કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણા દેશનો દિર્ઘ ઇતિહાસ છે અને એ ઇતિહાસને દસ્તાવેજરૂપે સાચવવાનું કાર્ય ‘નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા’[એનએઆઈ] દ્વારા થાય છે. હિંદીમાં આ સંસ્થા ‘રાષ્ટ્રીય અભિલેખાગાર’ના નામે ઓળખાય છે. ‘એનએઆઈ’માં દેશનો અઢીસો વર્ષનો ઇતિહાસ દસ્તાવેજિત થયો છે અને તે કરવામાં 34 કરોડ પાનાંને સુરક્ષિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ કાર્ય મેન્યુઅલી રીતે થતું હતું, પરંતુ હવે આ ઇતિહાસ ડિજિટલાઇઝ થઈ રહ્યો છે. આશા છે કે ભવિષ્યમાં તેનો કેટલોક ભાગ લોકો માટે પણ સુલભ થશે. ‘એનએઆઈ’માં જે કાર્ય થઈ રહ્યું છે તે અંગે હાલમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ વિસ્તૃત અહેવાલ કર્યો છે. આ સિવાય અન્ય અખબાર-ચેનલો પણ તેના વિશે નોંધ લઈ રહ્યા છે. આ નોંધ લેવાનું કારણ એ છે કે આ દસ્તાવેજોમાં 1857નો વિપ્લવ, રજવાડાંઓનું દેશ સાથે જોડાણ, રાણી લક્ષ્મીબાઈએ લોર્ડ ડેલહાઉસિસને લખેલા કાગળો, 1931માં ગિલકીટ પ્રદેશમાંથી મળી આવેલી આર્વાચીન હસ્તપ્રત, ગાંધી (Mahatma Gandhi), સરદાર અને નહેરુના કેટલાંક અમૂલ્ય પત્રો, દેશની ઘડાતી નીતિઓ અને અલગ-અલગ મંત્રાલય વચ્ચે થયેલો પત્રવ્યવહાર સમાવિષ્ટ છે. દોઢસો કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ આગામી બે વર્ષ સુધી ચાલશે અને એ રીતે આ દસ્તાવેજોના ફિજિકલ વર્ઝન સાથે તેનો ડિજિટલ અવતાર પણ આપણને મળશે.

આ જાહેર દસ્તાવેજ છે અને તે દસ્તાવેજને મુખ્ય રીતે ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ વિશે ‘એનઆઈએ’ના ડેપ્યુટી ડિરેક્ટર કલ્પના શુકલા સમજાવતાં કહે છે કે, આ દસ્તાવેજોમાં સૌથી જૂના વિભાગ છે તે ‘રિપોસિટરી-1’ એટલે ‘ભંડાર-1’થી ઓળખાય છે. આ ભંડારમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 1748થી 1859 સુધીના દસ્તાવેજો છે. આ દસ્તાવેજ મહદંશે સુરક્ષા, ગૃહ અને વિદેશ ખાતા સાથે સંબંધિત છે. એ રીતે બીજો વિભાગ છે તેમાં અંદાજે બે કરોડ જેટલાં પાનાંને સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ વિભાગમાં વર્ષ 1860થી લઈને 1947 સુધીના ગૃહ વિભાગના દસ્તાવેજો, ગાંધી હત્યા અંગેના કાગળો, તદ્ઉપરાંત શિક્ષણ અને રેલવે ખાતાં સંબંધિત પણ દસ્તાવેજો સમાવિષ્ટ છે. ત્રીજો વિભાગ આ જ વર્ષના ગાળાને આવરી લે છે, પરંતુ તેમાં સમાવિષ્ટ દસ્તાવેજોમાં વિદેશ મંત્રાલયના રેકોર્ડ, રિફોર્મ ઓફિસ રેકોર્ડ સમાવિષ્ટ છે. એ રીતે ચોથા વિભાગમાં આઝાદ ભારતનો ઇતિહાસ અને સાથ-સાથે કેટલાંક ખાનગી સંગ્રહો પણ છે. ‘એનઆઈએ’માં જે કાર્ય થાય છે તે અતિ સંવેદનશીલ છે, કન્ટેન્ટની રીતે તો ખરું જ, કારણ કે દેશના ઇતિહાસની કેટલાંક અતિ મહત્ત્વના દસ્તાવેજો તેમાં સામેલ છે. પરંતુ તે સાથે સારસંભાળની રીતે પણ. અહીંયા જે પણ દસ્તાવેજ આવે છે તેની સાચવણી વર્ષો સુધી કરવાની હોય છે તેથી તેમાં કશુંય અજુગતું ન થાય તે માટે તેના પર લાંબી પ્રક્રિયા થાય છે. જેમ કે, કોઈ પણ દસ્તાવેજ ‘એનઆઈએ’ના ઇમારતમાં પ્રવેશે તે પહેલાં આ દસ્તાવેજોને લાંબા કાળ સુધી ક્વોરીન્ટાઇન પ્રોસેસમાં મૂકવામાં આવે છે. આ સમયગાળો 72 કલાકથી લઈને વીસ દિવસ સુધીનો છે. આ રીતે એક વાર દસ્તાવેજો પર બહાર પ્રક્રિયા થાય પછી તે દસ્તાવેજોને ઇમારતની અંદર લેવાની મંજૂરી આપવામાં આવે.

