નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં જાણે બુટલેગરને પોલીસ અને કાયદાની બીક જ ન હોય તે પ્રકારની ઘટના બની છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતી કારને પકડવા જતા પોલીસને કચડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસથી બચવા માટે ફિલ્મી ઢબે કારને ભગાવી પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને દારૂ ભરેલી કાર અંગે માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસ વોચ ગોઠવીને બેઠી હતી. દારૂ ભરેલી કાર પસાર થતાં બે પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું કાર ચાલકે કાર ભગાવતા પોલીસે તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન રોડ પર ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. કારનો પીછો કરી રહેલા બે પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સદનસીબે બંને પોલીસ કર્મી બચી ગયા હતા અને કાર ચાલક ભાગવામાં સફળ થયો હતો. જોકે કાર ચાલક શદરા ગામ નજીક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને કારમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. હાલ પોલીસ દ્વારા કારના નંબરના આધારે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








