નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કહેવાય છે કે, ‘પત્રકાર’ એ લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવે છે. પત્રકાર એ સમાજનો આયનો છે, પરંતુ આ જ પત્રકાર જ્યારે સમાજની મુશ્કેલી લોકો સામે લઈને આવે છે ત્યારે કેટલાંક કિસ્સાઓમાં તેના પર હિંસાત્મક હુમલા પણ કરવામાં આવતા હોય છે, તો ક્યારેક આવા કિસ્સાઓમાં પત્રકારે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે વિશ્વમાં પત્રકારોની શું સ્થિતિ છે? પત્રકારો પર થતા હુમલા તેમજ હત્યા વિશે આજરોજ વિશ્વ પત્રકારત્વ સ્વતંત્રતા દિવસે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે રિપાર્ટસ રજુ કર્યા છે તેમાં કેટલાંક નેતાઓના નામો જાહેર કર્યા છે, જેમાં વડાપ્રધાન મોદીનુ નામ પણ સામેલ છે. આ સાથે અન્ય ચોંકાવનારા જે ખુલાસા થયા છે તે વાંચો અમારા ખાસ અહેવાલમાં…
આજરોજ 3 મેના રોજ વિશ્વ પત્રકારત્વ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર 1993માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 3 મે ને વિશ્વ પત્રકારત્વ સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે તેના એક રિપોર્ટમાં મીડિયા પર હુમલા કરનારા 37 નેતાઓની એક યાદી જાહેર કરી છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના વડાપ્રધાનની સાથોસાથ ભારતના વપડાપ્રધાન મોદીનું નામ પણ સામેલ છે.
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે (RSF) આ તમામ નેતાઓને પ્રેડેટર્સ ઓફ પ્રેસ ફ્રિડમ એટલે કે, મીડિયાની સ્વતંત્રતાને કચડી નાંખવાવાળાનું નામ આપ્યુ છે. તેમની માન્યતા અનુસાર આ તમામ નેતાઓ એવી સેંસર વ્યવસ્થા બનાવવા માટે જવાબદાર છે, કે જે કાંતો પોતાની મનમાની કરીને પત્રકારોને જેલ હવાલે કરી દે છે અથવા તો તેમના વિરૂદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવે છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે જાહેર કરેલી યાદી અનુસાર 16 નેતા એવા દેશો પર શાસન કરી રહ્યા છે જ્યા પત્રકારત્વ માટે હાલત ‘બહુ જ ખરાબ’ છે. તો 19 નેતા એવા દેશો પર શાસન કરી રહ્યા છે જ્યા પત્રકારત્વ માટે હાલત ‘ખરાબ’ છે. તેમના રિપોર્ટસ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ આ યાદીમાં પહેલી વાર આવ્યુ છે. આ સંસ્થાએ તેમના રિપોર્ટ્માં કહ્યું છે કે, “મોદી મીડિયા પર હુમલો કરવા માટે મીડિયા કંપનીઓના માલિકો સાથે દોસ્તી કરીને મુખ્યધારાના મીડિયાને પોતાના પ્રચારથી ભરી દે છે. ત્યારબાદ જે પત્રકારો તેમને એટલે કે નરેન્દ્ર મોદીને સવાલો કરે છે તેમની પર દેશદ્રોહીનું લેબલ લગાવીને કાયદાકીય જાળમાં ફસાવી દે છે.”
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના જણાવ્યા અનુસાર, સવાલ ઉઠાવતા પત્રકારો વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ટ્રોલીંગની એક સેના તેની પાછળ લગાવી દેવામાં આવે છે. અને તે એટલી હદ સુધી સોશિયલ મીડિયા પર નફરત ફેલાવે છે કે તે પત્રકારને મારી નાંખવાની વાત કરે. આ વાતની સાબિતી માટે સંસ્થાએ પત્રકાર ગૌરી શંકરનું ઉદાહરણ આપ્યું છે કે જેની 2017માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં 180 દેશોમાંથી ભારત 161માં નંબર પર
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના 2023ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ અનુસાર “31 દેશોમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જ્યારે 42 દેશોમાં મુશ્કેલ છે અને 55 દેશોમાં સમસ્યારૂપ છે. 52 દેશો એવા છે. જેમાં સ્થિતિ સારી કે સંતોષજનક કહી શકાય. એટલે કે દર 10 માંથી 7 દેશોમાં સ્થિતિ ખરાબ છે. 2023માં અત્યાર સુધીમાં, વિશ્વમાં 6 પત્રકારો અને 1 મીડિયા વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, જ્યારે 568 પત્રકારો જેલમાં બંધ છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં 180 દેશોમાંથી ભારત 161માં નંબર પર છે. મહત્વનું છે કે, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે તેના વિશ્લેષણમાં લખ્યું છે કે “વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં મીડિયાની સ્વતંત્રતા જોખમમાં છે”. આ વર્ષે ભારતમાં એક પત્રકારનું મોત થયું હતું, જ્યારે 10ની અટકાયત કરવામાં આવી હતી.
