નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે દરેક પક્ષોના ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં પ્રચાર કરવા માટે લાગી ગયા છે. જેમ એક ઉમેદવાર કંઈક નિવેદન આપે છે અને બીજા પક્ષના નેતાઓએ આ નિવેદનને લઈને વિવાદ ઊભો કરે છે. આવું જ કંઈક થયું છે સિદ્ધપુરના નેતા ચંદનજી ઠાકોર (Chandanji Thakor) સાથે. તેમણે એક નિવેદન આપ્યું છે જેને લઈને હવે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પ્રતિક્રિયા આપતા મામલો ચર્ચામાં આવ્યો છે.
તાજેતરમાં સિદ્ધપુરમાં એક સભામાં કોંગ્રેસી નેતા ચંદનજી ઠાકોરે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યુ હતું કે, “ભારતને જો કોઈ બચાવી શકે તો તે લઘુમતી સમાજ જ બચાવી શકે.” તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને વીડિયો વાયરલ થતાં જ ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર રીત સર તૂટી પડ્યા હતા. જેમાં હવે ભુપેન્દ્ર પટેલ પણ મેદાને આવી ગયા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક ટ્વિટ કરી હતી જેમાં ચંદનજી ઠાકોરનો વીડિયો પોસ્ટ કરીને તેમણે લખ્યું હતું કે, “શરમજનક શબ્દો! હારના ડરથી કોંગ્રેસ ફરીથી લઘુમતી તુષ્ટિકરણનો આશરો લે છે. પરંતુ કોંગ્રેસે જાણવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટીને હારમાંથી કોઈ બચાવી શકશે નહીં.”
અત્રે ઉલ્લેખનીય છે કે નેતાઓ પોતાની સભામાં આવા નિવેદનો સમય અને સંજોગોને આધીન આપતા હોય છે. અને આવી જ રીતે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થતા રહે છે, આ વીડિયો એક સંબોધનનો માત્ર નાનકડો અંશ છે જેથી સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળે છે. પણ મતદારોને આવા મુદ્દા પ્રભાવિત કરશે કે કેમ તે જોવું રહ્યું.
જુઓ વાયરલ વીડિયો








