કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “અમારે એક ધરપકડ કરવાની હતી. રમઝાનનો સમય હતો. એક ઘરને અમે ઘેરવા ગયા અને ઓપરેશન કરનારી ટીમ ત્યાં પહોંચી. ત્યાં એક ગલીમાં એક વ્યક્તિ દેખાયો. તેના હાથમાં કશુંક હતું. અરબિકમાં સૈનિકોએ તે વ્યક્તિને ઊભા રહેવા જણાવ્યુ. પણ તે ભાગ્યો. સૈનિકો તેની પાછળ દોડ્યા. આગળ જતાં કોઈ અજાણી ગલીમાં તે વ્યક્તિ અદૃશ્ય થઈ ગયો અને ઓપરેશન ટીમ પણ ભટકી. એક અન્ય ટીમે તે વ્યક્તિને જોયો અને તેમણે તેના પર ગોળીઓ ચલાવી. આખરે તે ઢળી પડ્યો. હું એક બીજી ટીમમાં હતો. આ બધું થયું તે કોઈ જાણકારી ન આપવામાં આવી તે કારણે. જ્યાં મૃતદેહ હતો ત્યાંથી હું થોડા મીટર દૂર હતો. સૈનિકોએ તેના પર ખોટી રીતે ગોળી ચલાવી દીધી હતી. સૈનિકોએ તેના હાથમાં કશુંક હોવાના ડરથી આમ કર્યું હતું. તે પછી વેરીફીકેશનની પ્રક્રિયા થઈ. તેના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો અને પછી તેના માથામાં ગોળી મારવામાં આવી હતી. પછી ખ્યાલ આવ્યો કે તેના હાથમાં બીજું કંઈ નહીં પણ એક નાનકડું ડ્રમ હતું. આ ઘટનાથી પછી અમે શું શીખ્યા? રમઝાનના પ્રથા માટેનું તે વાદ્ય હતું. સવારે ચાર વાગ્યાના સુમારે ઉપવાસ અગાઉના નાસ્તા માટે આ ડ્રમ વગાડીને લોકોને જગાડવાની પ્રથા હતી. અમારામાંથી કોઈ આ વાત જાણતું નહોતું. અમને ઉપરી અધિકારીઓ પણ આવી કોઈ માહિતી આપી નહોતી. તે પછી પણ કોઈએ આ વિશે કશુંય વિગતે ન કહ્યું. અને માત્ર અજ્ઞાનતાના કારણે એક વ્યક્તિની જાન ગુમાવી.”
આ જુબાની ઇઝરાયલના ફર્સ્ટ રેન્કના એક પૂર્વ સૈનિકે આપી છે. 2002માં પેલેસ્ટાઈનના (Palestine) નબ્લુસ શહેરમાં આ ઘટના બની હતી. અત્યાર સુધી ઇઝરાયલના (Israel) બે હજારથી વધુ પૂર્વ સૈનિકોએ આવી જુબાની આપી છે. આ જુબાનીમાં તેમણે બયાન કર્યું છે કે કેવી રીતે ઇઝરાયલના સૈન્ય દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે. પેલેસ્ટાઈનવાસીઓને કેવી રીતે મારવામાં આવે છે, કેવી રીતે તેમની ખોટી ધરપકડ થાય છે અને અને તેમની હત્યા સુધ્ધા કરવામાં આવે છે. ઇઝરાયલના સૈનિકોની આ જુબાની ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ નામના એક વેબસાઇટ પર વાંચવા મળે છે. વેબસાઇટના નામથી જ કાર્યરત આ સંસ્થાની સ્થાપના ઇઝરાયલના પૂર્વ સૈનિકોએ કરી છે. અને આ વેબસાઇટ પર વિશેષ કરીને પેલેસ્ટાઇનના સ્થળો પરના ઇઝરાયલ સૈન્ય દ્વારા થતાં કબજો મેળવવાનો પૂર્વ સૈનિકોનો અનુભવ બયાન થાય છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે પેલેસ્ટાઇનમાં જે કંઈ થયું છે તેનાથી ઇઝરાયલના લોકોને માહિતગાર કરવાનો છે.
