ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): રશિયાએ (Russia) મકાઇ નિકાસ સોદાને મંજૂરી આપવા સહમતી દર્શાવ્યા બાદ, મકાઇના ભાવમાં (Corn Price) વધુ ગાબડું પડી ભાવ જુલાઇ ૨૦૨૧ની બોટમે જઈ બેઠા હતા. આ તરફ ચીને અગાઉ નિર્ધારિત કર્યા મુજબના અમેરિકી મકાઇના ૨૦૨૨-૨૩માં ડિલિવર કરવાના ૨.૭૨ લાખ ટન આયાતના સીદા રદ્દ કર્યાના સમાચારે પણ બજાર પર દબાણ ઊભું કર્યું હતું. દરમિયાન અમેરિકન મકાઇ (American Corn) વાવેતરની સારી શરૂઆત થયા પછી, હવામાન સારું રહેતા વાવણીમાં ઝડપ આવી હતી. અમેરિકામાં સારી વાવણી અને મબલખ પાકના અહેવાલે મંદિવાળાનો જોમ અને જુસ્સો વધ્યા હતા. કાળા સમુદ્રના ગ્રેન કોરિડોરમાંથી આવતા અહેવાલ ઉપરાંત કૃષિ ટ્રેડરોએ હવે અમેરિકન હવામાન અને બ્રાઝિલના એફઓબી નિકાસ ભાવ પર પણ નજર રાખવાની રહેશે.
આ સપ્તાહનો અમેરિકન ક્રૃષિ મંત્રાલયનો ૨૦૨૩-૨૪નો પ્રથમ પ્રાથમિક વાવેતર અંદાજ કહે છે કે ૬૫ ટકા વાવણી થઈ ગઈ છે, અલબત્ત વેપારી અનુમાન કરતાં સહેજ ઓછું હોવા છતાં, જો છેલ્લા પાંચ વર્ષની વાવેતર એકરેજ સરેરાશ જોઈએ તો તે ઘણી વધુ છે. સીબીઓટી જુલાઇ વાયદો શુક્રવારે વેગથી ઘટીને પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) ૫.૪૭ ડોલર મુકાયો હતો. નવા પાકનો ડિસેમ્બર વાયદો પણ ૧૯૭૩ પછી પહેલી વખત પાંચ ડોલરની નીચે ગયો હતો.
નવા પાકના મકાઇ વાયદાએ પાંચ ડોલર નીચે જઈ નવો ઇતિહાસ સર્જ્યો છે, ત્યારે અન્ય તમામ વાયદામાં ડાઉન ટ્રેન્ડ મોમેન્ટમ શરૂ થઈ ગઈ છે. અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે ૨૦૨૩/૨૪ના મકાઇ પાકમાં વર્ષાનું વર્ષ ૧૦ ટકા જેવી વૃધ્ધિનો અંદાજ છે. પ્રથમ અનુમાન પ્રમાણે વધેલું વાવેતર અને યિલ્ડમાં વધારો જોતાં પાક ૧૫.૩ અબજ બુશેલ મુકાય છે. બજારનો અંદાજ પણ ૧૫.૧ અબજ બુશેલ ગણાવાય છે. ૨૦૨૩/૨૪ માં અમેરિકન મકાઇ વાવેતર ૭૯૨ લાખ થી ૮૪૧ લાખ એકર અનુમાનિત છે. અમેરિકાનો વપરાશ ૪૩૦૦ લાખ બુશેલ વધીને ૧૨.૪ અબજ બુશેલ અને નિકાસ ૩૨૫૦ લાખ બુશેલ વધી ૨.૧ અબજ બુશેલ અંદાજવામાં આવી છે. આ બધાનો સરવાળો ૨૦૨૩/૨૪ના વર્ષાન્ત સ્ટોકમાં જોવા મળશે, જે ૨૦૨૨/૨૩ના ૧.૪૨ અબજ બુશેલથી વધીને ૨.૨૨ અબજ બુશેલ અંદાજાયો છે. બજારનું અનુમાન ૨.૧ અબજ બુશેલ છે.
વૈશ્વિક મકાઇનું ઉત્પાદન ૨૦૨૩/૨૪માં વર્ષાનુ વર્ષ ૬ ટકા વધીને ૧.૨૨ અબજ ટન અંદાજાયું છે. અમેરિકન મકાઇ પુરવઠો વધીને ૩૯૦ લાખ ટન, આર્જેન્ટિના ૧૭૦ લાખ ટન, યુરોપિયન યુનિયન ૧૧૩ લાખ ટન આવશે, જે યુક્રેનમાં જોવાનાર ૫૦ લાખ ટન અને બ્રાઝિલમાં ૧૦ લાખ ટન સપ્લાય ઘટને સરભર કરી નાખશે. ૨૦૨૩/૨૪નો જાગતિક વર્ષાન્ત સ્ટોક ગતવર્ષ કરતાં ૧૫૫ લાખ ટન વધીને ૩૧૨૯ લાખ ટન અનુમાનિત છે. આ સ્ટોક પણ બજારના અનુમાન ૩૦૮૦ લાખ ટન કરતાં વધુ છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








