નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ હાલ રાજ્યની અનેક યુનિવર્સિટીમાં પરિક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મહેસાણાની એક યુનિવર્સિટીમાંથી ચોંકાવાનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના વિજાપુરમાં આવેલી સ્વામિનારાયણ કોલેજ (swaminarayan college vijapur) માં પરિક્ષા ચાલી રહી હતી, તે દરમિયાન નિરીક્ષક દ્વારા પરિક્ષામાં ચોરી કરતાં કેટલાક વિદ્યાર્થીઓને ઝડપ્યા હતા. ત્યારે વિદ્યાર્થી સામે કેસ ન કરવા માટે કોલેજ દ્વારા નિરીક્ષકને ગોંધી રાખવામાં આવ્યા હતા સાથે જ ધમકી પણ આપવામાં આવી હતી.
વધુ વાંચો: મહેસાણાની વડાસ્મા ફાર્મસી કોલેજમાં યુવતીની આત્મહત્યા નહીં, હત્યા થઈ હોવાનો ચોકાંવનારો ખુલાસો
પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણાના વિજાપુરમાં આવેલી સ્વામિનારાણ કોલેજમાં M. SC સેમેસ્ટર 4ના 45 વિદ્યાર્થીની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાવવાની હતી. આ પરિક્ષા લેવા માટે યુનિવર્સીટી દ્વારા ડૉ. દિપીકા , ડૉ. શ્વેતા અને ડૉ. હિમાંશુ ત્રણ પ્રોફેસરની ટીમ મોકલમાં આવી હતી. પરિક્ષામાં વિદ્યાર્થીઓ કાપલીમાંથી ચોરી કરી રહ્યા હતા, જેથી નિરીક્ષો દ્વારા કંઈપણ સાહિત્ય જોડે હોય તો બહાર મુકી દેવાની અપીલ કરવામાં આવી હતી. અનેક સુચનાઓ આપ્યા છતાં પણ ચોરી કરતાં 11 જેટલા વિદ્યાર્થીઓને ચોરી કરતાં નિરીક્ષોએ ઝડપી પાડ્યા હતા. નિરીક્ષોએ તમામ ચોરી કરતાં ઝડપાયેલા વિદ્યાર્થી સામે કોપી કેસ કરવાનું મન બનાવી લીધું હતું. આ વાત કોલેજના સત્તાધીસોને પસંદ ન આવતા નિરીક્ષોને કોલેજમાં ગોંધી રાખવામાં આવ્યા હતા.
નિરિક્ષો 11 વિદ્યાર્થીઓ પર કોપી કેસ કરવાના હોવાથી કોલેજના સત્તાધીસ દ્વારા નિરીક્ષોને કેસ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષો એકના બે ન થતાં વિદ્યાર્થીઓના વાલીઓ આવી રહ્યા છે તેમ કહીને નિરીક્ષોને કેબીનમાં નજરકેદ કરી દેવામાં આવ્યા હતા, સાથે નિરીક્ષોને ડરાવી ધમકી આપવામાં આવી હતી અને ઘરે જવા દેવામાં આવ્યા ન હતા. સ્વામિનારાયણ કોલેજની લુખ્ખી દાદાગીરી જોઈને નિરીક્ષોએ સુરક્ષા માટે યુનિવર્સીટીના સત્તાધીશોને જાણ કરી હતી. યુનિવર્સીટી દ્વારા વિજાપુરની સ્વામિનારાયણ કોલેજમાં નિરીક્ષોને ગોંધી રાખ્યા હોવાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસનો કાફલો કોલેજ પહોંચતા જ કોલેજના સત્તાધીસો શાંત પડ્યા હતા અને ત્રણએ નિરીક્ષોને કોલેજની ગાડીમાં મહેસાણા લઈ જવામાં આવ્યા હતા.
સ્વામિનારાણ કોલેજમાં બનેલા બનાવને લઈને મહિલા પ્રોફેસરોએ જણાવ્યું હતું કે, અમે મહિલા હોવા છતાં અમારી જોડે ઊંચા અવાજે ખખડાવીને ગેરવર્તન કરવામાં આવ્યું, વાલીઓ આવી રહ્યા છે તેમ કહીને કેબીનમાં નજર કેદ કરવામાં આવ્યા, ત્યાર બાદ વાલીઓ ગાડી લઈને આવ્યા અને અમે વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા હોવાનું કહીને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી, એક વાલીએ તો પોતે પોલીસ સબ ઈન્સપેક્ટર હોવાનું કહીને શું કરી લેશો તેમ કહી ધમકાવ્યા હતા. એક વાલીએ કહ્યું કે, અમે આવીએ જ છીએ તેમને બહાર નિકળવા દેતા નહીં, જેલ ભેગા કરી દેવાના છે. કોલેજ અને વાલીઓનું આવુ વર્તન જોઈને અમે ખુબ જ ડરી ગયા હતા. અમારે ઘરે પરિવાર છે નાના બાળકો છે અમારુ શું થશે તેને લઈને અમે ચિંતીત બન્યા હતા. કોલેજમાંથી નિકળવા માટે અમે યુનિવર્સીટીનો સંપર્ક કર્યો, જેથી ચેરમેન રજીસ્ટ્રાર કુલપતી સહિતના સ્ટાફે તાત્કાલિક મદદ માટે પોલીસને મોકલ્યા હતા. અમને જીવનમાં પહેલીવાર આવો અનુભવ થયો છે. આવો બનાવ બીજી વખત ન બને તે માટે યુનિવર્સીટી દ્વારા કડક પગલા લેવા જોઈએ.








