નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતના કુખ્યાત એવા સજ્જુ કોઠારીના ભાઈ આરીફની જુગાર ક્લબ પર પોલીસનું જેસીબી ફરી વળ્યું છે, સુભાષનગરમાં આવેલા આ જુગાર ક્લબ પર પોલીસે બુલડોઝર ફેરવી તોડી પાડ્યું છે. પોલીસે ગત મંગળવારે જ આરીફ કોઠારીને ઝડપી પાડ્યો હતો પરંતુ ટોળાએ હુમલો કરીને તેને છોડાવી લીધો હતો. પોલીસના હાથેથી આરીફ તો છટકી ગયો પરંતુ પોલીસે તેના ગેરકાયદે બાંધકામો અને કાળા ધંધાની મિલકતો પર તવાઈ બોલાવવાની શરુ કરી છે.
પોલીસે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીની ગેરકાયદે ચાલતી ક્લબ અને જુગારના અડ્ડાને તોડીને ઢેર કરી દીધી છે. ગત મંગળવારની ઘટનામાં એવું બન્યું હતું કે પોલીસે આ ગુંડાતત્વ કોઠારીને પકડવા ગઈ હતી. નાનપુરાના માથા ભારે કહેવાતા સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીને પકડવાનો હોવાથી પોલીસે તૈયારીઓ કરી પરંતુ અહીં સ્થિતિ આખી વિપરીત બની ગઈ હતી. અહીં પોલીસ આ શખ્સોને આંકવામાં ઉણી ઉતરી અને આરીફ કોઠારીના પંટરોએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો.
સચીન લાજપોરની બહાર અગાઉ સજ્જુ કોઠારી રાંદેર પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. તે વખતે સચીન પોલીસ મથકે સજ્જુ, તેના ભાઈ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો. આરીફ અંગેની માહિતી રાંદેર પોલીસને મળી હતી. જોકે રાંદેર પોલીસના ડીસ્ટાફના પીએસઆઈ હડીયા સહિત કુલ પાંચ આરીફને પકડવા સુભાષનગર ઝુપડપટ્ટીમાં ગયા હતા. આરીફ પકડાઈ પણ ગયો હતો અને તેને પકડીને જીપમાં બેસાડવાના જ હતા કે ત્યાં તેના પંટરો અને મહિલાઓએ હોબાળો મચાવી દીધો હતો. અચાનક પોલીસ પર આ લોકોએ હુમલો કરી દીધો અને ઝપાઝપી કરીને આરીફને છોડાવી લીધો હતો. પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો. ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. હવે આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને 12 શખ્સોની ધરપકડ કરી હતી. જોકે હજુ આરીફ પકડાયો નથી, પોલીસ તેને શોધવાના સતત પ્રયત્નોમાં છે.








