પ્રશાંત દયાળ (શિવા. ભાગ-31): કોરાનાનો (Coronavirus) પહેલો તબક્કો શરૂ થઈ ગયો. ડૉ. તુષાર પટેલે અમને તાકીદ કરી હતી કે, શિવાનીનું (Shivani Dayal) ખાસ ધ્યાન રાખજો. સારી બાબત હતી કે, અમે નવજીવન બ્લોકમાં રહેતાં હતાં એટલે ખુલ્લી જગ્યા હતી અને ઘર દૂર દૂર હતાં. સાથે નવજીવન બ્લોકમાં રહેનારા તમામે સામુહિક નિર્ણય લીધો હતો કે, બ્લોકના દરવાજા બહારની વ્યક્તિ માટે બંધ કરી દેવા અને અંદર રહેનારની અવર જવર નિયંત્રિત કરવી. આમ પહેલા તબક્કામાં અમે શિવાનીને બચાવી લેવામાં સફળ રહ્યાં. 2021નું વર્ષ શરૂ થયું, હવે થોડી રાહત હતી, કોરાનાના કેસ ઘટી રહ્યા હતા. સરકારી નિયંત્રણો પણ હળવા થયા હતા. આકાશ બૅંકની પરીક્ષા આપી રહ્યો હતો, તે પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. એ પરિણામની રાહ જોઈ રહ્યો હતો. બધું બરાબર છે; તેવો ખ્યાલ આવતાં શિવાનીએ કહ્યું, “આપણે ફરવા જઈશું!”
આઈની ઇચ્છા હતી એટલે આકાશ અને પ્રાર્થના તૈયાર થયાં. આકાશે કચ્છનાં (Kutch) માંડવીના એક રિસોર્ટમાં બુકિંગ કરાવી દીધું અને ફેબ્રુઆરી મહિનામાં અમે માંડવી ફરવા ગયાં. શિવાની ખૂબ ખુશ હતી. સવારે હું અને શિવાની દરિયાકિનારે ચાલવા જતાં હતાં. દરિયાની રેતીમાં ચાલી શિવાની થાકી જતી હતી. તે કહેતી, “બસ! હવે હું અહીંયાં બેઠી છું. તમે આગળ જાવ.”
તે અફાટ દરિયાને જોતી બેસી રહેતી હતી. અમારી પાંચ દિવસની ટૂર હતી. કચ્છમાં અમને ચાર દિવસ થયા હતા ત્યાં જ આકાશનું સ્ટેટ બૅંકનું રિઝલ્ટ આવ્યું. તેણે પરીક્ષા પાસ કરી હતી અને બીજા દિવસે અમદાવાદમાં તેનો મેડિકલ ટેસ્ટ હતો. આમ તો ફરવા જઈએ ત્યારે શિવાનીને કાયમ દિવસો ઓછા પડતા હતા. હવે એક દિવસ વહેલાં પાછા ફરવું પડે તેમ હતું. મને હતું કે, શિવાની ચોક્કસ નારાજ થશે. આકાશે કહ્યું, “આપણે અમદાવાદ નીકળવું પડશે.”
ત્યારે મેં શિવાની સામે જોયું. તેણે કહ્યું, “હા, નીકળીશું જ. તારી નોકરીનો સવાલ છે. ફરવા તો આપણે ફરી પણ આવીશું.”
અમે એક દિવસ વહેલો પ્રવાસ ટુંકાવી અમદાવાદ પરત ફર્યાં. આકાશને સ્ટેટ બૅંકમાં આસિસ્ટન્ટ મૅનેજર તરીકે નોકરી મળી તેનો સૌથી વધુ આનંદ શિવાનીને હતો. તે ઘણીવાર કહેતી, “તને એકડો લખતા મેં શીખવાડ્યો. એકડો શીખવા માટે તે મારો ખૂબ માર ખાધો છે.”