જોકે અત્યાર સુધી આ પ્રક્રિયા મેન્યુઅલી રીતે થતી રહી, તેમાં કોઈ કાર્ય યંત્ર દ્વારા થતું નહોતું, પરંતુ હવે તેની ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા આરંભાઈ છે, તેથી રોજબરોજ અહીંયા આવતાં સંશોધકો ડિજિટલાઈઝ પ્રક્રિયા અર્થે રોજ રેકોર્ડ-કીપર્સ પાસેથી નિર્ધારીત દસ્તાવેજોની માંગણી કરે. આ દસ્તાવેજોની નોંધણી કર્યા બાદ પ્રોસેસ કરનારનાં હાથમાં તે આવે છે. આ દસ્તાવેજોને ડિજિટલાઇઝેશન કર્યા બાદ મૂળ દસ્તાવેજોને ફરી રેકોર્ડ-કીપરના હવાલે કરી દેવામાં આવે છે. જોકે, આ પદ્ધતિથી પણ બધું આસાન થઈ જાય તેવું નથી. અઢીસો વર્ષથી જે કાગળો અહીંયા છે તેમાંથી કેટલાંકની આવરદા પૂર્ણ થઈ ચૂકી છે. આ કાગળને અડતાવેંત તે બટકાઈ જાય છે અથવા ફાટી જાય છે. આ કાગળોને ડિજિટલાઇઝ કરવાનો પ્રશ્ન મોટો છે, તેથી તેનો તોડ પણ ‘એનઆઈએ’ના અધિકારીઓએ શોધી કાઢ્યો છે. સૌથી પહેલાં આવાં કાગળોને વ્યવસ્થિત રીતે સાંધવામાં આવે છે, જેથી કોઈ પણ રીતે તે દસ્તાવેજને નુકસાન ન થાય. આ પ્રમાણે જે દસ્તાવેજોને નુકસાન થઈ શકે તેની સંખ્યા ટકાવારી ‘એનઆઈએ’માં પંદર ટકા જેટલી છે. પંદર ટકા એટલે તે કાગળોની સંખ્યા પાંચ કરોડની આસપાસ છે. સ્વાભાવિક છે કે આ કાગળો સારી રીતે દસ્તાવેજ કરવા માટે તેમાં સમય મર્યાદા રાખવામાં આવી નથી. આટલા મોટા સ્કેલ પર જ્યારે કામ લેવાનું થાય ત્યારે તેની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ ઘડવી પડે, અને આ કિસ્સામાં ‘એનઆઈએ’ના અધિકારીઓએ તે સિસ્ટમ અનુસાર ત્રણ વિભાગ પાડ્યા છે. ‘એ’ નામની પ્રથમ નંબરની કેટેગરીમાં જે દસ્તાવેજ સંપૂર્ણ રીતે સારાં છે, તેને નોંધવામાં આવ્યા છે. ‘બી’ કેટેગરીમાં પાનાંનું સ્કેન થઈ શકે; પરંતુ તેનાં પાનાંની કિનારીઓ સારી સ્થિતિમાં નથી, એટલે ડિજિટલાઈઝ્ડ થયા બાદ તેનું રિપેર કરવાની વ્યવસ્થા કરાવમાં આવી છે. ‘સી’ કેટેગરીમાં એવાં કાગળો છે જેને ડિજિટલાઈઝ્ડ કરતા પહેલા તેને તત્કાળ કાળજીથી સાંધવાનું કામ કરવાનું છે.

આવી સંસ્થાઓ પાયાનું કાર્ય કરતી હોય છે પણ જ્યારે તે અંગે નાણાં ખર્ચવાની કે કામ કરનારાં વ્યક્તિઓની પસંદગી કરવાની વાત આવે ત્યારે તેમાં ‘એનઆઈએ’ જેવી સંસ્થાઓને પણ મુશ્કેલી પડે છે. જેમ કે, અત્યારે ‘એનઆઈએ’ની ઓફિસમાં પચાસ યુવાનો બેસે છે, હવે જે પ્રકારનું કાર્ય આવ્યું છે તેમાં 1000 વ્યક્તિની જરૂર છે, પણ તે બેસે ક્યાં તે સૌથી મોટી મુશ્કેલી છે.