પત્રકારોની હત્યામાં 50 ટકાનો વધારો
સરકાર જ્યારે પોતાની સત્તાનો દૂરૂપયોગ કરે અને જ્યારે જનતા પ્રત્યે પોતાની જવાબદારીઓ ભૂલી જાય છે, ત્યારે એક પત્રકાર હોય છે જે સરકારને જવાબદારીનું ભાન કરાવે છે. જનતાના હક માટે અવાજ ઉઠાવે છે. પરંતુ સરકાર પૈસા અને સત્તાના જોરે તે અવાજને કાં તો દબાવવાનો પ્રયત્ન કરે છે અને જો તેમાં નિષ્ફળ જાય તો તે અવાજને હંમેશા માટે બંધ કરી દે છે. ત્યારે સવાલ ઉભા થાય છે પત્રકારોની આઝાદી પર. ત્યારે આજરોજ વિશ્વ પત્રકારત્વ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day)ના અવસર પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પત્રકારોની થતી હત્યા વિશે નિવેદન આપ્યું છે કે, “2022માં પત્રકારોની હત્યામાં 50 ટકાનો વધારો થયો છે, જે અવિશ્વસનીય છે”. તેમણે કહ્યું કે, “મીડિયાની સ્વતંત્રતા એ લોકશાહી અને ન્યાયનો આધાર છે અને તે હવે જોખમમાં છે”.
D.W.માં પ્રસારિત થયેલા અહેવાલ અનુસાર વિશ્વભરમાં મીડ્યા પર જે હુમલા થઈ રહ્યા છે તેને કારણે પત્રકારોની હત્યામાં દોઢ ગણો વધારો થયો છે. ત્યારે પત્રકારોની આ કરૂણ પરિસ્થિતિ જોઈને એન્ટોનિયો ગુટેરેસે તમામ દેશોની સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, “જેઓ તમારા વિશે સત્ય અને સમાચાર પ્રકાશિત કરે છે તેમને નિશાન બનાવવાનું બંધ કરો.”
જાણો સર્વેની વિગતો શું કહે છે? વિશ્વભરમાં ખરાબ પરિસ્થિતિ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અનુસાર 2022માં ઓછામાં ઓછા 67 મીડિયાકર્મીઓ માર્યા ગયા હતા. તે વિશે તેમણે કહ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મના અનુકૂળ ઉપયોગથી ઉગ્રવાદીઓ માટે તેમના જૂઠાણાનો પ્રચાર અને પત્રકારોને હેરાન કરવાનું સરળ બન્યું છે. ગુટેરેસે કહ્યું કે, ખોટી માહિતીનો ખતરો સત્ય પર મંડરાઈ રહ્યો છે.
તો બીજી તરફ યુનેસ્કોના તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું છે કે, 65 દેશોમાં વિરોધ પ્રદર્શનનું રિપોર્ટિંગ કરનારા પત્રકારો પર હુમલા થયા છે. અન્ય એક અહેવાલ મુજબ, વિશ્વભરમાં પત્રકારોને ત્રાસ આપવા માટે ન્યાયિક પ્રણાલીનો ઉપયોગ કરવાની ઘટનાઓ વધી રહી છે. 160 દેશોમાં, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર હજુ પણ ફોજદારી કાયદા હેઠળ આવે છે.
આજે જ્યારે મોટાભાગનું મીડીયા પડી ભાંગ્યુ છે ત્યારે એન્ટોનિયો ગુટેરેસે સરકારને તેની જવાબદાર ઠેરવી છે. તેમના અનુસાર સરકાર પત્રકારોને લઈ જે કડક કાયદા પ્રસાર કરી રહી છે, તેના કારણે આજે મીડિયા ઈન્ડસ્ટ્રી પતનના માર્ગે દોરવાઈ છે. જેની અસર સ્થાનિક મીડિયા સંસ્થાઓ પર પડતા તે પણ બંધ થઈ ગઈ છે. જેને કારણે હવે પત્રકારત્વ થોડા હાથો સુધી સીમિત થઈ ગયું છે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જોખમી છે.
મહિલા પત્રકારોની પરિસ્થિતિ
ગુટેરેસે મહિલા પત્રકારોને લઈ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર પત્રકારોની ધામધમકી કે અટકાયત કોઈપણ રીતે પત્રકારોને જે હેરાનગતિ કરવામાં આવે છે તેની સરખામણીમાં ત્રણ ચતુર્થાંશ મહિલા પત્રકારોને ઓનલાઈન હેરાન કરવામાં આવ્યા છે. જ્યારે એક ચતુર્થાંશ મહિલા પત્રકારોએ શારીરિક હિંસાનો સામનો કરવો પડ્યો છે. આવી પરિસ્થિતિમાં જ્યારે પત્રકારો સત્ય માટે ઉભા રહે છે ત્યારે દુનિયાએ પણ તે જ રીતે પત્રકારો સાથે ઉભા રહેવું જોઈએ. તેમ ગુટેરેસે જણાવ્યુ હતું.