કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): એક સમહ હતો જ્યારે કોઈ પણ કામ કરવાની પદ્ધતિ વર્ષોના વર્ષો ટકી રહેતી. હાલના સમયમાં એવું નથી. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને તે પ્રમાણે કાર્યપદ્ધતિ બદલાય છે. આગામી સમયમાં કાર્યપદ્ધતિના આ બદલાવ કેવા આવશે અને કામ કરનારાએ તેની સાથે કેવી રીતે અનુકૂળતા સાધવી પડશે? કામ કરવાના સ્થળ, તેના નિયમો અને કર્મચારીઓને તેમાં મળતી છૂટછાટ કેવી હશે? કાર્યપદ્ધતિના સંબંધિત આવાં અનેક પ્રશ્નોના જવાબ શોધવાનું કાર્ય ચંદ્રશેખર શ્રીપદાએ કર્યું છે. ચંદ્રશેખર શ્રીપદા મોહાલી અને હૈદરાબાદ ખાતે આવેલી ‘ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ’ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ઝ્યુકેટિવ ડિરેક્ટર છે. તેમણે દેશના વર્કકલ્ચર અને ભવિષ્યના વર્કકલ્ચર ઊંડાણથી અભ્યાસ કર્યો છે. આ અભ્યાસના પરિણામે તેમનું સંશોધન ‘શેપિંગ ધ ફ્યૂચર ઑફ વર્ક’ પુસ્તક સ્વરૂપે આવ્યું છે. આ પુસ્તક આમ તો એકેડેમિક છે, પરંતુ તેમાં દર્શાવેલા કેટલાંક આંકડા અને ભવિષ્યમાં કાર્યશૈલીમાં આવી રહેલાં બદલાવને ધ્યાને લેવા જોઈએ, જેથી આ બદલાવ આવે ત્યારે તેની વિપરીત અસરને શક્ય એટલી ખાળી શકાય.
હાલમાં ચીનને પાછળ મૂકીને આપણો દેશ વસતીને દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યો અને આપણી વસતી 142 કરોડ સુધી પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્રના અભ્યાસ મુજબ ભારતની વસતી 2050 સુધી વધતી રહેશે. અને એ રીતે ભારતમાં સિત્તેર ટકા જેટલો વર્ગ કામ કરવા સક્ષમ હશે. આ વર્ગમાં 15થી 64 સુધીની ઉંમરના વ્યક્તિનો સમાવેશ થાય છે. ઉપરાંત, આવનારા દાયકામાં આપણી સરેરાશ ઉંમર 34ની આસપાસ હશે, જેના કારણે કામ બાબતે એક આખી નવી વ્યવસ્થા ગોઠવવાની થશે. દેશની વસતીના આ આંકડા ભવિષ્યમાં સ્વાસ્થ્યસેવાઓ અને અન્ય સુખાકારી યોજના પર પણ ભારણ લાવશે. જોકે તેમાં અવસર પણ શોધી શકાય. આ બધું જ ઝડપથી બદલાઈ રહ્યું છે; તેનું એક કારણ ‘મિલેનિયલ્સ’ અને ‘જનરેશન ઝેડ’ છે. આ બંને જેમાં ‘મિલેનિયલ્સ’ – વીસમી સદીના અંતમાં જન્મી અને ‘જનરેશન ઝેડ’ – વર્તમાન સદીના શરૂઆતમાં જન્મી છે. આ જનરેશન પાસે સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ છે અને આનાથી તેમને પોતાના વિચાર રજૂ કરવા અંગે, લોકો પર અસર પાડવા વિશે અને શાસકોને સવાલ કરવાની શક્તિ મળી છે. આ જનરેશન વર્તમાન સમયે વિશ્વભરમાં માન્યતા, વલણ અને મૂલ્યોના બદલવાને લઈને મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણે વેપાર પણ તેની અસર થશે. ગ્રાહકથી માંડિને નોકરીયાત વર્ગ સુધી. આ બાબતે અન્ય એક અભ્યાસમાં એ વિગત પ્રકાશમાં આવી છે કે; નવી પેઢી પોતાના જાતના ભોગે કાર્યનિષ્ઠા દાખવવામાં જરાય રસ નથી. એક જ જગ્યાએ કામ કરવાના ઠેકાણાંનો વિચાર પણ કોરાણે મૂકાઈ રહ્યો છે. માઇક્રોસોફ્ટ કંપની દ્વારા રજૂ થયેલાં વાર્ષિક અહેવાલ કહે છે કે, ‘જનરેશન-ઝેડ’ની અડધોઅડધ પેઢી પોતાના કામ કરતા સ્વાસ્થ્ય અને સ્વસ્થ્ય જીવનશૈલીને વધુ મહત્ત્વ આપે છે. એ પ્રમાણે જાણીતી કંપની ‘લિન્કડેન’નો અહેવાલ પણ એવું કહે છે વર્તમાન પેઢી વૈવિધ્યભરના કાર્યસ્થળને મહત્ત્વનું ગણે છે અને સૌથી પ્રતિભાશાળી આવાં સ્થળે જવાનું પસંદ કરે છે. કાર્યનિષ્ઠાના માપદંડ બદલાયા છે તેનું કારણ જે માહોલમાં વર્તમાન પેઢી ઉછરી, તે છે. હાલના યુવાનો માટે આર્થિક સદ્ધરતા અગત્યની બાબત છે, પણ તેની સાથે વર્ક-લાઇફ બેલેન્સ, સાનુકૂળ કામના કલાકો અને તદ્ઉપરાંત અન્ય લાભોને પણ તેઓ આવશ્યક માને છે.
