Thursday, September 10, 2026
HomeGujaratહવે સોગઠાં ગોઠવાઈ રહ્યા હતાઃ રાજસ્થાન પોલીસને અમદાવાદ આવી જવાનો કોલ મળ્યો...

હવે સોગઠાં ગોઠવાઈ રહ્યા હતાઃ રાજસ્થાન પોલીસને અમદાવાદ આવી જવાનો કોલ મળ્યો | શતરંજ- 24

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-24, નવજીવન ન્યૂઝ): રામને જમાડી દેવાની સૂચના આપી ઇન્દ્રસિંહ જાડેજાએ પોતાનો લૅન્ડ-લાઇન ફોન ઉપાડી રાજસ્થાન પોલીસના ટાસ્ક ફૉર્સના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ રાયસિંગ રાઠોરને ફોન જોડ્યો : “કૈસે હો રાઠોરજી? મૈં ઇન્દ્રસિંહ જાડેજા, ગુજરાત એટીએસસે બોલ રહા હૂં.” ઇન્દ્રસિંહનું નામ સાંભળતાં રાઠોર પાણી પાણી થઈ ગયા. રાજસ્થાનમાં પોલીસમાં ક્યારેક ગુજરાત પોલીસની વાત નીકળે ત્યારે જેમની બહાદુરીની ચર્ચા થતી તેમાં ઇન્દ્રસિંહ જાડેજાના નામની ચર્ચા અચૂક થતી. તરત રાઠોરે રાજસ્થાની લહેકામાં કહ્યું, “હુકમ સરકાર. આજ હમારા સૌભાગ્ય હૈ.. આપને હમેં યાદ કિયા? ક્યા હુકુમ હૈ સરકાર?” ઇન્દ્રસિંહે સીધી વાત ઉપર આવવાને બદલે બીજી વાતથી શરૂઆત કરતાં કહ્યું, “ક્યા હાલચાલ હૈ? બહુત દિનોં સે ગુજરાત નહીં આયે. હમસે ક્યા નારાજ હૈ?” “નહીં સરકાર; આપસે નારાજ હોને કી ગુસ્તાખી કૈસે કર સકતે હૈં?” થોડી વાર પછી ઇન્દ્રસિંહે તેમને પૂછ્યું : “નિઝામ ઔર રામ કહાં હૈ? કોઈ પતા?” તે બંનેનાં નામ સાંભળતાં રાઠોરના મોઢામાંથી મોટી ગાળ નીકળી, પછી તરત તેને વાળી લેતાં કહ્યું, “માફ કરના સર. આપ હમારે સિનિયર હૈ. ગલતી સે ગાલી નિકલ ગઈ. લેકિન સાલોં ને નાક મેં દમ કર રખ્ખા હૈ. સાલે દિન દહાડે કિસી કો ભી લૂંટ લેતે, કિડનેપિંગ કર કે રૅન્સમ માંગતે હૈં, ઉનકે મન મેં પોલીસ કા ખૌફ તો રહા હી નહીં. ઔર મારબલ લૉબીવાલે, આપકો તો માલૂમ હૈ, કિતની પાવરફુલ લૉબી હૈ, સીધા મુખ્યમંત્રીજી સે બાત કરતી હૈ, ઇસ કારણ હમારે ઉપર ભી પ્રેસર હૈ, મુઝે મિલતે તો પૂરી રિવૉલ્વર ઉનકી છાતી મેં ઠોંસ દૂંગા.” બસ ઇન્દ્રસિંહ આ જ ક્ષણનો ઇન્તઝાર કરતા હોય તેમ કહ્યું, “અગર મૈં કહૂં કિ દોનોં મેરે પાસ હૈ તો?” વાક્ય સાંભળતાં સામેથી જવાબ આવ્યો, “ક્યા?” ક્ષણની શાંતિ પછી રાઠોરે પૂછ્યું, “સર, મજાક તો નહીં કર રહે?” ઇન્દ્રસિંહ હસવા લાગ્યા… જાણે કોઈ પોતાના મોઢામાં પકડી રાખેલો શિકાર તે ખેંચી લાવ્યા હોય તેમ.

