Monday, September 9, 2024
HomeGujaratAhmedabadકાકોરી ઘટનાના સો વર્ષની ઉજવણી : કાકોરીમાં ક્રાંતિકારીઓએ સરકારી ખજાનો કેવી રીતે...

કાકોરી ઘટનાના સો વર્ષની ઉજવણી : કાકોરીમાં ક્રાંતિકારીઓએ સરકારી ખજાનો કેવી રીતે લૂંટ્યો હતો

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હમણાં સ્વતંત્રતા દિવસ ગયો અને આપણને મળેલી આ મહામૂલી સ્વતંત્રતા પાછળની કેટકેટલી ઘટનાઓ છે, જે આજે પણ રસપ્રદ રીતે બયાન થાય છે. આ ઘટનાઓમાં એક હતી ‘કાકોરી ટ્રેન એક્શન’. (Kakori Train robbery) ઉત્તર પ્રદેશમાં આવેલા કાકોરીની આ ઘટનાને આજે પણ બ્રિટિશરો સામે ક્રાંતિકારીઓ દાખવેલી બહાદુરી તરીકે યાદ કરવામાં આવે છે. 9 ઑગસ્ટ 1925ના રોજ લખનઉ સ્ટેશનથી આઠ કિલોમીટરના અંતરે આ ઘટના બની હતી. દસ ક્રાંતિકારીઓએ સહારનપુર-લખનઉ પેસેન્જર ટ્રેન લૂંટવાનું (loot) આયોજન કર્યું હતું અને તેઓ તેમાં સફળ પણ થયા હતા. જોકે તે પછી તેમાંથી મહદંશે સૌને ફાંસીની સજા થઈ. અંગ્રેજોએ આ કેસમાં સંડોવાયેલા ક્રાંતિકારીઓને શોધવા માટે દેશભરમાં તપાસ અભિયાન છેડ્યું હતું. સો વર્ષ પછી પણ કાકોરીની ઘટનાને અનેક વખત ટાંકવામાં આવે છે. કાંકોરી ટ્રેનની આ ઘટના ‘રોબરી’, ‘કાંડ’ અને ‘કોન્સ્પરન્સી’ એ રીતે પણ વાંચવા મળે છે. પરંતુ આ શબ્દો દેશની સ્વાતંત્રતા સંગ્રામની મહત્ત્વની આ ઘટનાને અપમાનની ભાવના દર્શાવે છે; તેથી હવે તેને ‘કાકોરી ટ્રેન એક્શન’ના નામથી ઓળખાય છે. સો વર્ષે ફરી આ ઘટનાને જોઈ જોવી જઈએ કે આ આખરે એ દિવસે કાકોરીમાં બન્યું શું હતું. ઉત્તર પ્રદેશ સરકાર તો તેની શતાબ્દીની ઊજવણી કરવા જઈ રહ્યું છે. જોકે ઉત્તર પ્રદેશ સરકારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે ક્રાંતિકારીઓએ કરેલી આ ‘એક્શન’નો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર આઝાદી મેળવવા માટે ખૂટતાં ભંડોળને એકઠું કરવા પૂરતું હતું.

Kakori train robbery
Kakori train robbery

આઝાદીની લાંબી લડત દરમિયાન ક્રાંતિકારીઓ અનેક વખત એવી સ્થિતિમાં આવ્યા જ્યારે તેમની પાસે લડત ચલાવવા અર્થે આર્થિક ભંડોળ ન હોય. 1922માં ચૌરાચૌરની ઘટના બની ત્યાર બાદ આઝાદીની લડત મંદ પડી હતી. આ દરમિયાન ‘હિંદુસ્તાન રિપબ્લિક એસોશિએશન’ના ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, અશફાઉલ્લાખાન, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્ર લાહિડી, સચિન્દ્ર બખ્શી, મન્મનાથ ગુપ્ત, કેશવ ચક્રવર્તી, મુકુંદી લાલ અને બનવારીલાલ સહિત દસ ક્રાંતિકારી આ ઘટનામાં સામેલ થયા હતા. રામપ્રસાદ બિસ્મિલ આ પૂરી ઘટનામાં મહત્ત્વના વ્યક્તિ હતા, જેમણે સૌપ્રથમ નક્કી કર્યું કે આપણે સરકારી પૈસાને લૂંટીશું. બિસ્મિલ આત્મકથામાં લખે છે : “હું રેલવેના સફર દરમિયાન એક ગાર્ડ પાસે બેઠો હતો. મેં જોયું કે સ્ટેશન માસ્ટર એક થેલી લઈને આવ્યો અને ગાર્ડ પાસે રહેલા એક પેટીમાં તે થેલી નાંખી દીધી. તે પછીના સ્ટેશન પર પણ આવું જ થયું. પછી મને જાણકારી મળી કે પેટીમાં આવતાં આ તમામ રૂપિયા ટેક્સના હતા. જેને સરકારની તિજોરી સુધી પહોંચડાવામાં આવતા હતા. એક દિવસ લખનઉ સ્ટેશન પર મેં જોયું કે ગાર્ડ પાસેથી કુલી લોખંડની એ પેટીને નીચે ઉતારી રહ્યો હતો. તે પેટીને ન તો કોઈ સાંકળ હતી; ન તાળું. એ દિવસે મેં નક્કી કરી લીધું કે આ પેટી પર હું હાથ મારીશ.” –‘બીબીસી’ના રેહન ફઝલે આ પૂરી ઘટનાને સાંકળીને એક અહેવાલ બનાવ્યો છે, તેમાંથી કેટલીક વિગત અહીં લીધી છે.