ખરેખર, આકાશ અને પ્રાર્થનાનાં શિક્ષણમાં મેં ક્યારેય રસ લીધો જ નહોતો. આ જવાબદારી શિવાનીએ જ ઉપાડી હતી. બંને બાળકોનાં શિક્ષણ તરફ મારું દુર્લક્ષ એટલે સુધી હતું કે… કોઈ મને પૂછે કે, બાળકો કયાં ધોરણમાં ભણે છે? તો પણ મારે યાદ કરવું પડતું હતું. ખાસ કરી હું જ્યારે આકાશ અને પ્રાર્થનની ફી ભરવા માટે સ્કૂલે જવું અને સ્કૂલનો ક્લાર્ક મને પૂછે, કયાં ધોરણની ફી ભરવાની છે? ત્યારે હું મુંઝાઈ જતો અને ત્યાંથી શિવાનીને ફોન કરી પુછતો; પ્રાર્થના કયાં ધોરણમાં છે? પ્રાર્થનાને મારી આ વાતનો ખૂબ ગુસ્સો આવતો. તે કહેતી, “બાબા! તમને તો હું કયાં ધોરણમાં ભણું છું તે પણ યાદ રહેતું નથી!”
આમ મારા જીવનની કેટલીય બાબત હતી, જે શિવાનીએ સંભાળી. તેનાં કારણે મને તેની પાછળ થતી મહેનત ક્યારેય સમજાઈ જ નહીં. 2021નો એપ્રિલ મહિનો હતો. આકાશે સ્ટેટ બૅંક જોઇન કરી લીધી હતી. શિવાનીને ફેફસાંની જે બીમારી હતી, તેનાં કારણે ઘરમાં કોઈ પરફ્યૂમ છાંટે તો પણ તેને તકલીફ થતી હતી એટલે આકાશ અને પ્રાર્થનાને ટેવ હતી કે, બહાર જતી વખતે તેઓ પરફ્યૂમની બોટલ લઈ નીકળે અને ઘરના દરવાજા બહાર પરફ્યૂમ છાંટે. તે દિવસે પણ એવું જ થયું. આકાશ બૅંકમાં જવા નીકળ્યો. ઘરની બહાર ગયો, પરફ્યૂમ છાંટ્યું, પછી તે થોડીવાર દરવાજા પાસે ઊભો રહ્યો, તે પાછો ઘરમાં આવ્યો, તેણે બે ત્રણ વખત ઊંડો શ્વાસ લીધો. મેં પુછ્યું, “શું થયું?”
તેણે કહ્યું, “બાબા! મને કોઈ સ્મેલ આવતી નથી.”
મને લાગ્યું કે આકાશ મજાક કરી રહ્યો છે. કોરાનામાં ઘણા દર્દી સુંઘવાની શક્તિ ગુમાવી દેતા હતા. આ પણ કોરાનાનું એક લક્ષણ હતું. તેણે મને કહ્યું, “બાબા! ખરેખર કહું છું. મને પરફ્યૂમની સ્મેલ આવી રહી નથી.”
મને અને શિવાનીને ફાળ પડી. આકાશ તરત પોતાના રૂમમાં જતો રહ્યો. તેણે કપડાં બદલ્યાં અને અમારાંથી દૂર જઈ બેઠો. શિવાનીને ચિંતા થવા લાગી. પહેલાં તો આકાશ કોરોનાગ્રસ્ત થયો તેની ચિંતા હતી. બીજી, ઘરમાં જ કોરોના આવી ગયો એટલે શિવાનીને કોરાના થવાની શક્યતા એકદમ વધી ગઈ હતી. શિવાનીએ મને કહ્યું, “આકાશને આપણે પત્રકાર કોલોની મોકલી દઈએ.”