ઇન્દ્રસિંહે પોતાની બહાદુરી બતાવતાં કહ્યું : “રાઠોર, મહેનત તો સભી કરતે હૈં, લેકિન મહેનત ઔર દિમાગ દોનોં કા ઇસ્તેમાલ હોના ચાહિયે. તબ કામ બનતા હૈ.” રાઠોરને હવે ઉતાવળ હતી તેણે કહ્યું : “સર, હમ આ જાએ કસ્ટડી લેને?” ઇન્દ્રસિંહે તેને શાંત પાડતાં કહ્યું : “ઉતાવલે મત હોઇયે, પૂરા પ્લાનિંગ કરના પડેગા. હમ ભી આપકે દોસ્ત હૈ તો જૉઇન્ટ ઑપરેશન દિખા દેંગે. દોનોં કો ક્રેડિટ મિલેંગી. લેકિન થોડા ઇન્તઝાર કરો. આજ શામ તક… ક્યોંકિ કુછ કામ સ્ટેટ કે નૉલેજ ઔર પરમિશન સે હોને ચાહિયે. મૈંને હમારે ગૃહ રાજ્ય મંત્રીસે બાત કર લી હૈ, વો ભી આપકે ઓમઓએસ હૉમ સે બાત કર લેંગે. આપ કો સરકાર કી તરફ સે હી સૂચના આયેગી.” રાયસિંગ રાઠોરને ઇન્દ્રસિંહની ઘણી બધી વાતો સમજાઈ રહી ન હતી. ગુનેગારને પકડવો, મારી નાખવો હોય તો મંત્રીને શું કામ પૂછવું જોઈએ અથવા કહેવું જોઈએ… તે સમજાતું ન હતું, પણ રાયસિંગને એટલી ખબર હતી કે ઇન્દ્રસિંહે ઘણાં માટલાંનાં પાણી પીધાં છે… તે જે કંઈ કરી રહ્યા છે તેની કોઈ ગણતરી હશે.

- Advertisement -

રાયસિંગ રાઠોર ડાઇરેક્ટ આઇપીએસ હતા. કોઈનો પણ એક પૈસો લેવો એટલે તેમના માટે હરામ બરાબર હતો. રાજસ્થાનના સંપન્ન પરિવારમાંથી આવતા હતા. યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી તેમને આઇએએસ કૅડર મળતી હતી, છતાં ખાખીના શોખને કારણે તેમણે આઇપીએસ થવાનું પસંદ કર્યું હતું. તેઓ માનતા કે તેમણે જે ખાખી કપડાં પહેર્યાં છે તે લોકોની રક્ષા માટેનાં છે અને પોલીસની નોકરી ચોવીસ કલાકની હોય છે, પછી તેણે યુનિફૉર્મ ના પહેર્યો હોય તો પણ તે ડ્યૂટી ઉપર જ કહેવાય. શરૂઆતના દિવસોમાં એવું બનતું કે તે સાદાં કપડાંમાં ઉદયપુર નીકળ્યા હોય ત્યારે રસ્તા ઉપર કોઈ ગુંડાગીરી કરતા હોય તો તે રસ્તા ઉપર તેની ધોલાઈ કરી નાખતા હતા, એટલે થોડા દિવસોમાં તેમને લોકો ‘રાવડી રાઠોડ’ તરીકે ઓળખવા લાગ્યા હતા. જ્યારથી તેમને નિઝામ અને રામના સમાચાર મળ્યા ત્યારથી તેઓ એક્સાઇટ હતા. તે નિઝામને પકડવા માટે છેલ્લા છ મહિનાથી મહેનત કરી રહ્યા હતા, પણ જાણે તે પાતાળમાં જતો રહ્યો હોય તેમ તેનો કોઈ પત્તો જ ન હતો.