ઇઝરાયલ સુરક્ષા બાબતે ચોક્કસ છે અને કોઈ પણ આવી માહિતી જાહેરમાં ન આવે તેનો ખ્યાલ ઇઝરાયલનું સંરક્ષણ ખાતું રાખે છે. ઇઝરાયલ સરકાર ઇચ્છતી ન હોય તેવી કોઈ માહિતી પ્રકાશમાં આવે તો તેનું પરિણામ મોત પણ હોઈ શકે, પછી ભલે ને તે ઇઝરાયલના પૂર્વ સૈનિક કેમ ન હોય. તે જ કારણે ઇઝારાયલ સરકાર આ સંસ્થાથી નારાજ છે અને અવારનવાર ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ના કામોને ઇઝરાયલ સરકાર વખોડતી આવી છે. ખુદ હાલના ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ આ સંસ્થાના કાર્યની ટીકા કરતા આવ્યા છે. જોકે હજુ સુધી ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ પોતાનું કાર્ય કરી શકે છે. આ વખતે નોબલ પુરસ્કારના નામાંકનમાં પણ આ સંસ્થાનું નામ હતું.
પૂર્વ સૈન્ય પોતાના ઓપરેશન અંગે જુબાની આપે અને તે જુબાની પોતાના દેશના નીતિના વિરોધી હોય તે અસામાન્ય ઘટના છે. અને જ્યારે આવી ઘટના ઇઝરાયલ જેવા દેશમાં બને ત્યારે તો જુબાની મરણિયા બનીને જ આપવી પડે. પણ હાલમાં તો આ ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ સાથે પૂર્વ સૈનિકોની ખાસ્સી એવી સંખ્યા છે, પણ તેની શરૂઆત માત્ર પચાસ સૈનિકોથી થઈ હતી, જેઓ 2000ના સાલમાં હિબ્રૂ શહેરમાં ફરજ બજાવી રહ્યા હતા. હિબ્રૂ શહેર અબ્રાહમિક ધર્મો માટે સૌથી મહત્ત્વનું શહેર છે. મતલબ કે આ શહેર યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ત્રણેય ધર્મો માટે પવિત્ર છે. આ શહેરમાં દોઢ લાખ જેટલાં પેલેસ્ટીનીઓ વસે છે, જેઓ મુસ્લિમ ધર્મી છે. આ શહેરમાં કેન્દ્રમાં આવેલી પવિત્ર જગ્યા છે ત્યાં પાંચસો જેટલાં સ્થળાંતરીત યહૂદીઓ પણ વસ્યા છે. આ પાંચસો યહૂદીઓના સુરક્ષા અર્થે અહીંયા ઇઝરાયલનું સૈન્ય સતત ખડેપગે સુરક્ષામાં હોય છે. અને તે કારણે અહીં અવારનવાર ઇઝરાયલના સૈનિકો અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચે સંઘર્ષ થતા રહે છે. 2004માં આવાં એક સંઘર્ષ દરમિયાન ઇઝરાયલના એક સૈનિકે તે સંઘર્ષની કેટલીક તસવીર લીધી અને વિડિયોગ્રાફી કરી. અન્ય સૈનિકો પણ તેમાં જોડાયા. મૂળે તેમાં સૈનિક અને પેલેસ્ટાઇનવાસીઓનો રોજબરોજનો સંઘર્ષ તેમાં દાખવવાનો હતો, પરંતુ તે વિડિયો અને તસવીરોમાં એ પણ દૃશ્યમાન થતું હતું કે કેવી રીતે ઇઝરાયલના સૈનિકો જોરજબરજસ્તી કરે છે. આખરે તેમાંથી એક પહેલ થઈ અને ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ની સ્થાપના થઈ.
