પ્રશાંત દયાળ (શતરંજ-74, નવજીવન ન્યૂઝ): સવારે ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર પોતાની ઑફિસમાં દાખલ થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યો ચહેરો તેમણે જોયો. તે પોલીસવાળો જ હોવો જોઈએ. સિવિલ ડ્રેસમાં હતો, પણ તેણે પરમારને જોતાં જ પોતાના બંને હાથ પાછળ તરફ ખેંચી સલામ કરી. પરમાર તેને સલામ કરી સીધા પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. પાંચ મિનિટ થઈ હશે, ત્યાં પટાવાળો કહેવા આવ્યો, “સાહેબ, એટીએસમાંથી કોઈ મળવા આવ્યું છે.” પરમારે ફાઈલ જોતા જોતા હાથના ઇશારે તેને અંદર મોકલવાની સૂચના આપી : થોડી વાર પછી કાને અવાજ પડ્યો, ‘જયહિંદ સર.’ પરમારે ફાઈલમાંથી મોઢું બહાર કાઢી સામે જોયું, તો આ તો પેલો જ ચહેરો હતો જેણે થોડી વાર પહેલાં સલામ કરી હતી.
પરમારે ફાઈલ બાજુ ઉપર મૂકતાં પ્રશ્નાર્થ નજરે પૂછ્યું, “બોલ ભાઈ, કેમ આવ્યો?” પેલાના ચહેરા ઉપર પણ પ્રશ્નાર્થ હતો, તેણે આવવાનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું, “સર, મને પીએસઓ તરફથી ગઈ કાલે વર્ધી મળી હતી કે મારે આપની સામે હાજર રહેવાનું છે.” પરમાર વિચારમાં પડી ગયા. તેમને યાદ આવ્યું કે ગઈ રાતે આદેશ સાથે બેની જગ્યાએ ચાર પેગ પિવાઈ ગયા હતા, તેમણે એટીએસમાં ફોન કર્યો હતો, પણ શું કામ? — તે હવે યાદ આવી રહ્યું ન હતું. ઘણી વખત પરમારને દારૂ પીધા પછી ડિલીટ વાગી જતું હતું. જોકે સામે ઊભી રહેલી વ્યક્તિને અંદાજ ના આવે તે રીતે તેમણે પૂછ્યું, “હા હા, મેં જ તને બોલાવ્યો હતો! શું નામ તારું?” પેલાએ તરત કહ્યું, “હેડ કૉન્સ્ટેબલ મહેશ કદમ.” બસ નામ સાંભળતાં પરમારને યાદ આવી ગયું. પરમારે એક જ ક્ષણમાં આખી ઘટના ગોઠવી કાઢી અને વાતની શરૂઆત સત્તાવાહી રીતે કરતાં કહ્યું, “મહેશ, મને સારું નથી લાગતું પણ મારે તારા બનેવી રાજેશ મરાઠાને અરેસ્ટ કરવો પડશે. મને ખબર છે તે ગરીબ માણસ છે પણ તું તો જાણે છે કે, સાલી આપણી નોકરી જ આવી છે. આપણે શું કરી શકીએ?” મહેશ સ્તબ્ધ થઈ ગયો. તેને હજી સમજાઈ રહ્યું ન હતું કે સીઆઇડી ક્રાઇમ શા માટે તેના ગરીબ બનેવી રાજેશની ધરપકડ કરવા માગે છે.
મહેશ ઊભો જ હતો. તેણે વિનંતીના સૂરમાં પૂછ્યું : “સર, વાત શું છે? મને કહેશો? તેને તો દૂર દૂર સુધી કોઈ ક્રાઇમ સાથે સંબંધ નથી.” પરમારને ખબર પડી કે તેમનું તીર નિશાન ઉપર વાગ્યું છે. તેમણે મહેશ સાથે મિત્ર હોય તેવી રીતે વાત કરતાં કહ્યું, “મહેશ, ચિંતા ના કરીશ, બેસ.” તેમ કહી સામેની ખુરશી ઉપર બેસવાનો ઇશારો કર્યો. પહેલાં તો મહેશે ના પાડી પણ પરમારે આગ્રહ કરતાં તે બેઠો. પરમારે મહેશ માટે ચા લાવવાની સૂચના આપી. પછી ફોડ પાડતાં કહ્યું. “જો મહેશ, તને ખબર છે કે નિઝામ ઍન્કાઉન્ટર કેસની તપાસ મારી પાસે છે. નિઝામનો એક સાગરીત હતો રામ. હવે તેનું પણ ઍન્કાઉન્ટર થઈ ગયું છે. રામના મોબાઇલ ફોનની કૉલ-ડિટેઇલ મેળવી તો તેમાં રામે અનેક વખત રાજેશ સાથે વાત કરી છે. તને લાગે છે કે રાજેશ નિર્દોષ છે, પણ જે દિવસે નિઝામને હુબલી જતાં રસ્તામાંથી ઉપાડ્યો ત્યારે પણ રામે રાજેશ સાથે વાત કરી છે. આ સંજોગોમાં મારે રાજેશની પૂછપરછ કરવી પડશે અને એરેસ્ટ પણ કરવો પડશે.” મહેશ વિચારમાં પડી ગયો.
