નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેર પોલીસ (Surat City Police) ની દિવસો સુધી ઉંઘ હરામ કરનારી લૂંટારૂ ટોળકીના મુખ્ય સૂત્રધારને લાવવા વરાછા પોલીસ બિહાર પહોંચી છે. બિહારના પટના ખાતેની જેલમાં કેદ કુંદન ભગતે જુદાજુદા અપરાધીઓને સામેલ કરીને બનાવેલી ટોળકીએ સુરતની સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા ખાતેથી 50 લાખની લૂંટ ચલાવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) લૂંટ કેસમાં સામેલ બે અપરાધીઓને ઉત્તરપ્રદેશ ખાતેથી પકડ્યા ત્યારે આખી સાજીશનો પર્દાફાશ થયો હતો. સુરત એસબીઆઈ લૂંટ કેસ (Surat SBI Robbery Case) ના મુખ્ય સૂત્રધાર કુંદનનો પટના જેલમાંથી કબજો લેવા માટે સુરત પોલીસ બિહાર પહોંચી છે.
વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ એ. આર. વાળા (PI A R Vala) એ જણાવ્યું છે કે, સુરત કોર્ટમાંથી કુંદન ભગત વિરુદ્ધ પ્રૉડક્શન વૉરંટ મેળવવામાં આવ્યું છે. આ વૉરંટના આધારે પોલીસ ટીમ બિહારની કોર્ટમાં રજૂઆત તેમજ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી કુંદન ભગતને સુરત લાવવામાં આવશે. કુંદન ભગતની ધરપકડ અને પૂછપરછ બાદ અન્ય ફરાર આરોપીઓની તેમજ લૂંટના નાણાની વિગતો મેળવવામાં આવશે અને તે પછી કુંદનને બિહાર પટના જેલ (Kundan Bhagat Patna Jail Bihar) માં પરત સોંપવામાં આવશે.








