્થે મંદિરમાં ગયા હતા. તેમણે લૉકરમાં તમામ સામાના બેગમાં રાખી મુક્યો હતો જે માટે તેમને કર્મચારી દ્વારા ટોકન નંબર 1466 પણ આપવામાં આવ્યું હતું. આશરે એક કલાક બાદ તેઓ પરત ફર્યા અને જ્યારે લૉકરમાંથી બેગ લેવા માટે ગયા ત્યારે બેગ જોવા મળ્યું ન હતું. આ મામલે તેમણે ટ્રસ્ટના કર્મચારીને જાણ કરતા તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ આદરી હતી. જેમાં સામે આવ્યું હતું કે કોઈ શખ્સ પાછળની બાજુથી તેમના બેગને લઈ જતો હતો. આ બેગમાં રૂપિયા 12 હજારની રોકડ, 3 મોબાઈલ ફોન, 3 એટીએમ કાર્ડ તેમજ તેમના દસ્તાવેજી પુરાવા રાખવામાં આવ્યા હતા.
શ્ર્ધ્ધાળું રાહુલ બંસલે ચોરીની આ ઘટના બાદ પોલીસનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બાદમાં તેણે સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ મામલે લેખિત ફરિયાદ કરી સામાન ભરેલા બેગને પરત મેળવવા અને ચોરી કરનાર વિરૂધ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. મંદિર ટ્રસ્ટના લૉકરમાંથી ચોરીની ઘટના સામે આવતા શ્રધ્ધાળુંઓમાં રોષ જોવા મળ્યો હતો તેમજ, સ્થાનિકોએ પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓ સાથે આ પ્રકારની ઘટના ન બને તે માટે પુરતી તકેદારી રાખવામાં આવે તે ખુબ જરૂરી બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સોમનાથ મંદિર ટ્રસ્ટના ગેસ્ટ હાઉસના નામે બોગસ વેબસાઈટ બનાવી રૂમ બુકિંગના નામે પૈસા ખંખેરવાનું કારસ્તાન પોલીસે ઝડપી પાડ્યું હતું. જેમાં પ્રવાસીઓને રૂમ બુકિંગના નામે લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવતો હતો. ત્યારે હવે લૉકરમાંથી ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે.
(માહિતી સંકલન: પરાગ સંગતાણી. વેરાવળ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








