નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહના બચ્ચાનો જન્મ થતા નાઈટ શેલ્ટર માટેની જરૂરિયાત ઊભી થઇ હતી. જે મંજુર થઈ જતા સિંહ અને વાઘના બચ્ચા માટે નાઇટ શેલ્ટર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સાથે જ આગામી સમયમાં વાઘ, સિંહ, હિમાલયન રીંછ, વરુ, શિયાળ માટે નર્સરી માટેની મંજૂરી મળતા થોડા સમયમાં તેમના કેજ પણ નિર્માણ કરાશે.
રાજેશ પટેલ , સરથાણા ઝૂ સુપ્રીટેન્ડન્ટે કહ્યું કે, સરથાણા નેચર પાર્કમાં તાજેતરમાં સિંહની જોડીએ બચ્ચાને જન્મ આપ્યો. હતો. જેમાં હાલમાં સિંહના પાંજરામાં સિંહ અને સિંહણ રહી શકે તેવી વ્યવસ્થા છે. સિંહના બચ્ચાના આવવાથી નાઇટ શેલ્ટરમાં વધારાની રુમ બનાવવાની જરુરિયાત ઊભી થઇ છે. સિંહના બચ્ચા માટે નાઇટ શેલ્ટરમાં બે રુમ અને બેબી નર્સરીની જરુરિયાત સર્જાઇ હતી. આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ ઝૂ ખાતેથી સફેદ વાઘની બે જોડી મેળવવામાં આવી છે. ભવિષ્યમાં વાઘના બચ્ચા માટે નાઇટ શેલ્ટરમાં વધારાના રુમની જરુરિયાત ઊભી થશે. તેવામાં સરથાણા ઝૂ સુપ્રીટેન્ડન્ટ દ્વારા નાઈટ શેલ્ટર તેમજ નર્સરી બનાવવાની રજૂઆત કરાઈ હતી. જે મંજુર થઈ હતી અને હવે સરથાણા ઝુમાં 65 ચોરસ મીટર વિસ્તારમાં વાઘની નર્સરી બનાવશે તેમજ 86 ચોરસ મીટર જગ્યામાં સિંહની નર્સરી, તેમજ 67 ચોરસ મીટર જગ્યામાં હિમાલયન રીંછની નર્સરી અને 35 ચોરસ મીટર જગ્યામાં વરુની નર્સરી, 55 ચોરસ મીટર વિસ્તારમાં શિયાળની નર્સરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાઇટ શેલ્ટર અને નર્સરી પાછળ 1.87 કરોડના ખર્ચનો અંદાજ છે. આ અંગે જાહેર બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેને મંજૂરી મળતા થોડા સમય બાદ કામ શરૂ કરવામાં આવશે.








