નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ (Brij Bhushan Sharan Singh) સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના આંદોલનમાં (Wrestlers Protest) નવો વળાંક આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર કુસ્તીબાજ સાક્ષી મલિક (Sakshi Malik) લડાઈમાંથી ખસી ગઈ છે અને રેલવેમાં તેની નોકરી પર પરત ફરી છે. જોકે, આ સમાચાર સામે આવ્યા બાદ સાક્ષીએ તરત જ ટ્વીટ કરીને આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે લખ્યું છે કે, “આ સમાચાર બિલકુલ ખોટા છે. ન્યાયની લડાઈમાં, અમારામાંથી કોઈએ પીછેહઠ કરી નથી. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું. અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. કૃપા કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.”
બ્રિજ ભૂષણ વિરુદ્ધના આંદોલનમાંથી સાક્ષીનું હટી જવું આ આંદોલન માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2021 ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પણ આંદોલનમાંથી હટી શકે છે અને તેમના કામ પર પાછા આવી શકે છે. આ ત્રણ કુસ્તીબાજોના નેતૃત્વમાં બ્રિજભૂષણનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. રેસલર્સે બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.
આ આરોપને લઈને કુસ્તીબાજ બજરંગ, સાક્ષી અને વિનેશ પહેલા 18 જાન્યુઆરીએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. આ પછી, રમત મંત્રાલય તરફથી કાર્યવાહીનું આશ્વાસન મળ્યા બાદ, કુસ્તીબાજોએ હડતાલ પાછી ખેંચી લીધી. કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ લગાવતા, કુસ્તીબાજો ફરી 23 એપ્રિલે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. કુસ્તીબાજ અને બ્રિજ ભૂષણ બંને તરફથી આક્ષેપ-પ્રત્યાક્ષેપનો તબક્કો ચાલુ રહ્યો હતો. જ્યારે બ્રિજ ભૂષણે કહ્યું હતું કે જો આરોપ સાબિત થશે તો તે પોતાને ફાંસી આપી દેશે, પરંતુ કુસ્તીબાજો તેની ધરપકડની માગ પર અડગ રહ્યા હતા.
28 મેના રોજ, જ્યારે કુસ્તીબાજો નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે તેમને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જો કે બાદમાં કુસ્તીબાજોને પણ છોડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દિલ્હીના જંતર-મંતર પર ધરણા પ્રદર્શનને પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને તેમના તંબુ હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી, 30 મેના રોજ, કુસ્તીબાજો હરિદ્વાર પહોંચ્યા અને ઓલિમ્પિક સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જીતેલા મેડલને ગંગામાં ફેંકવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ખેડૂત નેતા નરેશ ટિકૈતના સમજાવ્યા બાદ કુસ્તીબાજોએ તેમના મેડલ ગંગામાં વાહવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.
ત્યાર બાદ આ કુસ્તીબાજોને 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સમર્થન મળ્યું હતું. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. બધાએ સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી હતી. નિવેદનમાં, આ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું હતું કે, “કુસ્તીબાજો સાથે જે થયું તે દુઃખદ છે, પરંતુ તેઓએ તેમના મહેનતના મેડલને ગંગામાં ફેંકવા જોઈએ નહીં.” 1983ની ચેમ્પિયન ટીમે કહ્યું કે, “કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કુસ્તીબાજોની માગ સાંભળવામાં આવશે.”
આ પછી સાક્ષી માલિક, બજરંગ પુનિયા અને વિનેશ વિનેશ ફોગટે શનિવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કુસ્તીબાજોએ ગૃહમંત્રી પાસે બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી હતી. આ પછી, ગૃહમંત્રીએ કુસ્તીબાજો સાથે કોઈપણ ભેદભાવ વિના સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી. અમિત શાહે કહ્યું કે, “આ મામલે કાયદો પોતાનું કામ કરશે. પોલીસ તપાસ કરી રહી છે.” તેમણે કુસ્તીબાજોને પણ પૂછ્યું કે, “શું પોલીસને તેમનું કામ કરવા માટે સમય ન આપવો જોઈએ.”
રવિવારે ઓલિમ્પિયન સાક્ષી મલિકની માતા સુદેશ મલિકે દાવો કર્યો હતો કે, “લગભગ એકથી દોઢ કલાકની બેઠકમાં ગૃહમંત્રીએ ત્રણેય ખેલાડીઓને ઉત્સાહને બદલે સમજદારીથી કામ લેવા જણાવ્યું હતું.” સુદેશ મલિકે જણાવ્યું કે, “અમિત શાહે કુસ્તીબાજોને આંદોલન ખતમ કરવા સમજાવતા કહ્યું કે, કોઈપણ ખેલાડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.”
આ પછી બજરંગ પુનિયા રવિવારે સોનીપત સ્થિત મુંડલાના પંચાયત પહોંચ્યા અને કહ્યું કે, આજે કોઈ નિર્ણય ન લેવાય. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં તમામ સંગઠનોને એક મંચ પર લાવીને એક મોટી પંચાયત બોલાવવામાં આવશે. ત્રણ-ચાર દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ દરેકને પંચાયતના સ્થળ અને સમય વિશે જાણ કરવામાં આવશે. આ પંચાયતમાં આગળનો નિર્ણય લેવામાં આવશે
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








