નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં BJP સાથે છેડો ફાડીને કૉંગ્રેસમાં ગયેલા આશિષ જોશીની પોલીસે પ્રોહિબિશન કેસમાં ધરપકડ (Vadodara Congress Corporator Arrested) કરી છે. વડોદરા મ્યુનિસિપલ કૉપૉરેશનના વૉર્ડ નં. 15ના કૉંગ્રેસના કૉપૉરેટર આશિષ જોષી સામે ચૂંટણી પહેલાં છોટા ઉદેપુરના સંખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં નામ ખોલવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, વડોદરાના હરણી બોટ કાંડ (Vadodara Harni Boat Tragedy) સમયે ભાજપમાં રહેલા આશિષ જોશીએ મૃતકના પરિવાર સાથે ઉભા રહ્યાં હતાં.
વડોદરાના કૉપૉરેટર આશિષ જોશી બુધવારે અમદાવાદ ખાતે હાજર હતા તે સમયે અચાનક જ રામોલ પોલીસે તેમની હદમાંથી તેમની અટકાયત (Ashish Joshi arrested) કરી હતી. બુધવારે રાતે આશિષ જોશીની સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં રામોલ પોલીસે અટકાયત કરી તેની ગણતરીની મિનિટોમાં છોટા ઉદેપુર જિલ્લાની પોલીસ દોડી આવી હતી અને તેમનો કબજો મેળવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે દારૂ ભરેલું વાહન પકડ્યું હતું અને સંખેડા પોલીસ સ્ટેશન (Sankheda Police Station) ખાતે નોંધાયેલા કેસમાં આશિષ જોશીનું નામ ખોલ્યું હતું. આશિષ જોશીએ દારૂ મગાવ્યો હોવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ધરપકડ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે (Hemang Raval Congress) ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ કાવતરા પાછળ ભાજપના ધારાસભ્ય અને તેમના મળતિયાઓનો હાથ છે.








