નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટના જસદણ (Jasdan)માં આવેલા શિવ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. જેનો આજે અંત આવ્યો છે. ઘેલા સોમનાથ(Ghela Somnath) મહાદેવના મંદિરમાં જળ અભિષેક કરવા માટે તાજેતરમાં ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો, જેને લઈને શિવ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે તંત્રને આ વાત વહેલી તકે સમજાઈ ગઈ કે આસ્થાના ધામમાં પૈસાનો વેપાર ન થઈ શકે અને જળાભિષેક માટે રાખવામાં આવેલા ચાર્જને પરત ખેંચવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકમાં આવેલા સુપ્રસિદ્ધ ધેલા સોમનાથ મહાદેવ મંદિરમાં 8 દિવસ અગાઉ સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા મંદિરમાં મહાદેવને જળાભિષેક કરવા માટે 351 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓને પૈસાની પહોંચ ફડાવ્યા બાદ જ જળાભિષેક કરવાનો હુકમ જાહેર કરવામાં આવતા શિવ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચાર્જના વિરોધમાં સામાજિક અગ્રણીઓ અને સંતોએ નાયબ ક્લેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સાથે જ ચાર્જ પાછો નહીં ખેચાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.
ધેલા સોમથામ મંદિર અંગે જસદણના નાયબ ક્લેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, મંદિરમાં જળાભિષેક માટે 351 રૂપિયા ચૂકવવાનો આદેશ એક પ્રકારે ટ્રસ્ટમાં જમા કરવા બરાબર છે. અત્યાર સુધી મંદિરમાં પ્રસાદી આપવામાં આવતી નહોતી. પરંતુ છેલ્લા એક મહિનાથી મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. સાથે જ મંદિરની સાફ-સફાઇ કરાવાઈ રહી છે. મંદિરમાં ધામા નાખીને બેસતા લોકો પાસેથી અમે રૂમની ચાવીઓ લઈ લીધી છે જેના કારણે અંગત સ્વાર્થ હોવાથી અમૂક લોકો વિરોધ કરે છે. હું આ મંદિરનો ઉપાધ્યક્ષ અને નાયબ કલેકટર છું . જેથી મારે જ બધા નિર્ણયો કરવાના હોય છે, ઉપાધ્યક્ષ તરીકે મેં આ નિર્ણય લીધો છે.
જોકે ગઈકાલે 8 દિવસમાં જ મંદિરમાં જળાભિષેક કરવા માટેના ચાર્જ અંગે તંત્રએ યુ-ટર્ન લીધો હતો. જસદણના નાયબ ક્લેક્ટરે અખબારયાદીમાં જણાવ્યું હતું કે, “વિવિધ સંગઠન અને ભાવિકો દ્વારા મંદિરમાં જળાભિષેક કરવા ચાર્જ વસુલવા અંગેની જાહેરાત કરી હતી. જે બાબતે રદીયો આપવામાં આવે છે કે, જળાભિષેક કરવા માટે કોઈ ચાર્જ નથી”. ઉલ્લેખનીય છે કે, નિર્ણય પાછો લેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