- Advertisement -

રામપ્રસાદ બિસ્મિલે સરકારના રૂપિયા લૂંટવાનું નક્કી કરી લીધા બાદ ટ્રેનમાંથી આ લોખંડની પેટીને કેવી રીતે લૂંટવી તેનું પ્લાનિંગ થયું. આ પ્લાનિંગમાં દસ ક્રાંતિકારીઓ સામેલ થયા. કાકોરી એક નાનકડું સ્ટેશન હતું, તેથી તે સ્ટેશનની પસંદગી થઈ. ક્રાંતિકારીઓ શાહજાનપુરથી ટ્રેનમાં બેસશે તેવું નક્કી થયું અને કાકોરી આવતાવેંત ટ્રેનની ચેઈન ખેંચવામાં આવશે. ટ્રેન રોકાશે એટલે ગાર્ડ દ્વારા સુરક્ષિત કોચમાં પહોંચીને લોખંડીની પેટીને આંતરી લેવાશે. જોકે આ બધું કરતી વેળાએ એવું કોઈને પણ શારીરિક નુકસાન પહોંચાડવામાં નહીં આવે- તે સૌએ ઠરાવ્યું હતું. અંગ્રેજ અમલદારો સામે લડવા માટે અને પોતાની સુરક્ષા માટે સો ક્રાંતિકારીઓએ જર્મન બનાવટની માઉજર પિસ્તોલ રાખી હતી. 9 ઑગસ્ટનો દિવસ આવ્યો અને ક્રાંતિકારીઓ પૂરી તૈયારી સાથે અલગ-અલગ જગ્યાએથી શહાજાનપુર સ્ટેશન આવ્યા. સૌ કોઈ રોજબરોજના પહેરવેશમાં હતા અને તેમણે પોતાના હથિયાર કપડાંમાં છુપાવી રાખ્યા હતા. આયોજન મુજબ કાકોરી સ્ટેશન આવ્યું ત્યારે રાજેન્દ્ર લાહિડી ચેઇન પુલિંગ કર્યું અને ટ્રેન રોકાઈ. તુરંત રામપ્રસાદ બિસ્મિલ અને અન્ય ક્રાંતિકારીઓએ બંદૂક કાઢી અને સૌને ચેતવી દીધા કે અમે તમને કોઈને નુકસાન નહીં પહોંચાડીએ. અમે માત્ર સરકાર પાસે રહેલાં આપણા નાણાં લેવા આવ્યા છીએ. એ રીતે સૌ કોઈ ઝડપભેર ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરીને સૌ કોઈ હવામાં ગોળીબાર કરવા લાગ્યા. તેઓ ટ્રેનમાં બેસેલા સૌ મુસાફરોને પોતાનો સંદેશો પહોંચાડવા માંગતા હતા કે ડરવાની જરૂર નથી, અમે માત્ર સરકારના નાણાં લેવા આવ્યા છીએ.

તમામ ક્રાંતિકારી રૂપિયાથી ભરેલી લોખંડની પેટી હતી એ કોચમાં પહોંચી ચૂક્યા હતા. ત્યાં તેમને ખ્યાલ આવ્યો કે આ પેટીને ઊંચકીને ભાગવું અશક્ય છે. પેટીને તોડીને તેમાંથી રૂપિયા કાઢી લેવાનો એક જ વિકલ્પ બચ્યો હતો. ક્રાંતિકારીઓમાં સૌથી બળવાન અશફાકઉલ્લા ખાન હતા, તેથી તેઓ પેટીને તોડવા માટેનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન અહમદ અલી નામનો એક યાત્રી નીચે ઉતર્યો. તે પોતાની પત્ની અને બાળકોને આગળના મહિલા કોચમાં મળવા જવા માંગતો હતો. તે જાણે આ પૂરી ઘટનાથી અજાણ હોય તેમ નીચે ઉતર્યો હતો. રામપ્રસાદ બિસ્મિલને એ યાત્રીને જોઈને ખ્યાલ પણ આવ્યો કે તેના તરફથી કોઈ જોખમ નથી. પરંતુ પેટી તોડવામાં મશગૂલ સૌકોઈ એવો વિચાર આવ્યો નહોતો; અને તેમાંથી એક મન્મથનાથ ગુપ્તે કશુંય વિચાર્યા વિના તુરંત બંદૂકની ટ્રીગર દબાવી દીધું. અહમદ અલી ત્યાં જ ઢળી પડ્યો. અહમદને ગોળી વાગવાથી ક્રાંતિકારીઓની ત્યાંથી નિકળી જવાની ઉતાવળ વધી. આખરે પેટીનું તાળું તોડ્યું અને ચાદરમાં રૂપિયા નાંખીને સૌ કોઈ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા. બીજા દિવસે આ સમાચાર દેશભરમાં પ્રસર્યા અને અંગ્રેજ સરકારે તેમના સામ્રાજ્ય પર થયેલાં હૂમલા તરીકે આ ઘટનાને લીધી. સરકારે ટ્રેન લૂંટનારાઓની માહિતી આપનારને મોટું ઇનામ જાહેર કર્યું. તે અંગેની માહિતી તમામ રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશન પર મૂકવામાં આવી.