હજી અમારી પાસે પત્રકાર કોલોનીનો ફ્લેટ ખાલી હતો. વેચ્યો પણ નહોતો અને ભાડે પણ આપ્યો નહોતો. મને શિવાનીનો વિચાર સાચો લાગ્યો, આકાશને ત્યાં શિફ્ટ કરવો જોઈએ. હું પત્રકાર કોલોની પહોંચ્યો. ફ્લેટ બંધ હોવાને કારણે તેની સફાઈ કરાવવાની હતી. મેં સફાઈ તો કરાવી લીધી પણ મને પછી વિચાર આવ્યો, આકાશ એકલો અહીંયાં રહેશે તો તેની એક એક બાબત માટે મારે અહીંયાં આવવું પડશે. નવજીવન બ્લોક અને પત્રકાર કોલોની વચ્ચેનું અંતર લગભગ બે–અઢી કિલોમીટર હતું. આમ દિવસમાં જમવાની વ્યવસ્થા સહિત કેટલી બધી બાબત માટે ફ્લેટ ઉપર આવવું પડશે? તેવો મેં વિચાર કર્યો. આ દરમિયાન આકાશના ટેસ્ટ માટે મેં લેબમાં ફોન કર્યો હતો. તેનું સેમ્પલ લેવાઈ ગયું હતું. હું ફ્લેટ સાફ કરાવી નવજીવન પાછો આવ્યો. મેં શિવાનીને કહ્યું, “એકલા આકાશને ફ્લેટ ઉપર રાખવો મને વાજબી લાગતું નથી. એક તો મારા ધક્કા વધી જશે અને તેને કોઈ તકલીફ પડી તો આપણને ખબર પડશે નહીં.”
પહેલાં ડરી ગયેલી શિવાની તૈયાર નહોતી પણ તે મા હતી! પોતાના દીકરાનો સવાલ હતો. તેણે કહ્યું, “કંઈ વાંધો નહીં. ભલે આપણી સાથે રહે.”
આકાશને તેના રૂમમાં અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આકાશ અમારાં ઘરમાં પહેલો કોરાનાનો દર્દી હતો. આકાશને કોરોના થયો તેના બીજા દિવસે હું આકાશની દવા લેવા મેડિકલ સ્ટોરની લાઈનમાં ઊભો હતો. મારા હાથ પગ તૂટી રહ્યા હતા. ઘરે આવી મને પણ શંકા થવા લાગી, ક્યાંક મને તો તકલીફ નથી ને? મેં મારો ટેસ્ટ કરાવ્યો. મારો રિપોર્ટ આવ્યો, હું પણ કોરાનાગ્રસ્ત હતો. શિવાની ખૂબ ડરી ગઈ, પણ હવે શું કરવું? હું પણ આકાશના રુમમાં શિફ્ટ થઈ ગયો. આકાશ બેડ ઉપર ને મારી પથારી જમીન ઉપર કરી દેવામાં આવી.
શિવાની પોતાની નાજુક સ્થિતિમાં મારું અને આકાશનું ધ્યાન રાખતી હતી. મને કોરાનો થયો તેના બીજા દિવસે પ્રાર્થનાએ ફરિયાદ કરી કે, મને તાવ જેવું લાગે છે. તરત તેનો પણ ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ આવ્યો. પ્રાર્થના પણ કોરાનાની ઝપેટમાં આવી ગઈ હતી. આમ અમારાં ઘરમાં શિવાની સિવાય બધાં કોરાનામાં સપડાઈ ગયાં. મને શિવાનીની ખૂબ ચિંતા થતી હતી. હું અને આકાશ એક રૂમમાં હતા અને પ્રાર્થના તેના રૂમમાં હતી. શિવાની અમારા રૂમના દરવાજા પાસે પાણી અને જમવાનું મૂકી પાછી ફરી જતી હતી. આમ શિવાનીએ એકલા હાથે આ જંગ લડવાની હતી અને તેણે મોરચો સંભાળી લીધો હતો.
પાંચ દિવસ થતાં આકાશ નોર્મલ થવા લાગ્યો. તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો. ત્યાર પછી પાંચ દિવસે પ્રાર્થના પણ નેગેટિવ થઈ પણ મારી સ્થિતિ દિવસને દિવસે વધુ બગડી રહી હતી. હું પત્રકાર હતો, ડૉકટરોને સતત ફોન કરતો હતો; પણ બીજા તબક્કાની સ્થિતિ એટલી ખરાબ હતી કે, ડૉકટરો પણ મારો ફોન લેતા નહોતા. મારો તાવ ઊતરતો જ નહોતો અને મારું વજન રોજનું એક કિલો ઉતરી રહ્યું હતું. તે દિવસોમાં મને જોઈ શિવાની ખૂબ રડતી હતી. તેને એકલા પડી જવાનો ડર લાગતો હતો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796