નવજીવન ન્યૂઝ, વડોદરા : 12 જૂન 2026થી શરૂ થનારા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 (Women’s T20 World Cup 2026) માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ફરી એકવાર હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) પર પસંદગીકારોએ વિશ્વાસ મૂકી તેને ટીમનું નેતૃત્વ સોંપ્યું છે. આ વર્લ્ડ કપમાં વડોદરાની બે ખેલાડીઓની પસંદગી થઈ છે.
ભારતીય ટીમમાં વડોદરાની સ્ટાર સ્પિનર રાધા યાદવ (Radha Yadav cricketer Vadodara) અને વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટિયા (Yastika Bhatia Wicketkeeper Vadodara) ને સ્થાન મળ્યું છે. રાધા યાદવ પોતાની ધારદાર બોલિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતા માટે જાણીતા છે. બીજી તરફ યાસ્તિકા ભાટિયાએ ઈજા બાદ શાનદાર કમબેક કરીને ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની ધરતી પર રમાનારી ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ 5 જુલાઈના રોજ રમાશે. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપ બાદ હવે T20 ફોર્મેટમાં પણ વિશ્વ વિજેતા બનવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરાણી, યાસ્તિકા ભાટિયા (સેકન્ડ વિકેટકીપર), નંદિની શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાન્તિ ગૌડા શ્રેયંકા પાટિલ અને રાધા યાદવનો સમાવેશ કરાયો છે.








