કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘ઇંગ્લૅન્ડ (England) સામે સ્વાતંત્ર્યયુદ્ધ શરૂ કરતી વખતે ૧૭૭૬ની સાલમાં, અમેરિકાના રાષ્ટ્રવિધાયકોએ સ્વતંત્રતાની ઘોષણા કરતું બહાર પાડેલું ઐતિહાસિક સ્વતંત્રતાનું જાહેરનામું, કેવળ યુનાઇટેડ સ્ટેટ્સની (United States) પ્રજાનો જ નહીં, સમગ્ર માનવજાતની સ્વતંત્રતાનો હકપટો છે, એમ અબ્રાહમ લિંકન (Abraham Lincoln) શ્રદ્ધાપૂર્વક માનતો હતો. લિંકનની રાજકીય ફિલસૂફીનું મૂળ પણ ઘણે અંશે એ દસ્તાવેજમાં રહેલું છે. ૧૮૫૮ના ઑગસ્ટ માસમાં એક સભાને સંબોધતાં, અમેરિકાના સ્વતંત્રતાના જાહેરનામાના એ મશહૂર દસ્તાવેજની તથા તેમાં અંતર્ગત કરવામાં આવેલાં, “ઈશ્વરે માનવમાત્રને સમાન સરજ્યા છે” તથા “જીવન, સ્વતંત્રતા અને સુખની પ્રાપ્તિ માટેનો પ્રયાસ, માનવમાત્રના જન્મસિદ્ધ હકો છે,”’ – અમેરિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે, તેનાથી તદ્દન વિપરીત અમેરિકાનું નિર્માણ થયું હતું. આ વિશે મણિભાઈ દેસાઈ લિખિત પુસ્તક ‘ઍબ્રહામ લિંકન’માં વિગતે મુદ્દા લખવામાં આવ્યા છે. અમેરિકાના નિર્માણ સાથે જ તે સપનાંનો દેશ બન્યો અને યુરોપ સહિત દુનિયાભરના લોકો ત્યાં પોતાના સપનાં સાકાર કરવા પહોંચ્યા. અવસરના આ દેશમાં દૂરદૂરના ભાવિ પેઢીનો વિચાર કરવામાં આવ્યો હતો. ભેદની તેમાં વાત નહોતી અને સમાન વ્યવહારનું વચન હતું. આ વિશે એ સભામાં આગળ સભાને ઐતિહાસિક સ્વતંત્રતાના જાહેરનામાની મૂલવણી કરતા લિંકન કહે છે : “સરજનહારે નિર્માણ કરેલાં પ્રાણીઓ પ્રત્યેની, તેની ન્યાયપરાયણતા વિશેની, તેમની (સ્વતંત્રતાનું જાહેરનામું ઘડનારાઓની) આવી ઉદાત્ત, આવી શાણી અને આવી ઉમદા સમજ હતી. હા, ગૃહસ્થો, તેણે સરજેલાં સઘળાં પ્રાણીઓ પ્રત્યેની, સમગ્ર માનવકુળ પ્રત્યેની. … એ સમયે વિદ્યમાન સમગ્ર માનવજાતને તેમણે આવરી લીધી હતી, એટલું જ નહીં, તેમણે ભવિષ્યનો પણ વિચાર કર્યો હતો અને દૂર દૂરની ભાવિ પેઢીઓને સુધ્ધાં, તેમણે આવરી લીધી હતી. … તેઓ શાણા રાજપુરુષો હતા અને તેથી તેમણે સ્વયંસિદ્ધ સત્યો સ્થાપિત કર્યાં, જેથી કરીને દૂરના ભવિષ્યમાં કોઈ વ્યક્તિ, કોઈ જૂથ, કોઈ હિત, એવો સિદ્ધાંત સ્થાપિત કરે કે, એકમાત્ર ધનિકો સિવાય, અથવા એકમાત્ર