નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત ગ્રામ્ય SOGએ સાયણ ચોકીની હદમાંથી એક મહિનામાં બીજી વખત મોટા પાયે ગાંજાનો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં કારેલી ગામની મધુવન રેસીડેન્સીમાંથી 55.493 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે, જ્યારે અગાઉ સાયણ સુગર રોડ પર કરિયાણાની દુકાનમાંથી 18.241 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બંને કેસ મળીને કુલ રૂ. 36.86 લાખનો ગાંજો કબ્જે કરવામાં આવ્યો છે.
મધુવન રેસીડેન્સીમાંથી 27.74 લાખનો જથ્થો
સુરત ગ્રામ્ય SOGને મળેલી બાતમીના આધારે ઓલપાડ તાલુકાના કારેલી ગામની મધુવન સોસાયટીના મકાન નંબર 188માં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો 55.493 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 27,74,650 ગણવામાં આવી છે.
SOGએ ચાર આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે ગાંજો ટ્રેન મારફતે ઓરિસ્સાથી મોકલવામાં આવ્યો હતો અને સાયણ રેલવે સ્ટેશન પર ઉતારી ટેમ્પોમાં ભરી મધુવન સોસાયટીમાં લાવવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓએ વધુમાં કબૂલ્યું કે જથ્થામાંથી અંદાજે રૂ. 2 લાખનો ગાંજો વેચી પણ દેવામાં આવ્યો હતો.
અગાઉ કરિયાણાની દુકાનમાંથી 9.12 લાખનો ગાંજો
આ પહેલા સાયણ સુગર રોડ પર આવેલી કરિયાણાની દુકાનમાંથી 18.241 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો, જેની કિંમત રૂ. 9.12 લાખ હતી.
એક મહિનામાં સતત બે મોટા ક્વોન્ટિટી કેસ થતાં સાયણ વિસ્તાર ગાંજાના નેટવર્ક માટે હોટસ્પોટ બન્યો હોવાની ચર્ચા છે.
કુલ 30.34 લાખનો મુદ્દામાલ કબ્જે
તાજેતરના દરોડામાં SOGએ 55.493 કિલોગ્રામ ગાંજાની સાથે એક ટેમ્પો અને અન્ય સાધનસામગ્રી સહિત કુલ રૂ. 30.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગાંજો સપ્લાય કરનાર અને ટ્રેન મારફતે મોકલનાર સહિત કુલ સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સાયણ પોલીસ ચોકીના સ્ટાફે નાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતાં જિલ્લા પોલીસ વડા દ્વારા PSI દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પરંતુ ત્યારબાદ ફરી સુરત ગ્રામ્ય SOGએ જ સાયણ ચોકીની હદમાંથી મોટા જથ્થાનો ગાંજો ઝડપતાં “ગાંજો પકડે SOG અને સન્માન મળે સાયણ PSIને” જેવી ચર્ચા ઉઠી છે.
સ્થાનિક પોલીસની દેખરેખ અને નેટવર્ક પર નિયંત્રણ અંગે હવે પ્રશ્નચિન્હ ઊભાં થયા છે.








