નવજીવન.સુરતઃ સુરતમાં કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અવાર નવાર વિવાદો વચ્ચે ઘેરાતી આવી છે. સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ, સ્ટાફ, સ્ટાફનો પગાર અને બજેટ તો અધધધ હોય છે પરંતુ ખોટ જોવા મળતી હોય છે તો માત્ર લોકોને મળતી હોસ્પિટાલિટીની. સ્મીમેર હોસ્પિટલમાં આવું જ કાંઈક બન્યુ જેની મોટી કિંમત ગરીબ પરિવારને ચુકવવાની થઈ છે. માતાએ પુત્રની સારવાર માટે ઘરેણાં ગિરવે મુકવા પડ્યા માત્ર એ કારણે કે તેને રાહત આપવાની જોગવાઈ હોવા છત્તાં યોગ્ય માર્ગદર્શન ન આપવામાં આવ્યું. કેન્સરગ્રસ્ત પુત્રનો એમઆરઆઈ રિપોર્ટના પૈસા નહોતા તે માતા અને પત્ની સાથે સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન કરાયું અને તેમને ત્યાંથી રવાના કર્યા જેને કારણે આખરે માતાએ સોનાની બુટ્ટી ગિરવે મુકી અને વ્યાજે નાણાં લાવી પુત્રની સારવાર કરાવી. તંત્ર હજુ પણ માનવીય અભિગમ અને સંવેદનશીલતાથી ભરેલું હોય તો આ પરિવારની મદદ હજુ પણ થઈ શકે તેમ છે.
ઘટનાની વિગતો એવી મળી રહી છે કે સ્મીમેર હોસ્પિટલમાં માંછીવાડના 36 વર્ષીય બાલ ક્રિષ્ના શાંતિલાલ રાંદેરીને સારવાર કરાવવાની થઈ. તેમને ખેંચ અને તમાકુના વ્યસનને કારણે મોંઢામાંથી લોહી નીકળતું હોવાની તકલીફ હતી. તેમના પત્ની અને માતા અન્ય ઘરોના ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને તુરંત સારવાર માટે તેમની માતા હંસાબેન સ્મીમેરમાં આવ્યા જ્યાં હાજર તબીબોએ જીભમાં દવા લગાવીને ઘરે જવા કહ્યું. જોકે જાણે હાજર તબીબી સ્ટાફ કરતાં વધુ જાણતા હોય તેમ હંસાબહેને કહ્યું વાત વધુ ગંભીર છે તમે દાખલ કરીદો. પરિવારના જણાવ્યાનુસાર નર્સે તુરંત આકરા શબ્દોમાં કહ્યું કે આ કોઈ ધરમશાળા નથી, દાખલ થવું હો તો એમઆરઆઈ રિપોર્ટ કરાવવો પડશે. તેમણે કહ્યું કે પણ મારી પાસે પૈસા નથી તો જવાબ મળ્યો કે તો પછી સોમવારે આવજો.
તેઓ સોમવારે પહોંચી શક્યા નહીં કારણ 3000 રૂપિયાની સગવડ કરવાની હતી. કરણકે દિકરાને બચાવવો હતો. સોમવારે માતાએ કાનની બુટ્ટી ગિરવે મુકી અને વ્યાજે 4000 રૂપિયા લીધા. જે પછી મંગળવારે તેઓએ 2150 રૂપિયા ખર્ચ કરીને એમઆરઆઈ કરાવ્યો ત્યારે ખબર પડી કે બાલક્રિષ્નાને ગળાનું કેન્સર છે. આ રિપોર્ટ આ પરિવારના કાળજે ફાડ પાડનારો હતો. જોકે હજુ તો દવા પણ લેવાની હતી બંનેનો ખર્ચ 4500 થવા જતો હતો પણ હાલ માતા પાસે જો 4000 જ હતા જેથી તેઓએ દવા લેવાનું ટાળવું પડ્યું. જોકે અહીં વાત એ છે કે ગરીબ દર્દીને બિલ અન રિપોર્ટમાં રાહત આપવાની જોગવાઈ છે છત્તાં આળસુ તંત્રના કારણે ગરીબની હાલત કેવી થઈ તે આપ જોઈ શકો છો.
અહીં આપણે જોગવાઈની વાત કરી ળઈએ કે, આ પ્રકારની રાહત માટે કોર્પોરેટર અને મેયરની ચીઠ્ઠી લખાવવાની હોય છે જે ચિઠ્ઠી પર આરએમઓ સહી કરે તે પછી તે ચિઠ્ઠીને પગલે બિલ અને રિપોર્ટની ફીમાં પરિવારને મોટી રાહત મળે તેમ છે. કારણ ઘણી વખત સંપુર્ણ આર્થિક ફી માફી પણ મળતી હોય છે. તે જેતે સમયે કેસને આધારિત અને આખરી નિર્ણય તંત્રને આધારિત હોય છે.
![]() |
![]() |
![]() |











