હરેશ ભટ્ટ (નવજીવન. સુરત): સામાન્ય સંજોગોમાં કોઇ પણ ગુનાનો આરોપી પકડવા માટે પોલીસને આકાશ-પાતાળ એક કરવા પડે છે. તેમાં પણ આધુનિક ટેક્નોલોજીમાં ગુનેગારો ઘણીવાર પોલીસ કરતા એક ડગલું આગળ રહીને ઉપયોગ કરતા હોવાથી પોલીસને નાકે દમ આવી જાય છે. આવી સ્થિતિમાં પોલીસ ગુનેગાર સુધી પહોંચવા કેટલું મથે છે એની જાણકારી આપવાનો અહીં પ્રયાસ કરાયો છે. સુરતના સચિન પોલીસ મથકની વાત કરીએ તો ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા યુવાનને ટી-શર્ટની ડિઝાઈનના આધારે પોલીસે પકડી પાડ્યો હતો.
વાત કાંઇક એમ છે કે ગઈ તા. 12-10-2021ના રોજ સવારે સાડા નવ વાગ્યે ચાર વર્ષની બાળકી પ્લોટ નંબર-2, મિશ્રાની ચાલ, ગભેણીરોડ, સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ગુમ થાય છે. એ સાથે જ મદદનીશ પોલીસ કમિશનર જે.કે. પંડ્યાએ ક્ષણભરના વિલંબ વગર જ સચિન જીઆઇડીસી, સચિન અને પાંડેસરા પોલીસ મથકના મળી 100થી વધુ પોલીસ કર્મચારીને આ બાળકીને શોધવાના કામે લગાવી દીધા. સાંજે ચાર વાગ્યે આ બાળકી સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી નજીક બાવળની જાળી જેવા અવાવરું જગ્યાએથી બાળકી મળી આવી. જેની સાથે દુષ્કર્મ થયાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થયું.
હવે પોલીસનું કામ અઘરું થઈ ગયું. એ સાથે જ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવાનો પ્રારંભ કર્યો. બળાત્કારી યુવાન હનુમાન ઉર્ફે અજય મંગી નિશાદે (કેવટ), ઉ.વ. 39, રહેઃ ગુરુકૃપા સોસાયટી, (સચિન) બાળકીને સમોસા ખવડાવ્યા, સંતરાંનો જ્યુસ પીવડાવ્યો, જીરા સોડા પીવડાવી અને બદામ શેક પીવડાવ્યો હતો. આ આરોપીએ જ્યાંથી બદામ શેક ખરીદ્યો તે લાગીની નજીક એક દુકાનના સીસીટીવી કેમેરામાં આરોપી બાળકી સાથે સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. જેના એક હાથમાં ટિફિન અને બીજા હાથમાં બાળકી હતી. જે ફોટોઝ પોલીસે પોતાના ગ્રુપમાં તેમજ પોલીસને મદદ કરનારા પોલીસ મિત્રોના ગ્રુપમાં મોકલ્યા.
બન્યું એવું કે આરોપી હનુમાને પોતાનું ટિફિન ગિરવે મૂકી એક વ્યક્તિ પાસેથી રૂ. 50 લીધા હતા. તે વ્યક્તિને રૂ. 50 ચૂકવી તે ટિફિન લઈ ગયો. એ વખતે તેણે જે ટી-શર્ટ પહેર્યું હતું તે જ ટી-શર્ટ આ ફોટામાં જોવા મળ્યું. ફોટો ફરતો ફરતો એ વ્યક્તિના મોબાઇલમાં પહોંચ્યો જે વ્યક્તિએ ટિફિન આપ્યું હતું. એ સાથે જ તે ઓળખી ગયા કે આ ગુનો અન્ય કોઇએ નહીં પણ હનુમાને જ કર્યો છે. એ સાથે જ વાત પોલીસ સુધી પહોંચી અને પોલીસે હનુમાનને તેના ઘરેથી જ દબોચી લીધો. જે દિવસે ગુનો બન્યો હતો એ રાત્રે જ હનુમાન પોલીસના હાથમાં આવી ગયો.
પોલીસને આટલી સફળતા મળ્યા બાદ દાખલારૂપ કેસ બનાવવા પોલીસે કાર્યવાહી અતિ ઝડપી બનાવી. સ્પેશિયલ ટીમ બનાવી પુરાવા એકત્ર કરવા માંડ્યા, એફએસએલમાંથી તાત્કાલિક અસરથી રિપોર્ટ આવી જાય તે માટે સંકલન કર્યું. પરિણા આઠ- નવ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દીધું. એટલે કે તા. 21મીએ ચાર્જશીટ દાખલ થઈ ચૂક્યું હતું. કોર્ટે પણ ઝડપી પ્રક્રિયા કરી 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી. તા. 11-11-2021ના રોજ ચુકાદો જાહેર કર્યો. જેમાં હનુમાનને જીવના અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવવામાં આવી.
સચિન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા, તેમના રાઇટર પૂંજાભાઈ અને તેમની ટીમની સતત સાત દિવસની મહેનતના અંતે પોલીસ પુરતા પુરાવા સમયસર રજૂ કરી શકી પરિણામે આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા થઈ હતી. પોલીસની સારી કામગીરીની નોંધ જજમેન્ટમાં પણ કરવામાં આવી હતી.
ટીમવર્કથી જ સફળતા પ્રાપ્ત થાય છે
‘કોઈ પણ ગુનાનો ભેદ ઉકેલવાનું કામ ટીમવર્કના કારણે જ શક્ય બને છે. આ ઘટનામાં પણ પૂરી ટીમ કામે લાગી હતી. અલગ અલગ ટીમે પોતાની કામગીરી ત્વરિત ગતિએ પૂર્ણ કરી તેનું આ પરિણામ રહ્યું છે. ટીમ વર્કના કારણે સફળતા પ્રાપ્ત થઈ છે.’
– જે.કે. પંડ્યા, મદદનીશ પોલીસ કમિશનર, એફ ડિવિઝન
![]() |
![]() |
![]() |