આયોજન મુજબ કામ તો પાર પડ્યું, પરંતુ ક્રાંતિકારીઓ જ્યાં ટ્રેનમાં લૂંટ કરી હતી ત્યાં ચાદર ભૂલી આવ્યા હતા. પોલીસે તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે ચાદરમાં શાહજહાનપુરના એક ધોબીની દુકાનની નિશાની લાગેલી છે. પોલીસ આ ધોબી પાસે પહોંચી. અહીં પોલીસને માહિતી મળી કે ચારદ બનવારીલાલની છે. બિસ્મિલના સાથી બનવારીલાલની પોલીસે ધરપકડ કરી અને પૂરી ઘટના તેણે પોલીસ સામે બયાન કરી. ત્યાંથી પોલીસને એ પણ માહિતી મળી કે બિસ્મિલ સાથે ‘હિંદુસ્તાન રિપબ્લિક એસોશિએશન’ના કયા કયા સભ્યો શહેરથી બહાર ગયા હતા. કાકોરી ટ્રેન એક્શનની એકેએક વિગત પોલીસ પાસે પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે ક્રાંતિકારીઓમાંથી એક આરોપી તાજનો સાક્ષી બની ચૂક્યો હતો. આ વિશે રામપ્રસાદ બિસ્મિલે તે વ્યક્તિના નામોલ્લેખ વિના લખ્યું છે કે, “કમનસીબે અમારી વચ્ચે એક સાપ રહેતો હતો. તે એ વ્યક્તિનો ખૂબ જ ગાઢ મિત્ર હતો, જે પર અમારા સંગઠન માટે ભરોસાપાત્ર વ્યક્તિ હતો. મને પછી ખબર પડી કે તે વ્યક્તિ માત્ર કાકોરીની ટીમની ધરપકડ માટે જ નહીં, પણ અમારા સંગઠનને નેસ્તનાબૂદ કરવા માટે જવાબદાર હતો.” જોકે પછીથી કાકોરી અંગે થયેલાં સંશોધનમાં આ વ્યક્તિનું નામ બહાર આવ્યું જેણે ક્રાંતિકારીઓ વચ્ચે રહીને તેમને દગો આપ્યો હતો. તે બનવારીલાલ ભાર્ગવ હતો. બનવારીલાલની ભૂમિકા હથિયાર પહોંચાડવાની હતી. જોકે બાદમાં ચાલેલા કેસથી તેણે ફાંસીથી બચવા અને સરકાર તરફથી મળેલી આર્થિક મદદના કારણે સરકારી સાક્ષી બન્યો હતો. આ કારણે કાકોરી ટ્રેન એક્શનમાં સામેલ ક્રાંતિકારીઓની ત્રણ મહિનામાં ધરપકડ થઈ. આ એક્શનમાં દસ ક્રાંતિકારીઓ સામેલ હતા, પરંતુ ચાળીસથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. તેમાં માત્ર ચંદ્રશેખર આઝાદને પોલીસ ન પકડી શકી. સૌથી છેલ્લે રામપ્રસાદ બિસ્મિલની ધરપકડ થઈ. આ બધા પર માત્ર લૂંટનો જ નહીં પણ હત્યાનો પણ આરોપ લાગ્યો. આખરે 19 ડિસેમ્બર 1927ના રોજ રામપ્રસાદ બિસ્મિલ, રોશનલાલ અને રાજેન્દ્ર લહિરી ગોરખપુર જેલમાં ફાંસી આપવામાં આવી. એ જ દિવસે અશફાખઉલ્લા ખાનને ફૈઝાબાદમાં ફાંસી આપવામાં આવી. રામપ્રસાદ બિસ્મિલને જે દિવસે ફાંસી થઈ ત્યારે તેમના હોઠે ખાલિક બિસ્મલ અજીમબાદીની રચના હતી : “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ. દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ.”

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular