નવજીવન ન્યૂઝ.પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલૂકાના શક્તિપીઠ પાવાગઢ મંદિર પાસેના માંચી ખાતે આવેલી એક જુની ધર્મશાળાને તોડીને ખુલ્લો ચોક બનાવાની કામગીરી ચાલી રહી હતી. તેવામાં ખોદકામ વખતે પૂરાતનકાળના ગોળા અને લોખંડના નાળચા મળી આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા મહાકાલી મંદિર અને તેની આસપાસના વિસ્તારનૂ નવીનીકરણ કરીને કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામા આવી રહ્યો છે. જેમાં માંચી સહિતના વિસ્તારનો પણ સમાવેશ થાય છે. માંચી ખાતે એક જૂની ધર્મશાળા આવેલી છે. તેને તોડવાની કામગીરી કરવામા આવી રહી હતી. તે સમયે ખોદકામ દરમિયાન પૂરાતનકાળમાં યુધ્ધ સમયે ઉપયોગમાં લેવાતા તોપગોળા મળી આવ્યા હતા. તોપગોળા મળી આવતા તાત્કાલિક પુરાતત્વ વિભાગના અધિકારીઓ માંચી ખાતે દોડી આવ્યા હતા. હાલ કામગીરી બંધ કરવામા આવી હતી. તોપના ગોળા નિહાળવા આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. વધુમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ તોપગોળા નીકળ્યા તે સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે આ પહેલા પણ પૌરાણિક અવશેષો ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા.








