કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીતા કોલ્હાટકર (Neeta Kolhatkar) લિખિત ‘ધ ફિઅર્ડ’ નામનું પુસ્તક હાલમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં લેખિકાએ રાજકીય જેલવાસ ભોગવનારા 11 બંદીવાનોના મુલાકાત લીધી છે. પુસ્તક માટે મુલાકાત આપનારા બંદીવાનોમાં સામાજિક કાર્યકર્તા ડૉ. બિનાયક સેન, દલિત કાર્યકર્તા પ્રો. આનંદ તેલતુમડે, મણિપુરના પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્રી રામા આંબેડકર, માઓવાદી આગેવાન મુરલીધરન કે., કવિયત્રી અને સામાજિક કાર્યકર્તા પી. હેમલથા, રાજ્યસભા સાંસદ સંજય રાઉત અને પત્રકાર પ્રશાંત રાહી છે. લેખિકા નીતા કોલ્હાટકરે પુસ્તકમાં પહેલાં સૌના જીવનકાર્યની પૃષ્ઠભૂમિ આપી છે અને તે પછી મુલાકાત મુકી છે. પ્રચારના ભાગરૂપે પુસ્તકની કેટલીક મુલાકાતોના અંશો વિવિધ ન્યૂઝ પોર્ટલ પર મુકવામાં આવ્યા છે; તેમાંની એક ડૉ. બિનાયક સેનની છે. ડૉ. બિનાયક સેન વેલ્લુરમાંથી એમ.બી.બી.એસ. ડૉક્ટર થયા છે. તેઓ ખૂબ સારાં ગુણથી ઉત્તીર્ણ થયા હતા અને તેમના પિતા તેમને બ્રિટન મોકલવા માંગતા હતા પણ તેઓ સેવા અર્થે દેશમાં રોકાયા. તેમણે વેલ્લુરમાંથી એમ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને જાહેર સ્વાસ્થ્ય વિષયમાં પીએચડીનો અભ્યાસ કરવા માટે ‘જેએનયુ’માં એસોશિએટ ફેલોની નોકરી સ્વીકારી. તે પછી મધ્ય પ્રદેશ અને પછીથી તેઓ ટ્રેડ યુનિયનિસ્ટ શંકર ગુહા નિયોગીના સહયોગી તરીકે છત્તીસગઢ ગયા. નેવુંના દાયકામાં તેઓ છત્તીસગઢમાં આવેલા દલ્લી રાઝારા અને નંદીનીમાં સ્થિત ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના ખાણમાં કામ કરતાં મજદૂરો માટે કામ કર્યું. અહીંયા તેમણે 25 બેડ ધરાવતી ‘શહીદ હોસ્પિટલ’ સ્થાપી. આ દરમિયાન 2007માં તેમની નક્સલીઓ સાથે સાંઠગાંઠના આરોપસર ધરપકડ કરવામાં આવી. તેમના જેલવાસની સ્ટોરી તો લાંબી છે અને હજુય તેમના પરના આરોપો દૂર થયા નથી. 75 વર્ષીય ડૉ. બિનાયક સેન માને છે કે હજુ પણ તેમની ધરપકડ થઈ શકે છે. આ જેલવાસ દરમિયાન તેમની માનસિક અને શારીરિક પ્રતાડના વિશે નીતાએ પૂછ્યું તો ડૉ. બિનાયક સેન કહે છે કે, “જેલના કારણે જ મને માનસિક રીતે આઘાત લાગ્યો. જેલ એ કંઈ માત્ર નકારાત્મક અનુભવ નહોતો. ઘણાં લોકોનું મારા પ્રત્યે માયાળુ વલણ રાખતા હતા. હું એકાંત કોટડીમાં હતો, તે સિવાય લોકો મારી સ્થિતિ સમજતા હતા અને મારા દિવસો પસાર તે રીતે મદદ પણ કરતા હતા. મારે એ પણ કહેવું જોઈએ કે જેલનો સ્ટાફ પોલીસ કરતા અલગ હતો. જેલ સ્ટાફ મદદરૂપ હતો અને તેમણે ભાગ્યેજ મારી સાથે કોઈ ખરાબ વર્તન કર્યું. જ્યારે હું જેલમાં આવ્યો ત્યારે ડિરેક્ટર જનરલ ઑફ પોલીસે જેલ સ્ટાફને મિટિંગ માટે બોલાવ્યા હતા. – જેલવાસ દરમિયાન તેમણે કશીય દેખરેખ રાખવાની ન હોય – તેમણે જેલ સ્ટાફને મારા પરના આરોપો સાબિત થાય તે માટે તેઓને સહાય કરવા જણાવ્યું હતું. અને તેમ ન થાય તો તેમના પર એક્શન લેવાશે – તેવી વાત પણ કહી હતી. મારા વિરુદ્ધ પુરાવા એકઠા કરવાનું પણ કહ્યું હતું, જોકે જેલ સ્ટાફે તેવું કશુંય ન કર્યું.”

