નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં તાજેતરમાં પોલીસને કરોડો રૂપિયાની 2000ની નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો ભરેલી એમ્બ્યુલન્સ કામરેજ હાઈવે પર નવી પારડી ગામ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી હતી. આ પ્રકરણમાં પોલીસે વધુ તપાસ કરતા આરોપીના મુળ ગામમાંથી ચારા નીચે સંતાડેલી નકલી નોટો 52.74 કરોડ મળી આવી હતી. હાલ પોલીસે આ કેસમાં 6 સામે ફરિયાદ દાખલ કરી છે.
સુરતમાં કામરેજ પોલીસને માહિતી મળી હતી કે પારડી ગામ પાસેથી દીકરી ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ પસાર થવાની છે. જેમાં મોટી સંખ્યમાં નકલી નોટોનો જથ્થો છે. પોલીસને માહિતી મળતા વોચ ગોઠવીને એમ્બ્યુલન્સને ઝડપી પાડી હતી. જેમાંથી 25.80 કરોડના મૂલ્યની 2000ની નકલી નોટ મળી આવી હતી. નોટ પર રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું. પોલીસે નકલી નોટ સાથે રાજકોટના હિતેશ પરષોત્તમની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ નોટ ફિલ્મના શૂટિંગ માટે લાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આકરી પુછપરછ કરતાં વધુ નકલી નોટ જામનગર અને આણંદમાં રાખી હોવાનું કબુલતા પોલીસની ટીમે કુલ 89.98 કરોડના મૂલ્યની રકમ ઝડપી પાડી છે. આરોપીના જણાવ્યા અનુસાર, તેણે સુરતના કામરેજમાં રહેતાં દિનેશ લાલજી પોસિયાના મારફતે મુંબઈના એક વ્યક્તિ પાસે છપાઈ હતી. ત્યારબાદ આ નોટને પોતાના ગામમાં લઈ જઈને છુપાવી દીધી હતી. જે પૈકીની 25 કરોડની નકલી નોટ એમ્બ્યુલન્સમાં લઈને સુરત આવી રહ્યો હતો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો.
હિતેશ કોટળિયાએ આણંદના હરીશ પટેલ નામના વ્યક્તિને કેટલીક નકલી નોટ વટાવવા માટે આપી હતી. પરંતું હિતેશને પોલીસે ઝડપી પાડતા તેણે નકલી નોટોને મહીસાગર નદીમાં પધરાવી દીધી હતી. સમગ્ર કેસમાં પોલીસે હિતેશ કોટળિયા, વિપુલ પટેલ અને દિનેશ પોશિયાની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ મુંબઈના આરોપી વિકાસ જૈન અને દિના નાથ યાદવ સામે કાર્યવાહી હાથ ધરી છે
નકલી નોટના પ્રકરણમાં રેન્જ આઈ.જી દ્વારા પત્રકાર પરિષદ યોજીને અનેક ખુલાસા કર્યા હતા. આરોપીઓ લોકો સાથે ચીટીંગ કરવા માટે નકલી નાટનો ઉપયોગ કરતા હતા. ટ્રસ્ટ બનાવીને લોકોને બ્લેક મનીને વ્હાઈટ કરવા નકલી નોટ બતાવીને RTGS મારફતે પૈસા ટ્રાન્સફર લેતા હતા. નકલી નોટ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર મુંબઈના મલાડનો રહેવાસી વિકાસ જૈન છે. આ નકલી નોટને ટ્રાવેલ્સમાં મુંબઈથી સુરત મોકલવામાં આવી હતી. ત્યારબાદ હિતેશએ એમ્બ્યુલન્સ મારફતે જામનગર લઈ જવામાં આવી હતી. જેમાંના 4 બોક્સ આણંદ મોકલવામાં આવ્યા હતા.








