નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં યુવતીને બીચ પર લઈ જઈ નશીલું દ્રવ્ય આપી તેની સાથે હોટલમાં દુષ્કર્મ કરવા મામલે ભાજપના નેતા અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી છે. ભાજપે આ આરોપીની ધરપકડ મામલે કાર્યવાહી કરી તેને તુરંત ભાજપમાંથી બહાર કર્યો છે.
સુરતને આમ તો ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, જોકે તે સિક્કાની બીજી બાજુ પર ગુનાખોરી પણ સુરતની ઓળખ બનતી જાય છે. સુરતમાં ગેંગરેપની ઘટનાને લઈને સુરત ભાજપના નેતા અને તેના મિત્રની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. બંને પર આરોપ છે કે તેમણે 23 વર્ષની યુવતીને બીચ પર ફેરવવા કારમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું. સુવાલી બીચ પર યુવતીને લઈ જઈ ત્યાં તેણીને નશીલું દ્રવ્ય આપી નશો કરાવ્યો અને તે પછી તેણીને હોટલમાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે. પોલીસે કેસ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરતમાં એક વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીની ફરિયાદ પ્રમાણે યુવતીને રાત્રે એક પરિચિત યુવક સાથે કારમાં બેસાડી સુવાલી બીચ પર લઈ જવાઈ હતી. રાત્રે ફરીથી તે કાર તેણીને ઘરે છોડી ગઈ. આ યુવતીએ ઘરે જતા ચાલવાની અવસ્થામાં પણ નહોતી. પરિવારે જ્યારે યુવતીને પુછ્યું તો તેણીએ સમગ્ર ઘટના જણાવી હતી. યુવતીએ તેમને કહ્યું કે તેના પરિચિત આદિત્ય ઉપાધ્યાય જે સુરત ભાજપના નેતા છે તે અને ગૌરવ સિંહ રાજપૂત બંને સાથે સુવાલી બીચ ગઈ હતી. જ્યાં જઈને તેને નશીલું દ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે હોશમાં નહોતી. પછી તેણીને સુવાલી બીચથી જહાંગીરપુરા કેનાલ રોડ પર સ્થિત હોટલ ગ્રીનમાં લઈ જઈ તેની સાથે ગેંગરેપ કર્યો. ગેંગરેપ કર્યા પછી તેણીને ફરીથી તેના ઘર પાસે ઉતારી બંને જતા રહ્યા હતા.
યુવતીના પરિવારે સમગ્ર વાતને લઈને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પહોંચી તેણીની ફરિયાદ દાખલ કારવી. મોડી રાત્રે આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂતને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસ અનુસાર પકડાયેલા બંને પૈકી આદિત્ય ઉપાધ્યાય સુરત ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી હતો. સુરત ભાજપ દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. ગેંગરેપના આરોપી બંને યુવતીને પહેલાથી ઓળકાત હતા અને યુવતી પણ બંનેને સારી રીતે ઓળખતી હતી. આ ત્રણે સોશ્યલ મીડિયા પર પણ વાતો કરતા હતા. જેનાથી યુવતી વિશ્વાસ રાખી તેમની સાથે ફરવા ગઈ હતી. પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.