પરમારે તેને વિચાર કરતો જોઈ પૂછ્યું, “બોલ મહેશ, તું પણ એટીએસમાં જ નોકરી કરે છે. આ કેસ તારી પાસે હોત તો તું શું કરતો?” મહેશે કંઈ જવાબ આપ્યો નહીં. એટલે પરમારે પૂછ્યું : “મહેશ, મને સાચું કહે રાજેશ અને રામને શું સંબંધ? ગઈ કાલે હું રાજેશને મળવા ગયો હતો. એક સામાન્ય ગલ્લો ચલાવે છે અને ક્યાં પેલો રામ ગૅંગ્સ્ટર. બંને વચ્ચે શું સંબંધો હતા તેની મને ખબર પડતી નથી. માટે જ મારે તેને બોલાવવો પડશે. રાજેશ સાથે વાત થઈ તો તેણે કહ્યું, “તેનો સાળો મહેશ એટીએસમાં છે માટે મને થયું કે ચાલ પહેલા તારી સાથે વાત કરી લઉં… પછી જરૂર પડે તો તેને બોલાવું.”
વાત ચાલતી હતી ત્યાં ચા આવી ગઈ. પરમારે ચાનો કપ ઉપાડ્યો અને મહેશને ચા લેવાની સૂચના આપી. મહેશ ખુરશીમાં ઉભડક જ બેઠો હતો. તેણે પોતાની પીઠ પણ ટેકવી ન હતી. પરમારે ઇશારો કરતાં તેણે ચાનો કપ લીધો ખરો પણ પોતાના હોઠ સુધી લઈ જઈ શક્યો નહીં. તેની નશોમાં લોહી જાણે ૧૨૦ની ઝડપે દોડી રહ્યું હતું. પરમાર મહેશના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફારની નોંધ લઈ રહ્યા હતા. હજી કોયડો ઉકેલાયો ન હતો, કે રામ સાથે રાજેશના નામે નીકળેલા સીમકાર્ડ ઉપર વાત કરનાર કોણ હતું, પણ પરમારને લાગી રહ્યું હતું કે તેઓ જવાબની નજીક છે. પરમાર હવે માસ્ટર સ્ટ્રૉક રમવા જઈ રહ્યા હતા : “કંઈ વાંધો નહીં મહેશ. તને ખબર ના હોય તો વાંધો નહીં. એક કામ કર… આવતીકાલે તું રાજેશને લઈને ઑફિસમાં આવી જા. તેનો જવાબ નોંધી લઈ પછી જોઈએ શું થઈ શકે છે.”
બસ, વાક્ય પૂરું થતાં મહેશે પોતાના હાથમાં રહેલો ચાનો કપ નીચે મૂકી દીધો અને કહ્યું, “ના સર, તેનો કોઈ વાંક નથી. બહુ સીધો અને ગરીબ માણસ છે. તમે જેની વાત કરી રહ્યા છો તે મને યાદ આવી રહ્યું છે. અમારા ડીએસપી સાહેબ હતા ને… ઇન્દ્રસિંહ જાડેજા… તેમણે મને કોઈ ખાનગી વ્યક્તિના નામે એક વર્ષ પહેલાં એક સીમકાર્ડ લાવી આપવાનું કહ્યું હતું અને એટીએસમાં તો અમે આવું જ કરતા હોઈએ છીએ. એટલે મેં રાજેશ મરાઠાના ડૉક્યુમેન્ટ ઉપર એક સીમકાર્ડ લીધું હતું અને સાહેબને આપ્યું હતું.” પરમારને જૅકપોટ લાગ્યો હતો. પણ બહુ સામાન્ય ઘટના જ હોય તેવો ચહેરો તેમણે રાખ્યો. ખરેખર તો માછલી માટે નાખેલી જાળમાં મગર આવી ગયો હતો. પરમાર ક્યારેય ઇન્દ્રસિંહ જાડેજાને પસંદ કરતા ન હતા. ઇન્સ્પેક્ટર હોવાને નાતે સલામ કરવી પડતી હતી, પણ સલામ કરતી વખતે પણ મનમાંથી તો ગાળ જ નીકળી હતી. જાડેજાની એરોગન્સી, નાના કર્મચારીઓ સાથેનો દુર્વ્યવહાર, તેના અનેક ખોટા ધંધાઓ વગેરે જોઈને પરમારને લાગતું કે, આ માણસ પોલીસ-અધિકારી થવાને બદલે ડૉન થયો હોત તો વધુ સફળ થાત. પરમાર જાડેજા અને વછરાજાનીને યુનિફોર્મવાળા ગુંડા તરીકે જોતા હતા.