બપોરે ઇન્દ્રસિંહ જાડેજા સચિવાલય પહોંચ્યા. મંત્રી અમર ઠાકોર ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચામાં વ્યસ્ત હતા. તેમણે ઇન્દ્રસિંહને જોતાં ઍન્ટિ ચેમ્બરમાં બેસવાનો ઇશારો કર્યો. ગૃહ વિભાગના અધિકારીઓ ઇન્દ્રસિંહને જોઈ રહ્યા હતા, કારણ કે મંત્રી ઍન્ટિ ચેમ્બરમાં પોતાના ખાસ નજીકના જ અધિકારીઓને બેસવાની સૂચના આપતા હતા. જેના કારણે ગૃહ વિભાગના અધિકારીઓની નજરમાં તેમનું માન વધી ગયું હતું. લગભગ અડધો કલાક પછી મંત્રી ઠાકોર ઍન્ટિ ચેમ્બરમાં આવ્યા. ઇન્દ્રસિંહે તેમને ઊભા થઈ માન આપ્યું. મંત્રીએ ‘બોલો’ કહી વાતની શરૂઆત કરી. ઇન્દ્રસિંહે નિઝામ અને રામ પોતાની પાસે હોવાની તેમજ આખું ઑપરેશન કેવી રીતે થયું તેની જાણકારી આપી. મંત્રીના ચહેરા ઉપર ખુશાલી દેખાતી હતી. ઇન્દ્રસિંહે આખા ઑપરેશનમાં રામના રોલની જાણકારી આપી. તેને રાજસ્થાન જવા દેવો જોઈએ તેવી તેની ઇચ્છા પણ વ્યક્ત કરી. જોકે મંત્રીને રામ નામમાં બહુ રસ ન હતો, કારણ તે હિંદુ હતો. તેમને નિઝામના નામમાં રસ પડ્યો હતો. કારણ કે ઍન્કાઉન્ટરની સ્ટોરી માટે નિઝામ નામ ફિટ બેસતું હતું તેમજ રાજસ્થાનના નેતાઓને પણ તે ખુશ કરી શકતા હતા.

વાતનો અંત લાવતા ઇન્દ્રસિંહે કહ્યું : “સાહેબ, તમારે એક વખત રાજસ્થાન હોમ મિનિસ્ટર સાથે વાત કરી લેવી જોઈએ, જેથી કોઈ ગરબડ થાય નહીં.” કંઈ પણ જવાબ આપ્યા વગર મંત્રીએ ટેલિફોન ઉપાડી પોતાના પર્સનલ સેક્રેટરીને સૂચના આપી કે, રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી ઓમ મીણા સાથે વાત કરાવે. તેમણે ફોન મૂક્યો અને બીજી જ મિનિટે બજર વાગતાં ફોન ઉપાડ્યો. સામે છેડે મંત્રી ઓમ મીણા હતા. મંત્રી ઠાકોરે કહ્યું, “નમસ્તે મીણાજી! ક્યા હાલ? આપ તો ઉપ ચુનાવ મેં છા ગયે. સાત મેં સે સાત બેઠક આપને જીત લી!” મીણાએ તરત જવાબ આપ્યો : “ઠાકોરજી, હમેં ક્રેડિટ મત દીજિયે, યે તો આપ કા પ્લાનિંગ થા. આપ કે ચીફ મિનિસ્ટર ગોવિંદરાયજી પ્રચાર મેં નહીં આતે તો હમારા બૅન્ડ બજને વાલા થા. હમારી ચીફ મિનિસ્ટર સાહેબા રાજુદેવી કો આપ જાનતે હો… વો કિતની એરોગન્ટ હૈં?! હમેં કૌન વોટ દેતા?!’