ડૉ. બિનાયક સેનની પ્રથમ વાર ધરપકડ થઈ તે વિશે જ્યારે લેખિકા તેમને પૂછે છે ત્યારે તેઓ કહે છે કે, “હા, મને બરાબર યાદ છે. મારી ધરપકડ થશે તેવું મેં ધાર્યું નહોતું. હું મારા પરિવાર સાથે સમય વિતાવવા કોલકતા ગયો હતો.” વચ્ચે થોડી વાત બિનાયક સેનની દીકરી પ્રહણિતાએ બયાન કરી છે, જે મુજબ બિનાયક સેનને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા અને તેમની ત્યાં જ ધરપકડ કરવામાં આવી. તે પછી બિનાયક સેન કહે છે : “શરૂઆતમાં મને કશુંય શંકાસ્પદ ન લાગ્યું. પરંતુ અચાનક તેમની બૉડી લેન્ગ્વેજ બદલાઈ. તેઓ કોઈ પણ રીતે મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા માંગતા હતા. પછી તેઓ મને મેડિકલ એક્ઝામિનેશન માટે હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર મને હોસ્પિટલમાં દાખલ કરવા માંગતા હતા, પરંતુ મેં ઇનકાર કર્યો. ત્યાં સુધી મેં મારા દીકરીને કશુંય જણાવ્યું નહોતું.” જેલમાં બંદીવાન તરીકે પ્રથમ વાર પ્રવેશ અંગેના અનુભવ કહેતા ડૉ. બિનાયક સેન કહે છે : “તેઓ મને રાયપુર સેન્ટ્રલ જેલ લઈ ગયા. તેમણે કમસે કમ મારા કપડાં ન કઢાવ્યા. બીજું મને વિસ્તારથી કશુંય સ્મૃતિમાં નથી. હું એકલો નહોતો, અન્ય પણ લોકો હતા. કોઈએ મારા પ્રક્રિયામાં દખલ ન કરી, કોઈએ મને ઓળખ્યો પણ નહીં. મારી વાસ્તવિક સ્થિતિ વિશે તેઓને ખાસ્સી પાછળથી ખબર પડી. જેઓનો મારી સાથેનો વ્યવહાર સારો હતો તેમની સાથે વાત કરવામાં મને મંજૂરી મળી હતી. તેમાંથી કેટલાંક તો ખૂબ માયાળુ હતા.”