આ માહિતી જ્યારે જાહેરમાં આવી ત્યારે ઇઝરાયલ સૈન્ય અને સરકારને જવાબ આપવાનો થયો. પરંતુ જવાબ આપવાના બદલે ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ના કાર્યની ઝાટકણી કાઢવામાં આવી. બીજું કે ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ પર જે સૈનિકો જુબાની આપે છે તેઓ તેમની ઓળખ છતિ કરતા નથી અને તે કારણે પણ આ સંસ્થાનો વિરોધ સરકાર વ્યાપક પ્રમાણમાં કરી રહી છે. જોકે સંસ્થા તરફથી એવી ખાતરી મળી છે કે જો સરકાર જુબાની આપનારાઓની માહિતી જાહેરમાં ન લાવે તો અમે તપાસ એજન્સીઓને તેમના નામ આપીશું. હવે ‘બ્રેકિંગ ધ સાયલન્સ’નું કાર્ય માત્ર પૂર્વ સૈનિકોની જુબાની લેવા સુધી સિમિત નથી રહ્યું. બલકે બંને દેશોના લોકો વાસ્તવિકતાથી રૂબરૂ થાય તે માટે તેઓએ હિબ્રૂ શહેરમાં પ્રવાસનું પણ આયોજન કરે છે, જેથી જોઈ શકાય કે ઇઝરાયલના સૈન્યએ કેટલો ભાગ કબજે કર્યો છે.
ઇઝરાયલના પૂર્વ સૈનિકોના જુબાનીની એક પુસ્તિકા ‘સોલ્ડર્જ્સ ટેસ્ટિમોનિઝ ફ્રોમ ઓપરેશન કાસ્ટ લિડ – ગાઝા 2009’ પ્રકાશિત થઈ છે. તેમાં ત્રીસ જેટલાં ઇઝરાયલના કાયમી અને હંગામી સૈનિકોની જુબાની દર્જ છે. જેમાં ગીચ વસ્તીમાં ફોસ્ફરસ ગેસ છોડવાથી લઈને, નિર્દોષ લોકોની હત્યાની વાત સમાવિષ્ટ છે. સૈનિકોએ તેમાં એ વાત પણ કહી છે કે ઘણી વખત પેલેસ્ટાઇનવાસીઓનો ‘માનવ સુરક્ષા કવચ’ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સંલગ્ન ‘બીબીસી’ દ્વારા પ્રકાશિત અહેવાલમાં એ કહેવામાં આવ્યું છે કે જો ઇઝરાયલ સૈન્ય દ્વારા આવું થતું હોય તો તે આંતરરાષ્ટ્રિય કાયદાનો ભંગ છે અને ‘માનવ સુરક્ષા કવચ’ની વાત તો ઇઝરાયલની સુપ્રિમ કોર્ટ દ્વારા પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
ઇઝરાયલના સૈનિકો કંઈ હદ સુધી હિંસા આચરે છે તે આ જુબાનીમાં વાંચવા મળે છે. 2014માં ગાઝા પટ્ટી પર તૈનાત ફર્સ્ટ રેન્ક ઓફિસર નોંધે છે કે તે અરસામાં ગાઝા પટ્ટી પર સિઝફાયરની જાહેરાત થવાની હતી. આ વાત જેવી અમારા સૈન્ય છાવણી સુધી પહોંચી એટલે અમને કહેવામાં આવ્યું કે સિઝફાયર અગાઉ ગાઝા પટ્ટીનું એક ઘર આપણે તોડી પાડીએ. અમે બધી તૈયારી કરી અને કહ્યું કે ‘કયું ઘર તોડી પાડવાનું છે?’ આશ્ચર્ય વચ્ચે તેમણે કહ્યું કે, ‘સિઝફાયર પહેલાં આપણે એક ધડાકો કરવા માંગીએ છીએ.’ આ પ્રકારના શબ્દો એક અધિકારીએ કહ્યા હતા. તેમની પાસે કોઈ નિર્ધારીત કરેલું ઘર તોડી પાડવાની વાત નહોતી, બલકે તેઓ કોઈ પણ એક ઘરને બોમ્બથી ઉડાડવા માંગતા હતા. આવી અનેક વાતો ઇઝરાયલના પૂર્વ સૈનિકો હવે વિડિયો દ્વારા પણ કહી રહ્યા છે. મૂળે ‘બ્રેકિંગ ધ સાયલન્સ’થી ઇઝારયલમાં હોબાળો મચ્યો છે, પણ આ પહેલમાં કેન્દ્રસ્થાને સૈનિકો છે અને તેથી ઇઝરાયલ સરકાર પણ તેની ટીકા કરવાથી આગળ નથી વધી. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનવાસીઓનો સંઘર્ષમાં બંને તરફે અનેક લોકો ખુંવાર થયા છે; છતાં જ્યારે આ પ્રકારની પહેલ થાય છે ત્યારે શાંતિ સ્થપાશે તેવી આશા હંમેશા રહે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796