- Advertisement -

ઇન્દ્રસિંહ બંને મંત્રીઓ વચ્ચે થતા રાજકીય સંવાદો સાંભળી રહ્યા હતા. વાત કરતાં કરતાં મંત્રી ઠાકોરે કહ્યું : “મીણાજી, એક ખાસ મકસદ સે કૉલ કિયા થા. આપને હમેં બતાયા થા, નિઝામ કી કોઈ દવા કરો… તો હો જાયેગી.” વાત સાંભળતાં મીણાજી ઊછળી પડ્યા : “ક્યા બાત કરતે હો!? કામ હો જાયેગા?!’ ઠાકોરે સ્વસ્થતા સાથે કહ્યું : “હો જાયેગા. લેકિન જરા સફાઈ સે કરના પડેગા. આપ કે ટાસ્કફૉર્સ કે ઑફિસરોં કો અમદાવાદ ભેજ દો. લેકિન ઉનકો કહો કિ હમારે એટીએસ કે એસપી જાડેજા સે બાત કર લે… ઔર વો કહે વૈસા કરે. મીણાજીના ઉત્સાહનો પાર ન હતો, તેમણે કહ્યું : “ઠાકોરજી, આપ કહેંગે વૈસા હી હોંગા. બસ, કામ ખતમ કરો.” મંત્રી અમર ઠાકોરને મળી ઇન્દ્રસિંહ પાછા અમદાવાદ આવી રહ્યા હતા, ત્યાં તેમના મોબાઇલ ફોન ઉપર રાજસ્થાન ટાસ્કફૉર્સના રાયસિંગ રાઠોરની રિંગ આવી : “જાડેજા સર નમસ્તે. અભી હમારે મંત્રી મહોદય કા કૉલ થા. ઉન્હોંને હમેં અહમદાબાદ પહુંચને કા આદેશ દિયા, ઔર આપકે આદેશ અનુસાર કામ કરને કો સૂચિત કિયા. બસ, હમ એક ઘંટે મેં અહમદાબાદ કે લિયે રવાના હોંગે.” જાડેજાએ કહ્યું : “પધારિયે, આપકે રહને કા ઇંતેજામ હો જાયેગા સર્કિટહાઉસ મેં. સૂચના દે દેતા હૂં. ધન્યવાદ.” કહી ફોન મુકાઈ ગયો.

રાયસિંગ રાઠોરે પોતાના ટાસ્કફૉર્સના અધિકારીઓને બોલાવી લીધા, જેમાં ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ અને કાન્તિ ડામોર હતા. તેમને ક્યાં જવાનું છે તેવી કોઈ પણ માહિતી આપ્યા વગર માત્ર આદેશ આપ્યો કે હમેં એક ઑપરેશન કે લિયે દો દિન જાના હૈ. આ ઉપરાંત આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર કાનજી સીંધાને સૂચના આપી કે બે કૉન્સ્ટેબલો સાથે બાય ટ્રેન અમદાવાદ રવાના થાય. સાંજે ઉદયપુરથી રાજસ્થાન ટાસ્ક ફૉર્સનાં બે વાહનો અમદાવાદ આવવા રવાના થયાં. એક વાહનમાં એસપી રાયસિંગ રાઠોર અને ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત હતા. બીજા વાહનમાં સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ અને કાન્તિ ડામોર હતા. વાહનો રાજસ્થાન તરફથી જ્યારે ગુજરાત તરફ આવી રહ્યાં હતાં ત્યારે સબ-ઇન્સ્પેક્ટર કાન્તિ ડામોરે પૂછ્યું, “ઇકબાલ, હમ જા કહાં રહે હૈં?” ઇકબાલે કહ્યું : “હોગા કુછ કામ. હમેં ક્યા? બહુત દિનોં સે ઉદયપુર સે બહાર નહીં નિકલે થે… જરા ઘૂમના હો જાયેગા.” ડામોરને હજી પોતાના પ્રશ્નનો ઉત્તર નહોતો મળ્યો. તે કયા કેસો પેન્ડિંગ છે તેનો વિચાર કરી રહ્યો હતો, પણ એવો કોઈ કેસ નહોતો જેનું કનેક્શન ગુજરાત હોય. એક ત્રીજી ટીમ કાનજી સીંધા સાથે રાતની ટ્રેનમાં અમદાવાદ આવવાની હતી, જે સવાર સુધી પહોંચી જવાની હતી.

