નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત શહેરમાં ફરી એકવાર ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના રેકેટનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. વરાછા વિસ્તારમાં આવેલી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’માં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસ સાથે દરોડા પાડતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અગાઉ પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં ઝડપાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી એકવાર એ જ વિસ્તારમાં સક્રિય થયો હતો. આ વખતે તેણે ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ના નામે આખું નેટવર્ક ઉભું કર્યું હતું.
દરોડા દરમિયાન ત્રણ ગર્ભવતી મહિલાઓ મળી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે વરાછા પોલીસ સાથે હોસ્પિટલ પર રેડ કરી હતી. હોસ્પિટલના પહેલા અને બીજા માળે તપાસ દરમિયાન બે મહિલા કર્મચારીઓ અને ત્રણ ગર્ભવતી મહિલાઓ મળી આવી હતી.
તપાસ દરમિયાન હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારીએ કબૂલાત કરી હતી કે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ પોતે જ મહિલાઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો. આ ખુલાસા બાદ આરોગ્ય વિભાગ અને પોલીસ દંગ રહી ગઈ હતી.
ફાર્માસિસ્ટ હોવા છતાં કરતો હતો ઓપરેશન
ચોંકાવનારી વાત એ છે કે રામગોપાલ કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નહીં પરંતુ માત્ર ફાર્માસિસ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં તે ગર્ભપાત જેવા ગંભીર મેડિકલ ઓપરેશન કરતો હતો.
દરોડા દરમિયાન મળી આવેલી ત્રણ મહિલાઓમાંથી એક વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું છે. ત્રણેય મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેઓ ગેરકાયદે ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલમાં આવી હતી.
એક મહિલા ભાગી છૂટી
આરોગ્ય વિભાગે મહિલાઓની મેડિકલ તપાસ માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે હોબાળાનો લાભ લઈ વ્યારાની રહેવાસી 24 વર્ષીય મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. બાકીની બે મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો હતો આરોપી
રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ ‘શિવાય હોસ્પિટલ’ના નામે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો. વર્ષ 2025માં પણ જિલ્લા આરોગ્ય વિભાગે રેડ કરીને રામગોપાલ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીથી વરાછા વિસ્તારમાં નવી હોસ્પિટલ શરૂ કરીને ગેરકાયદે કારોબાર ચાલુ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલ સીલ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ફરિયાદના આધારે વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલ સામે ‘પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ’ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હાલ હોસ્પિટલને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. ભાગી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. સાથે જ આ રેકેટમાં અન્ય ડોક્ટર અથવા મેડિકલ ક્ષેત્રના લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.