ગોરા માણસો સિવાય, બીજા કોઈ પણ જીવન, સ્વતંત્રતા તથા સુખની પ્રાપ્તિ માટેના પ્રયાસના હકદાર નથી, તો તેમની ભાવિ પેઢી, સ્વતંત્રતાના જાહેરનામાના દસ્તાવેજ તરફ પોતાની નજર ફરીથી લંબાવશે અને તેમના વડવાઓએ આરંભેલી લડત, નવેસરથી ઉપાડવાને હિંમત ધારણ કરશે. … કોઈ પણ વ્યક્તિની સફળતાનો પ્રત્યેક ક્ષુલ્લક અને નજીવો વિચાર તજી દેવાને હું તમને વીનવું છું. એનું કશું જ મહત્ત્વ નથી; મારું કશું જ મહત્ત્વ નથી, જજ ડગ્લાસ[ઍબ્રાહમ લિંકન સામે ચૂંટણી લડનારા]નું કશું જ મહત્ત્વ નથી. પરંતુ કૃપા કરીને માનવતાના એ અમર પ્રતીકનો — અમેરિકાના સ્વતંત્રતાના જાહેરનામાનો નાશ કરશો નહીં.”

જોકે હવેના સત્તાધીશો ઉદ્દાત ભાવનાથી જન્મેલા રાષ્ટ્રોના બંધારણ અને ખ્યાલને ઘોળીને પી જાય છે અને પોતાની સંકુચિત માનસિકતાથી વર્તે છે. અત્યારે શક્તિશાળી દેખાતા તમામ દેશો આ રીતે વર્તી રહ્યા છે. અમેરિકાની સરકારની વિષિષ્ટતા વિશે એ સભામાં લિંકને કહ્યું હતું કે, “ઘણીખરી સરકારો, મનુષ્યોના સમાન હકોના લગભગ ઇનકારના પાયા પર રચાયેલી હોય છે; આપણી સરકાર એ હકોનો સ્વીકાર કરીને આરંભાઈ છે. કેટલાક માણસો એટલા બધા અજ્ઞાન અને દૂષિત હોય છે કે, સરકારમાં ભાગ લેવા જેટલા યોગ્ય તેઓ હોતા નથી, એવું તેમનું કહેવું હતું. આપણે કહ્યું, બનવાજોગ છે, અને તમારી પદ્ધતિ દ્વારા તમે તેમને સદા અજ્ઞાન અને દૂષિત જ રાખવાના. સૌને તક આપવા આપણે વિચાર્યું, અને દુર્બળ સબળ બને, અજ્ઞાન શાણા અને જ્ઞાનવાન બને, તથા સૌ સાથે મળીને વધારે સારા અને વધારે સુખી થાય, એવી અપેક્ષા આપણે રાખી. આપણે એ પ્રયોગ કર્યો અને તેનાં ફળો આપણી સમક્ષ મોજૂદ છે. એના તરફ નજર કરો અને વિચારો.” આગળ તેઓ કહે છે કે, “કોઈ પણ વિષય અંગેના લોકમતમાં એક કેન્દ્રવર્તી વિચાર રહેલો હોય છે, અને બીજા બધા ગૌણ વિચારો તેમાંથી ઉદ્ભવે છે. માનવમાત્રની સમાનતા, આ આપણા લોકમતનો આરંભમાં કેન્દ્રવર્તી વિચાર હતો અને છેક અત્યાર સુધી તે ચાલુ રહ્યો છે; અને વહેવારની દૃષ્ટિથી જે કંઈ અસમાનતા આવશ્યક લાગી તેને તેણે હંમેશાં ધીરજપૂર્વક નભાવી લીધી છે એ ખરું, પરંતુ માણસમાત્રની એકતાના ધ્યેયની દિશામાં આગળ ને આગળ વધવાનો તેનો સતત અને એકધારો પ્રયાસ ચાલુ રહ્યો છે.”