રાત થતાં સુધી બંને વાહનો અમદાવાદ સર્કિટ હાઉસમાં પહોંચી ગયાં, જેમાં રાયસિંગ રાઠોરનું બુકિંગ નવા સર્કિટ હાઉસમાં હતું જ્યારે કિરણ રાજપૂત, ઇકબાલ શેખ અને કાન્તિ ડામોરનું બુકિંગ જૂના સર્કિટ હાઉસમાં હતું. રાઠોરને નવા સર્કિટ હાઉસ ઉતારી બંને વાહનો જૂના સર્કિટ હાઉસમાં આવી ગયાં, ત્યાં જમવાનો સમય થઈ ગયો હતો. જમતાં જમતાં ડામોરે ઇન્સ્પેક્ટર રાજપૂતને પૂછ્યું : “સર જી, હમ અહમદાબાદ ક્યોં આયે હૈં? કોઈ ખાસ બાત?” રાજપૂત સિનિયર અધિકારી હતા પણ મજાકિયા સ્વભાવના હતા. તેમણે ગંભીર ચહેરો કરતાં કહ્યું, “હમ એક બડે ઑપરેશન કે લિયે આયે હૈં.” ડામોર તેમની સામે જોઈ રહ્યો, પછી તેમણે તે જ ગંભીરતાથી કહ્યું : “હમ સબ કે ફૅમિલી પ્લાનિંગ કા ઑપરેશન કરવાના હૈ.” આ સાંભળી ઇકબાલ શેખ ખડખડાટ હસી પડ્યો, જેના કારણે ડામોર થોડો ઝંખવાણો પડી ગયો, તેનો ચહેરો જોતાં રાજપૂતે કહ્યું, “ડામોરજી, હમ મજાક કરતે હૈં, આપ ચિંતિત મત હોઈએ. હમ આપકા ફૅમિલી પ્લાનિંગ નહીં કરવાયેંગે.” ફરી ઇકબાલ હસવા લાગ્યો. ડામોરના ચહેરા ઉપર ગુસ્સો હતો. રાજપૂતે ડામોરના પગ ઉપર હાથ મૂકતાં કહ્યું, “સચ મેં મુઝે ભી નહીં માલૂમ. લેકિન તજુરબે સે બતા સકતા હૂં, મામલા સંગીન હૈ. પૂરે રાસ્તે મેં એસપી સાબને કોઈ બાત નહીં કિયા, લેકિન જો ભી હોગા કલ સુબહ તક માલૂમ હો જાયેગા.”

- Advertisement -

રાતે ઇકબાલ અને કાન્તિ ડામોર એક રૂમમાં સૂવા માટે જતા રહ્યા, જ્યારે કિરણ રાજપૂત બીજા રૂમમાં હતા. જોકે એક કલાક પછી ઇન્દ્રસિંહ જાડેજાની કાર નવા સર્કિટ હાઉસમાં દાખલ થઈ હતી અને લગભગ રાતના એક વાગ્યા સુધી ઇન્દ્રસિંહ અને રાયસિંગ વચ્ચે ગંભીર ચર્ચા વિચારણા થઈ હતી. ઇન્દ્રસિંહ જઈ રહ્યા હતા, ત્યારે તેમને પોર્ચ સુધી મૂકવા માટે રાયસિંગ આવ્યા હતા. તે કારમાં બેસતા રાયસિંગે તેમને સલામ કરી ગુડનાઇટ કહ્યું.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular