નવજીવન ન્યૂઝ. રાજકોટ: સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell)ના દરોડા બાદ ફરી એક વખત શહેર પોલીસની કાર્યવાહી પર સવાલ પેદા થયા છે. રાજકોટ શહેર પોલીસની હદમાંથી ફરી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી હીરાસર જીઆઈડીસી પાસેથી દારૂ ભરેલી ટ્રકને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડી છે. આ દરોડમાં 600 પેટી કરતા વધારે માત્રામાં દારૂ જથ્થો ઝડપાયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે હવે આ દારૂનો જથ્થો કોને અને ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વની વાત છે કે 31 ડિસેમ્બર પહેલા જ રાજકોટના નવાગામ ખાતેથી સ્ટેટ મોનિટરીંગ સેલે નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ત્યારે સવાલ એ છે કે સ્ટેટ મોનિટરીંગને હાથ આટલો વિપુલ માત્રામાં દારુનો જથ્થો લાગે છે તો રાજકોટ પોલીસને ગોરખધંધાની કેમ ગંધ નથી આવતી?

રાજસ્થાન પાસિંગનો ટ્રક ઝડપાયો
ઘટનાની વિગત એવી છે કેક આજરોજ રાજકોટ શહેર પોલીસની હદમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી હીરાસર જીઆઈડીસી નજીક દારૂ ભરેલી ટ્રક પાર્ક હોવાની બાતમી મળતા આ દરોડો કરવામાં આવ્યો હતો. માહિતીના સ્થળે દરોડો કરી RJ-19-CG-7325 નંબરના ટ્રકની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો 800 પેટી કરતા વધારે હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારૂનો જથ્થો કબ્જે કરી સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દારૂ કોના દ્વારા મંગાવાયો હતો અને કોણે મોકલ્યો હતો તેનો કોયડો ઉકેલવા માટે હાલ પોલીસ મથામણ કરી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસની નજર બહાર આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે ઘુસી શકે તે પણ સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. વળી તાજેતરમાં જ નકલી દારૂનું ગોડાઉન પણ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હોય સ્થાનિક પોલીસની ભૂમિકા વધારે શંકાના ઘેરામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