રાષ્ટ્રના આગેવાન માનવીય ઉદ્દાત્ત ભાવના જાણે-સમજે અને તે રીતે અનુસરે તે વર્તમાન વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે છે. એના અનેક ઉદાહરણો આપણી પાસે મોજૂદ છે. યુક્રેન પર રશિયાએ હૂમલો કર્યો અને તે યુદ્ધ આજ દિન સુધી ચાલુ છે. તેમાં અનેક લોકો ખુંવાર થયા તેમ છતાં રશિયાના પ્રમુખ બ્લાદિમિર પુતિનની સત્તાને કોઈ નુકસાન થયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પર તો બે વખત મહાભિયોગની કાર્યવાહી થઈ હતી. તેમ છતાં તેઓ બીજી વાર પ્રમુખ બન્યા અને હવે તેમનું મુખ્ય સ્લોગન છે : ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’. અમેરિકાને મહાન દેશ બનાવવાના સપના બતાવીને પ્રમુખ ટ્રમ્પે જે કાર્યવાહી સૌપ્રથમ આરંભી તેમાં અમેરિકાનું ઐતિહાસિક સ્વતંત્રતાના જાહેરનામાનો છેદ ઊડી રહ્યો છે.
ઍબ્રહામ લિંકન સ્વતંત્રતાના જાહેરનામાની ભાવના યોગ્ય રીતે સમજ્યા હતા અને તેમણે તેની વિસ્તારથી મૂલવણી કરી છે. તેઓ ચેતવણી આપતા કહે છે કે જ્યારે સમાનતાનો સિદ્ધાંત કોઈ રાષ્ટ્ર ત્યજી દે તો તેનું માઠું પરિણામ આવે છે. તે વિશે કહે છે કે, “માણસમાત્ર સ્વતંત્ર અને સમાન જન્મ્યા છે એવો આપણા રાષ્ટ્રવિધાયકોનો સિદ્ધાંત આપણે એક વાર તજી દઈએ અને હબસીઓ તથા ગોરાઓ સમાન નથી એવું આપણે જાહેર કરીએ, તો બીજું પગથિયું, સઘળા ગોરાઓ સમાન નથી એવું જાહેર કરવાનું આવશે,… તો પછી એમાં તેની સંમતિ હોય તે સિવાય, બીજાને હુકમ આપવાનો કોઈને પણ અધિકાર નથી, એવા આપણા રાજબંધારણના સિદ્ધાંતનું શું થશે?…”
લેખક મણિભાઈ દેસાઈએ લિંકનના વિચારો સાથે તેમના ગુણોને પણ એક સ્થાને વર્ણવતા લખ્યું છે કે, “માનવમાત્રની સમાનતાનો આવો ઉત્કટ ઉપાસક અને હિમાયતી લિંકન, સ્વાભાવિક રીતે જ ગુલામીને માનવી પરના એક અતિશય ક્રૂર, અધમ તથા અમાનુષી અત્યાચાર તરીકે લેખતો હતો, અને ગુલામોની દુર્દશા નિહાળીને નામોશી અનુભવતો હતો; તથા તેનો આત્મા કકળી ઊઠતો હતો. વળી ગુલામીને તે માનવી પરના ઘોર અને અક્ષમ્ય અન્યાય તરીકે પણ લેખતો હતો. તે હંમેશાં કહેતો કે, ગુલામી અન્યાયયુક્ત ન હોય તો દુનિયામાં બીજું કશું અન્યાયયુક્ત નથી. ગુલામીનું સમર્થન કરનારા તથા એ સારી વસ્તુ છે એમ કહેનારા લોકોને વિશે તે કહે છેૹ “ગુલામી બહુ સારી વસ્તુ છે એ પુરવાર કરવાને ઢગલાબંધ પુસ્તકો લખાયાં છે, પરંતુ પોતે ગુલામ બનીને એ સારી વસ્તુનો આસ્વાદ લેવાની ઇચ્છા રાખતો હોય એવો માણસ કદી પણ આપણા જાણવામાં આવ્યો નથી.”