એક વાર જેલમાંથી બહાર આવ્યા બાદ જેલના અનુભવ વિશે સામાન્ય રીતે કોઈ બોલવા તૈયાર હોતું નથી. પરંતુ નીતા કોલ્હાટકરે તમામ રાજકીય બંદીવાનોની મુલાકાત વિસ્તારથી લીધી છે; અને તેમની પાસે વાતો તેઓ કઢાવી શક્યા છે. આ બંદીવાનોમાં અન્ય એક મણિપુરના પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમ છે. પહેલાં તો કિશોરચંદ્ર વાંગખેમની પ્રોફાઈલ જોઈ લઈએ. કિશોરચંદ્ર મણિપુરની એક સ્થાનિક ચેનલ સાથે જોડાયેલા પત્રકાર છે. 2018માં કિશોરચંદ્રએ ભાજપ પર કટાક્ષ કરીને ‘બીજેપી’નો મતલબ ‘બુદ્ધુ જોકર પાર્ટી’ કર્યો હતો. તે પછી મુખ્યમંત્રી બિરેન સિંઘ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતો વિડિયો કિશોરચંદ્રે ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ ટીકા મણિપુરમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જન્મદિવસ ઊજવવાના સંદર્ભે કરવામાં આવી હતી. કિશોરચંદ્રનું માનવું હતું કે રાણી લક્ષ્મીબાઈ સાથે મણિપુરને કંઈ લેવાદેવા નથી. આ મામલે કિશોરચંદ્રની 2018માં ‘નેશનલ સિક્યૂરિટી એક્ટ’ અંતર્ગત ધરપકડ થઈ અને 2019માં તેમને છોડવામાં આવ્યા હતા. તે પછી પણ સરકારની ટીકા કરવા બદલ તેની બે વાર ધરપકડ થઈ હતી. લેખિકા નીતાએ કિશોરચંદ્રને તેમની પર રાજદ્રોહ અને ‘નેશનલ સિક્યૂરીટિ એક્ટ’ અંતર્ગત થયેલી ધરપકડ વિશે, પ્રથમ વારની ધરપકડ વિશે અને તેણે ઝાંસીની રાણી સંબંધે જે વિડિયો અપલોડ કર્યો હતો તે વિશે પૂછે છે. આ અંગે તે કહે છે : “મારા મનમાં રાણી લક્ષ્મીબાઈ વિશે જરા પણ નકારાત્મક લાગણી નથી. પરંતુ તમારે એ સમજવું જોઈએ કે અમારી સંસ્કૃતિમાં તેમનો સંદર્ભ મળતો નથી. હું તેમના બલિદાન અને 1857ના બળવામાં તેમની ભૂમિકાને લઈને તેમના પ્રત્યે સન્માન રાખું છું. પણ આ બધા સન્માન સાથે કહું છું કે 1857માં અમે ભારતનો હિસ્સો ન હતા. મણિપુરમાં તે વખતે રાજાશાહી હતી. અમારી પરંપરા અને ઇતિહાસ સાથે તેમને જોડવા તે અર્થહિન વાત છે. 19 નવેમ્બર, 2018ના રોજ મેં આ વાતો કહેતો વિડિયો અપલોડ કર્યો હતો. 20 તારીખે જ્યારે હું મારા કાયદા-સલાહકારના નિવાસે હતો ત્યાંથી મારી ધરપકડ કરવામાં આવી હતી. …હું મેજિસ્ટ્રેટ પાસે સમર્પણ કરવાનું આયોજન કરી રહ્યો હતો. પણ પોલીસને અમારા આયોજન વિશે માહિતી મળી ગઈ અને તેઓ મારી ધરપકડ કરવા પહોંચી ગયા. છ દિવસ સુધી મને પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો.” એ દિવસે તો કિશોરચંદ્રને જામીન મળી ગયા પણ બીજા જ દિવસે બપોરના સમયે તેના ઘરે પોલીસ આવી ચૂકી હતી. તે પછી પોલીસ સ્ટેશન લઈ જઈને કિશોરચંદ્રને સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સામે છ કલાક બેસાડવામાં આવ્યો. જ્યાં ઑફિસરે તેની સાથે કોઈ જ વાત ન કરી. કિશોરચંદ્રનો પરિવાર ત્યારે બહાર તેની વાટ જોતો હોતો.
આ રીતે અગિયારે અગિયાર કેદીના જુદા જુદા અનુભવ નીતાના મુલાકાતોમાં નોંધાયા છે. જોકે આ મુલાકાતોમાં એવી અનેક વાતો બહાર આવી છે જેમાં રાજકીય બંદીવાનોનું જીવન બદતર સ્થિતિ કેવી રીતે થાય છે – તેનો ચિતાર મળે છે. આ લાંબી મુલાકાતો દરમિયાન નીતાએ બંદીવાનો રહી ચૂકનારા સાથે અનેક મુલાકાતો કરી છે. તેમના જેલના અનુભવમાં આહાર, રહેવાની અને સ્વાસ્થ્ય વિશેની માહિતી તો પૂછી છે, પણ સાથે સાથે તેઓએ જેલવાસનો સમય વિતાવ્યો અને તેમાં ઊભરતા માનવીય પાસાંઓને પણ ઉજાગર કર્યા છે. માનવીમાં ઊંડે ઊંડે આશા અને મજબૂતીના પણ દર્શન આ મુલાકાતોમાં થાય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796