પરમારે સહજતાથી કહ્યું, “મહેશ, કંઈ વાંધો નહીં. આ તો તપાસનો ભાગ છે માટે તપાસ કરવી પડે. તું હમણાં ફોન કરી રાજેશને બોલાવી લે. તેનો એક જવાબ લઈ લઈએ. અને એક જવાબ તારો પણ લેવો પડશે, કારણ કે તેં જ સીમકાર્ડ લઈ જાડેજા સાહેબને આપ્યું હતું ને!” મહેશ મૂંઝાયો. તેનો ચહેરો જોઈ પરમારે કહ્યું, “જો મહેશ, વાત તારા સુધી જ રાખજે. હું કોઈને કહેવાનો નથી. તારે પણ કોઈને કહેવાની જરૂર નથી.” પરમાર મહેશને હવે જવા દેવા માગતા ન હતા, કારણ કે તેમનો અનુભવ કહેતો કે, એક વખત મહેશ જો પોતાની ઑફિસમાંથી બહાર નીકળ્યો તો કોઈની સલાહ લેશે અને પછી ચિત્ર બદલાઈ પણ શકે. એટલે જ તેમણે મહેશ મારફતે રાજેશને બોલાવી લેવાની સૂચના આપી.
મહેશ હજી અવઢવમાં હતો. તેને મનમાં તો થતું હતું… એક વખત જાડેજા સાહેબને ફોન કરી આખી વાત કહી દઉં, પણ બીજી તરફ પોતાનો બનેવી ફસાઈ જશે તેવો ડર પણ લાગતો હતો. મહેશે જે કંઈ કર્યું હતું તે પોતાના ઉપરી સાહેબને મદદ કરવા માટે કર્યું હતું, તેમાં તેનો કોઈ સ્વાર્થ ન હતો. એક તબક્કે તો લાગ્યું કે, રાજેશના નામે સીમકાર્ડ લેવાને બદલે કોઈ ત્રાહિતના નામે કાર્ડ લીધું હોત તો પોતે ફસાઈ ન જાત. મહેશ પોતે પણ પોલીસવાળો હતો. તેને અંદાજ આવી ગયો હતો કે, હવે પરમાર આ તપાસ કઈ દિશામાં લઈ જવાના છે. પણ અત્યારે સ્થિતિ એવી હતી કે તેનો અને તેના બનેવી બંનેનો હાથ પથ્થર નીચે હતો. જાડેજા સાહેબને બચાવવા જતાં પોતે ફસાઈ જવાના હતા. તેણે વિચાર કરી લીધો હતો કે, જે થશે તે જોયું જશે. પોતે ફસાવા માગતો નથી.
મહેશને વિચાર કરતો જોઈ પરમારે કહ્યું, “મહેશ, શું વિચાર કરે છે? રાજેશને ફોન જોડ અને બોલાવી લે.” મહેશે તરત મોબાઇલ ફોન કાઢ્યો અને રાજેશને ફોન કરી રિક્ષા લઈ ગાંધીનગર આવી જવાની સૂચના આપી તથા કહ્યું, “ચિંતા કરતો નહીં. રિક્ષાભાડું હું આપી દઈશ. પણ જલદી આવી જા.” રાજેશને આશ્ચર્ય થયું કે “શું થયું છે?” પણ મહેશે કહ્યું, “કંઈ નહીં; તું જલદી ગાંધીનગર ડીજીપી ઑફિસ પહોંચ.” જોકે રાજેશને ગાંધીનગર પહોંચતાં બે કલાક થઈ ગયા. તે આવ્યો એટલે મહેશે એક તરફ લઈ જઈ રાજેશને આખો ઘટનાક્રમ સમજાવી દીધો. રાજેશને તો ખબર જ ન હતી કે મહેશે તેના નામે સીમકાર્ડ લીધું હતું. છતાં રાજેશને તો પોતે જે જાણતો હતો તે જ લખાવવાનું હતું. સાંજ થતાં સુધી મહેશ અને રાજેશ બંનેના જવાબ નોંધાઈ ગયા. પરમારના ચહેરા ઉપર એક જુદા પ્રકારનો જ આનંદ હતો. જ્યારે મહેશ અને રાજેશના ચહેરા ઉપર માંડ છૂટ્યાનો અહેસાસ હતો.
(ક્રમશ:)