ચંદ્રશેખર શ્રીપદાને ભવિષ્યમાં દેશની કાર્યપદ્ધતિ અંગે અભ્યાસ કરવાનો વિચાર કોરોનાકાળ પછી આવ્યો, જે દરમિયાન કોર્પોરેટ કંપનીઓ અને અન્ય કેટલાંક ઉદ્યોગોમાં કામ કરવાની પદ્ધતિ ધરમૂળથી બદલાઈ ગઈ. પુસ્તકમાં ચંદ્રશેખરે કોઈ આદર્શવાદી વાત કરી નથી, બલકે દેશમાં જે વ્યવહારું રીતે અમલ થઈ શકે તે ચિત્ર મૂકી આપ્યું છે. દેશમાં મલ્ટિનેશનલ સ્કીલ અને પ્રતિભા અર્થે -એનઆઈઆઈટી-કંપની સ્થાપનારા રાજેન્દ્ર પવારને તો ચંદ્રશેખરના આ પુસ્તકમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ગાંધીવિચાર કેવી રીતે લાગુ થઈ શકે તે પણ દેખાય છે. રાજેન્દ્ર પવાર આવું કહ્યું છે તેનું એક કારણ ચંદ્રશેખર પ્રથમ પ્રકરણમાં શરૂઆતમાં ટાંકેલા બ્રિટિશ અર્થશાસ્ત્રી ઇ. એફ. શુમાકરના વિચાર છે. તે વિચાર આ પ્રમાણે છે : “આધુનિક યુગની બદીમાં આપણે શહેર અને ગ્રામ્ય વિસ્તારનું અસંતુલન જોઈએ છીએ. આ અસંતુલન સમૃદ્ધિ, સત્તા, સંસ્કૃતિ, આકર્ષણ અને આશા સંદર્ભે જોવા મળે છે. પૂર્વેના લોકોએ આ અંતુલનને તરફ ધ્યાન ન આપ્યું અને પછી તો તેને ભુલાવી દેવામાં આવ્યું. જો શહેર અને ગ્રામ્ય વિસ્તારના સંતુલનને ફરી કાયમ કરવું હોય તો આધુનિક યુગના માનવી સામે સંભવત્ તે સૌથી મોટો પડકાર છે.” ચંદ્રશેખર પુસ્તકમાં મુખ્યત્વે ત્રણ બાબતો પર પોતાનો અભ્યાસ કેન્દ્રિત રાખ્યો છે. એક – લોકો, સંસ્થા અને કામ પર ડિજિટલ ટેક્નોલોજીની અસર. બીજું, આવનારા સમયમાં અંતરિયાળ અથવા તો નવા ઊભા કરલાં કાર્યસ્થળો પર કામ કરવાની સાનુકૂળતા કેટલી હશે અને કેમ. ત્રીજું, ઝડપથી બદલાઈ રહેલા સમયમાં કાર્ય આયોજન સંદર્ભે નવી કાર્યશૈલી સ્વીકારવાની સાનુકૂળતા અને ગ્રામિણ સ્તરે વધુ ને વધુ રોજગારી તકો નિર્માણની શક્યતા.
