Guard of owner to Owaisi: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં વહીવટી તંત્રની એક ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટના જજને ગાર્ડ ઑફ ઑનર આપવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ જજની જગ્યાએ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને ગાર્ડ ઑફ ઑનર આપી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે વહીવટી વ્યવસ્થા અને અધિકારીઓની કાર્યપ્રણાલી સામે સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે અસદુદ્દીન ઓવૈસી પોતાના સ્થાનિક કાર્યકરો સાથે સર્કિટ હાઉસ પહોંચે છે. ત્યાં પોલીસકર્મીઓ પહેલેથી જ ગાર્ડ ઑફ ઑનર આપવા માટે તૈયાર ઊભા હોય છે. આ દરમિયાન પાર્ટીના કાર્યકરો ઓવૈસીને ગાર્ડ ઑફ ઑનર લેવા માટે કહે છે. જોકે, વીડિયો પ્રમાણે ઓવૈસી પણ પોલીસ તરફથી આપવામાં આવી રહેલા ગાર્ડ ઑફ ઑનરને લઈને થોડા અસહજ જણાય છે.

ઓવૈસીના હાવભાવ પરથી એવું જણાય છે કે તેમને પણ ક્યાંક કંઈક ગડબડ હોવાનો અહેસાસ થયો હોય. જોકે, તેઓ કંઈ સમજે કે પૂછે તે પહેલાં ગાર્ડ ઑફ ઑનર આપી રહેલા પોલીસકર્મીઓને સલામી આપે છે અને ત્યાંથી આગળ વધી જાય છે. આ સમગ્ર ઘટનામાં ખાસ વાત એ છે કે વહીવટી તંત્ર દ્વારા ઓવૈસીને આપવામાં આવેલું ગાર્ડ ઑફ ઑનર હકીકતમાં સુપ્રીમ કોર્ટના એક જજને આપવાનું હતું.
ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓ વચ્ચે આટલી મોટી ગેરસમજ કેવી રીતે થઈ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. આ માત્ર વહીવટી ભૂલ હતી કે જવાબદાર અધિકારીઓની બેદરકારીનો મામલો છે, તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. આ ઘટનાએ સરકારી પ્રોટોકોલના પાલન અને વહીવટી તંત્ર વચ્ચેના સંકલન અંગે પણ ચર્ચા જગાવી છે.