બીજું કે આપણે સામાન્ય રીતે દસ્તાવેજિકરણથી ટેવાયેલા નથી. પશ્ચિમી દેશોમાં દસ્તાવેજિકરણ ચુસ્ત રીતે અને નિયમથી થાય છે. અને એટલે જ આ દસ્તાવેજોને સ્કેન કરવા માટેનું મશીન ફ્રાન્સથી મંગાવવામાં આવ્યું છે. આ પૂરી પ્રક્રિયામાં સ્કેનિંગ કરનારે પણ તકેદારી રાખવાની હોય છે. તેણે ગ્લોવ્ઝ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. અહીં જેટલી સંખ્યામાં સ્કેનર્સ લેવામાં આવ્યા છે તે હાઇ-રિઝ્યુલેશન ઇમેજના સાડા ત્રણ લાખ પાનાં દિવસના સ્કેન કરી શકે છે. બીજું કે બધું જ કામ દિલ્હી સ્થિતિ ‘એનઆઈએ’ના કાર્યાલયમાં નથી થતું, બલકે તેમાંથી ઘણું કામ ભોપાલ, ભુવનેશ્વર, પોન્ડેચરી અને જયપુરના સ્થાનિક કેન્દ્રો પર પણ થાય છે. સ્થાનિક કેન્દ્રો દિવસના બાર કલાક સુધી આ કામ કરે છે અને તેમની દસ્તાવેજો સ્કેન કરવાની ક્ષમતા છ લાખ સુધીની છે. દિલ્હીના એક માત્ર કેન્દ્રમાં ચોવીસ કલાક કામ થઈ રહ્યું છે. અતિ ઝડપથી થઈ રહેલા આ કાર્યની અત્યારે ડેડલાઈન બે વર્ષની નિર્ધારીત કરવામાં આવી છે; અને જે રીતે કામ થઈ રહ્યું છે તે રીતે ‘એનઆઈએ’ના અધિકારીઓને એ બાબતે વિશ્વાસ છે કે બે વર્ષમાં કામ પૂર્ણ થશે. ડિજિટલાઇઝેશન કામ ઉપરાંત મૂળ દસ્તાવેજોને ફરીથી જોઈ ચકાસીને મૂકવાનું કાર્ય પણ સાથે થઈ રહ્યું છે. મૂળ દસ્તાવેજોને આગામી બસો વર્ષ સુધી સાચવવા માટે જર્મનીથી કાગળ મંગાવવામાં આવ્યા છે. બંને બાજુ પ્રિન્ટ થયેલા કાગળોને લેમિનેટ કરવા માટે આ કાગળનો ઉપયોગ થાય છે. ડિજિટલાઇઝેશન થયા બાદ આ તમામ દસ્તાવેજોને ઇન્ટરનેટ પર અપલોડ, ક્લાઉડ સ્ટોરેજ કરવાની અને ઇન્ડેક્સિંગની પ્રક્રિયા પણ કરવાની થાય છે. જોકે આ આ કામ ‘એનઆઈએ’ પોતાના હસ્તક નથી રાખ્યું, તે એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે. એ રીતે છેલ્લા ત્રણ મહિનાનું કામ અત્યારે તો ‘એનઆઈએ’ના વેબસાઇટ પર અપલોડ થઈ ચૂક્યું છે.
‘એનઆઈએ’ની ટીમ ધીરજથી આ કાર્ય કરી રહી છે અને તેમના હાથમાંથી એકેએક પાનું પૂરી ચકાસણીથી નીકળે છે. કેટલાંક પાનાં પરના લખાણમાં કાળા ડાઘ પડ્યા હોય તો તે એસિડિફીકેશનથી દૂર કરવામાં આવે છે, પરંતુ જો લખાણ જ કાગળ પર ન રહ્યું હોય તો આ પૂરી પ્રક્રિયાનો મતલબ રહેતો નથી. ઘણાં કેસમાં એવું જોવા મળ્યું છે કે અઢારમી સદીના કાગળ પણ ખૂબ સારી સ્થિતિમાં છે, જ્યારે હાલના કેટલાંક દસ્તાવેજોના કાગળ ઝડપથી ખરાબ થઈ રહ્યા છે. એટલે ઘણું બધુ કાગળની ગુણવત્તા પર પણ નિર્ભર કરે છે. આ જંગી પ્રક્રિયા હાથમાં લેવાઈ છે તેથી ભવિષ્યમાં સંશોધકોને તેનો ખૂબ લાભ મળશે અને તેનાથી શક્ય એટલો તટસ્થ ઇતિહાસ આપણે જોઈ શકીશું.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796