ચંદ્રશેખર પોતાનો રોડમેપ મૂકીને અત્યાર સુધી જે કાર્યો થયા છે તેની પણ નોંધ તેઓ કરે છે. જેમ કે, તેઓ વિકાસમાં વધુને વધુ લોકોને સમાવવાની વાત કરે છે, જેમાં વિશેષ કરીને ગ્રામિણ લોકોને. આ અંગે તેઓ જનધન યોજનાનો સંદર્ભ ટાંકે છે. તેઓ લખે છે કે દેશમાં આજે 80 ટકા લોકો પાસે બેન્ક અકાઉન્ટ છે. બેન્ક અકાઉન્ટ હોવાના કારણે આ તમામ લોકોના ખાતામાં સીધા જ નાણાં જમા કરી શકાય છે. 2013થી આ રીતે હવે સીધા જ બેન્કમાં નાણાં જાય છે અને તેથી વચેટિયાઓ ક્યાંય રહ્યા નથી. દેશનું ગુલાબી ચિત્ર તેઓ મૂકે છે સાથે સાથે કેટલીક કડવી વાસ્તવિકતા તેમણે આંકડા દ્વારા મૂકી આપી છે. તેઓ લખે છે : “વર્ષ 2023 મુજબ દેશમાં કાર્યક્ષમ ઉંમર ધરાવનારા વસતીની સંખ્યા 95 કરોડને આસપાસ છે, 2030 સુધી તે વધીને એક અબજ અને ચાર કરોડને આંબી જશે. બીજી તરફ લેબર-ફોર્સ પાર્ટીસિપેશન રેટ[એલએફપીઆર] મતલબ કે જેઓને કામમાં સહભાગી થવું છે, તેની સંખ્યા 50 કરોડની આસપાસ છે. બાકીના કામમાં સહભાગી થવા ઇચ્છતા નથી. મતલબ કે વર્કિંગ એજ વસતીમાંથી અડધોઅડધ લોકોને ધોરણસરના કામમાંથી બાકાત રહેશે. આ ડરાવનારું ચિત્ર છે. દેશમાં આ ભયંકર વિરોધાભાસ છે. એક તરફ કામ મુજબ યોગ્ય પ્રતિભાશાળી લોકો મળતા નથી, અને બીજી તરફ અનેક યુવાનો કામની શોધમાં છે. ચંદ્રશેખર આને ‘વ્યવસ્થાકિય નિષ્ફળતા’ ગણાવે છે. આ થવાનું કારણ શિક્ષણ અને કૌશલ્યનું અંતર છે, કૌશલ્ય અને રોજગારીનું અંતર છે. ઉપરાંત, રોજગારી અને લાયકાત મુજબ યોગ્ય કામ મેળવવાનું અંતર છે. આ માટે સરકારે ‘નેશનલ એજ્યુકેશન પોલીસી -2020’માં કૌશલ્યને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. પરંતુ તેમ છતાં ઘણું કામ બાકી છે. તેમાં મુખ્યત્વે તો તમામ માટે ધોરણસરનું કામ અને સમાન તક છે. ચંદ્રશેખરનું માનવું છે કે ભારતમાં આ પડકારને પહોંચી વળવો મુશ્કેલ છે. તેમણે આવું ન થાય તે માટે કેટલાંક ઉકેલ સૂચવ્યા છે. જેમ કે તેઓ લખે છે કે હવે કામ માત્ર શહેર કેન્દ્રી ન હોવું જોઈએ. કંપનીઓ જો માત્ર શહેરના, અંગ્રેજી બોલી શકતા અને સારી શાળામાં અભ્યાસ કરનારને જ કામ પર પ્રાથમિકતા આપશે તો ગ્રામિણ અને નાના શહેરોને યુવાનો મુખ્યધારામાં સમાવિષ્ટ કરી શકાશે નહીં. સમાજના એકેએક નાગરિકને કામમાં સમાવિષ્ટ કરવાની ચંદ્રશેખર ભલામણ કરે છે. બીજું કે આજ દિન સુધી કામને લઈને એ બાબત દૃઢ થઈ ચૂકી હતી કે નોકરીયાત વર્ગને કામ પાસે જવું રહ્યું, પરંતુ કોરોનામાં એવું થયું કે કામ કરનાર પાસે કામ પહોંચ્યું. અને આ વિચાર જો ઠોસ રીતે લાગુ થાય તો શહેર અને ગ્રામિણ વિસ્તારનો ભેદ ચોક્કસ ઘટાડી શકાય, કારણ કે તેમાં ગ્રામિણ વિસ્તારના તમામ લોકો સામેલ થઈ શકશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796