અમેરિકામાં તે કાળે ગુલામીનું દૂષણ પ્રવેશ્યું હતું અને તે અંગે તેમણે પોતાના પરમ મિત્ર સ્પીડને એક પત્ર લિંકને લખ્યો હતો, જેમાં તેમણે ગુલામી વિરોધમાં આકરાં શબ્દો લખ્યા હતા. લિંકન પત્રમાં લખે છે : “હું ગુલામીને ધિક્કારું છું, એ તમે જાણો જ છો. ગુલામી અન્યાયી છે, એ તત્ત્વતઃ તમે પણ કબૂલ કરો છો. એટલે સુધી તો મતભેદ માટે કશો અવકાશ નથી. પણ તમે કહો છો કે, ખાસ કરીને જેમનું હિત એમાં રહેલું નથી, એવા લોકોના કહેવાથી, તમારા કાયદેસરના હકો તમે ગુલામોને સુપરત કરો એના કરતાં તો સંઘરાજ્યનું વિસર્જન થયેલું જોવાને તમે ઇચ્છો. તમારો એ હક જતો કરવાનું તમને કોઈ કહેતું હોય, એની મને જાણ નથી, હું તો તમને ખસૂસ એમ નથી કહેતો. એ બિચારાં રંક પ્રાણીઓનો પીછો પકડી, તેમને પરહેજ કરી, તેમને સાંકળથી જકડી, ચાબુકમાર અને કાળી મજૂરીના તેમના મૂળ સ્થળે તેમને પાછા લઈ જવામાં આવે, એ જોઈને મને ધિક્કાર છૂટે છે, એ મારે કબૂલ કરવું જોઈએ. પરંતુ મારી જીભ કરડીને હું મૂંગો રહું છું. ૧૮૪૧ની સાલમાં આપણે બંનેએ લૂઈવિલેથી સેન્ટ લૂઈ સુધી આગબોટમાં સાથે પ્રવાસ કર્યો હતો. સાંકળોથી એકસાથે જકડવામાં આવેલા, દશ કે બાર ગુલામો, લૂઈવિલેથી ઓહાયો નદીના મુખ સુધી આગબોટ પર આપણી સાથે હતા એ તમને યાદ હશે; મને પણ યાદ છે. એ દૃશ્ય મને સદા સંતાપતું રહ્યું છે; અને ઓહાયો નદી પર અથવા ગુલામીયુક્ત રાજ્યની સરહદ પર જ્યારે પણ હું જાઉં છું, એ હરેક પ્રસંગે, એવું જ કંઈક મારા જોવામાં આવે છે જે વસ્તુ મને નિરંતર દુઃખી દુઃખી કરી મૂકવાની શક્તિ ધરાવે છે, એમાં મારું કશું હિત રહેલું નથી, એમ માનીને તમે ચાલો, એ તમારે માટે યોગ્ય નથી. ગુલામીને વિસ્તારવાનો હું અવશ્ય વિરોધ કરું છું, કેમ કે મારી બુદ્ધિ અને મારી લાગણી એમ કરવાને મને પ્રેરે છે, અને એથી બીજું કરવાની કશી ફરજ નીચે હું નથી.”
આવું અમેરિકામાં જ નહીં, આપણા દેશમાં પણ બંધારણમાં દર્શાવેલી ઉદ્દાત ભાવનાનો ભંગ થઈ રહ્યો છે અને તેમાં તત્કાલ લોકોને જે લાભ દેખાય છે તે લાંબા ગાળા માટે તેમનું જ નુકસાન છે. ઇતિહાસ તેનો સાક્ષી છે કે આવી પ્રજા આ લાભમાં ફસાય છે પછી તેને પાછી વળતા સદીઓ નીકળી જાય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796