Saturday, June 3, 2023
HomeGeneralઇન્વેસ્ટિગેશનઃ 8 ઘોર અંધકારમાં એક લાઇટનો ઝબકારો CCTVમાં દેખાયો અને ડબલ મર્ડરનો...

ઇન્વેસ્ટિગેશનઃ 8 ઘોર અંધકારમાં એક લાઇટનો ઝબકારો CCTVમાં દેખાયો અને ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, કુદરતનો ન્યાય તેવી ઘટના

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): 2018ના વર્ષની આ ઘટના છે. પાંડેસરા પોલીસ મથકની હદમાંથી 11 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળે છે. આ ઘટનાના ત્રણ દિવસ પછી આ જ વિસ્તારમાંથી 40 વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળે છે. બન્ને ઘટના એ સમયે બની જ્યારે કઠુઆ ગેંગરેપનો મામલો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. પરિણામે આ બન્ને ઘટનાને પણ રાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં સ્થાન મળ્યું હતું. પરિણામે પોલીસ બન્ને હત્યાનો ભેદ ઉકેલવાભારે મથામણ કરતી હતી. બરોબર તે સમયે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં પોલીસ મશગૂલ હતી. જેમાં એક કેમેરાના ફુટેજમાં ઘોર અંધકાર વચ્ચે લાઇટનો ઝબકારો જોવા મળ્યો. બસ, થઈ રહ્યું આ એક લાઇટના ઝબકારાના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ. જે બન્ને આરોપીને કોર્ટે દોષી સાબિત કર્યા છે. સંભવતઃ સોમવારે તે બન્નેને સજા ફરમાવાશે.તા. 6-4-2018ના રોજ પાંડેસરા પોલીસ મથકની હદમાંથી 11 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસ હજુ તો આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ થાય તે પૂર્વે એટલે કે તા. 9-4-2018ના રોજ પાંડેસરા પોલીસ મથકની હદમાંથી જ 40 વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળી. બનાવની ગંભીરતા પારખી ગયેલા તત્કાલીન પોલીસ કમિશનર સતીશ શર્માએ બન્ને ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી. ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાના માર્ગદર્શન તળે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. દવે (હાલ એસીપી, ટ્રાફિક શાખા, સુરત) અને તેમની ટીમે તપાસનો આરંભ કર્યો. ઝીણવટભરી રીતે તપાસ થઈ રહી હતી. એક એક નાના નાના મુદ્દાને પણ ચકાસવામાં આવી રહ્યા હતા. બન્ને લાશ મળી તે જગ્યાએ કોઇ વાહન આવ્યું હતું કે કેમ એ ચેક કરવા માટે સીસીટીવી કેમેરા જોવાનો પ્રારંભ કર્યો.પોલીસ કન્ટ્રોલ રૂમના તત્કાલીન મદદનીશ પોલીસ કમિશનર જે. કે. પંડ્યાના નેતૃત્ત્વમાં કેમેરા જોવાનો પ્રારંભ થયો. જેમાં એક કારની લાઇટનો ઝબકારો જોવા મળ્યો. પણ અંધારું એટલું હતું કે કાર કે કારના નંબર વિશેની વિગતો પોલીસને મળી નહીં. વળી, પોલીસની તપાસ થોડા સમય માટે થંભી ગઈ. બરાબર આ સમયે નાયબ પોલીસ કમિશનર વિધિ ચૌધરીને યાદ આવ્યું કે તેમના એક પરિચિત વડોદરામાં છે. જે સીસીટીવી ફુટેજ જોઇ કાર વિશેની જાણકારી આપવામાં મદદરૂપ બની શકે છે. જેથી વિધિ ચૌધરીએ આ ફુટેજ વડોદરા મોકલ્યા. વડોદરાના એ તજજ્ઞએ એટલું કહ્યું કે સ્પાર્ક મોડલની કાર છે.

- Advertisement -

જેથી પોલીસે પાંડેસરા વિસ્તારમાં સ્પાર્ક મોડલની કેટલી કાર છે તેનો અભ્યાસ કર્યો. તો આવી ચાર કાર પાંડેસરા વિસ્તારમાં ફરતી હોવાનું જણાયું. એ ચારેય કારના માલિકની શોધ કરી, માલિકો મળી ગયા. જેમાંથી એક કારના માલિકે કહ્યું કે કાર મારા નામ પર છે પરંતુ તેનો ઉપયોગ હરસહાય ગુર્જર કરે છે. એ રીતે પોલીસ હરસહાય ગુર્જર સુધી પહોંચી. જે આ બન્ને ઘટનામાં સૂત્રધાર હતો. જેના આધારે અન્ય આરોપી હરિઓમ ગુર્જરને પોલીસે પકડી પાડ્યો હતો. આ રીતે બન્ને આરોપી સામે પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી પોલીસે તપાસ પૂર્ણ કરી હતી. જજે તમામ પુરાવાના આધારે બન્ને આરોપીને દોષી જાહેર કર્યા છે. જે બન્નેને સંભવતઃ સોમવારે સજા ફરમાવાશે. કઈ રીતે માતા પુત્રીને મારી નાખ્યા, કેવી રીતે આરોપી પકડાયા, એક તબક્કે એટીએસની પણ મદદ લેવી પડી હતી. આ અને આવા અનેક મુદ્દા સંદર્ભે પોલીસે કરેલી કામગીરીની વિગતવાર નોંધ અહીં પ્રગટ કરવામાં આવશે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular