નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના સરદાર નગર ખાતે આવેલા સંતોષીનગર ખાતે 19 જૂનના રોજ આરોપીઓએ ઝઘડાની અદાવતમાં યુવકને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ બાબતે સરદાર નગર પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે બંને આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડી 4 દિવસમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
શું હતો મામલો
નરોડા ખાતે રહેતો ગોપાલ ઠાકરો 19 જૂન રોજ પોતાની સાસરી સંતોષી નગર આવ્યો હતો. તે દરમિયાન તેની પત્ની સાથે અન્ય વ્યક્તિઓએ મજાકમસ્તી કરી હતી. જે વાત ગોપાલને ગમી ન હતી, જેને લઈ ગોપાલે આરોપીઓને ઠપકો આપતા બબાલ થઈ હતી. જોકે મામલો ઉગ્ર બનતા આસપાસના લોકોએ મામલો થાળે પાડી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે ઝઘડાનો ખાર રાખી આરોપીઓ સાંજે ફરી ગોપાલ ઠાકોરની સાસરીમાં આવ્યા હતા. ગોપાલને ચા પીવાના બહાને બહાર લઈ ગયા હતા અને બાદમાં જાહેરમાં હિતેશ ઉર્ફે લાલાએ ગોપાલને પાછળની પકડી રાખી કિરણ ઉર્ફે ટિકડીએ ગોપાલના પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી બંને ફરાર થઈ ગયા હતા. ગોપાલને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમ્રગ મામલે સરદાર નગર પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે અસારવાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ હત્યા કરનારા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સંતોષીનગરમાં હત્યા કરીને ભાગતા ફરતા આરોપી સરદાર નગર વિસ્તારમાં કોઈ કામ માટે આવ્યા છે. જે બાતમીના અધારે સરદાર પોલીસની ટીમ બાતમીવાળી જગ્યા ત્રાટકી હતી અને બંને આરોપીને દબોચી પડ્યા હતા.








